<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th September 2026

ખેડામાં માત્ર પાંચ વર્ષમાં જ ચેકડેમમાં પડ્યું મોટું ગાબડું: હજારો લિટર પાણી વહી જતાં ખેડૂતોમાં રોષ

કપડવંજ તાલુકાના કોસમ ગામે વાત્રક નદી પર બનેલા ચેકડેમના બાંધકામની ગુણવત્તા સામે ઉઠ્યા ગંભીર સવાલો

કપડવંજ : ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના કોસમ પાસેથી પસાર થતી વાત્રક નદી પર બનાવવામાં આવેલા ચેકડેમમાં મોટું ગાબડું પડતાં પાણી સંગ્રહ થવાને બદલે સીધું નદીમાં વહી રહ્યું છે, જેના કારણે સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે ચિંતા અને રોષ ફેલાઈ ગયો છે.

સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, સિંચાઈ વિભાગ દ્વારા આશરે પાંચ વર્ષ અગાઉ જ આ ચેકડેમનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભૂગર્ભ જળસ્તર ઊંચું આવ્યું હતું અને ખેડૂતોને મોટો ફાયદો થતો હતો, પરંતુ એકાએક ગાબડું પડવાથી બધું પાણી વહી ગયું છે.

ચેકડેમનો મુખ્ય હેતુ પાણીનો સંગ્રહ કરવાનો હોય છે, પરંતુ હાલ ગાબડું પડવાથી પાણી રોકાવાને બદલે સતત વહેતું હોવાથી ચેકડેમનો મૂળ હેતુ જ નિષ્ફળ થઈ રહ્યો છે અને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

પાંચ વર્ષ જેટલા ટૂંકા સમયગાળામાં જ ચેકડેમ ક્ષતિગ્રસ્ત થતા તેના બાંધકામની ગુણવત્તા સામે મોટા સવાલો ઉઠ્યા છે, અને સ્થાનિકોએ તાત્કાલિક મરામત કરવાની સાથે સિંચાઈ વિભાગની આ કામગીરીની ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની માંગ ઉઠાવી છે.

(2:31 PM IST)