<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

મહેસાણાના ડભાડ ગામેથી લાખો રૂપિયાનો મોટી માત્રામાં ગેરકાયદે જથ્થો ઝડપાતા ભારે ચકચાર

એક કરિયાણાની દુકાનમાં શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની બાતમીના આધારે અધિકારીઓની ટીમે તાત્કાલિક દુકાન પર દરોડા પાડતા મોટા પ્રમાણમાં ગેરકાયદે અનાજ મળ્યું

મહેસાણા જિલ્લામાં સરકારી અનાજની કાળાબજારી સામે પુરવઠા વિભાગે લાલ આંખ કરી છે, જેમાં ડભાડ ગામેથી મોટી માત્રામાં ગેરકાયદે જથ્થો ઝડપાતા ભારે ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ, ડભાડ ગામે આવેલી એક કરિયાણાની દુકાનમાં શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની બાતમી સ્થાનિક તંત્ર અને પુરવઠા વિભાગને મળી હતી. આ બાતમીના આધારે અધિકારીઓની ટીમે તાત્કાલિક દુકાન પર દરોડા પાડ્યા હતા, જ્યાંથી મોટા પ્રમાણમાં ગેરકાયદે અનાજ મળી આવ્યું હતું.

તપાસ દરમિયાન દુકાનમાંથી રૂપિયા ૨૫ હજારની કિંમતના ૮૬૧ કિલોગ્રામ ઘઉં, રૂપિયા ૩.૮૭ લાખની કિંમતના ૧૪,૩૬૯ કિલોગ્રામ ચોખા અને રૂપિયા ૧૦ હજારની કિંમતના ૩૫૮ કિલોગ્રામ બાજરી સહિત કુલ રૂપિયા ૪.૨૫ લાખનો ગેરકાયદે અનાજનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને દુકાનદાર સંજય દિલીપભાઈ મોદી સામે કાયદેસરની સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેનાથી અનાજની કાળાબજારી કરતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

 

(11:35 PM IST)