<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th April 2026

કોર્પોરેશન-પાલિકા-તાલૂકા-જીલ્લા પંચાયત ચૂંટણીઓમાં ઉમેદવારોના ચૂંટણી ખર્ચની મર્યાદામાં જબરો વધારોઃ ચુંટણી આયોગનો મહત્‍વનો નિર્ણય

કોર્પોરેટર માટે ૯ લાખઃ ૧થી૯ વોર્ડ ધરાવતી પાલિકામાં સવા બે લાખઃ ૯થી વધૂ વોર્ડ ધરાવતી પાલીકામાં ઉમેદવાર માટે ૩ાા લાખ મર્યાદા... : જીલ્લા પંચાયતમાં ઉમેદવાર માટે ૬ લાખઃ તાલુકા પંચાયતમાં ૩ લાખઃ સરપંચમાં ૨૫ હજારથી ૭૦ હજાર

રાજકોટ તા.૧૮: ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓની ચૂંટણીઓને લઈને રાજ્‍ય ચૂંટણી આયોગ દ્વારા એક અત્‍યંત મહત્‍વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્‍યો છે. આયોગ દ્વારા મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતની સામાન્‍ય, પેટા કે મધ્‍યસત્ર ચૂંટણી લડતા ઉમેદવારો માટે ચૂંટણી ખર્ચની મહત્તમ મર્યાદામાં સત્તાવાર રીતે વધારો કરવામાં આવ્‍યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ચૂંટણી પ્રચારને લગતા તમામ પ્રકારના ખર્ચ અને સામગ્રીના ભાવોમાં થયેલા વધારાને ધ્‍યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. અગાઉ ભારતનાં ચૂંટણી પંચ (નવી દિલ્‍હી) દ્વારા પણ લોકસભા અને વિધાનસભાની ચૂંટણી લડતા ઉમેદવારોના ખર્ચની મર્યાદામાં વધારો કરવામાં આવ્‍યો હતો. આ જ બાબતને ધ્‍યાનમાં લઈને અને વિવિધ સ્‍તરેથી થયેલી વિચારણાના અંતે ગુજરાત રાજ્‍ય ચૂંટણી આયોગે પંચાયત અને શહેરી વિકાસ વિભાગના નિયમોને આધીન ઉમેદવારો માટે નવી ખર્ચ મર્યાદા નક્કી કરી છે.

રાજ્‍ય ચૂંટણી આયોગના સચિવ આર. જી. ગોહિલની સહીથી બહાર પાડવામાં આવેલા સત્તાવાર આદેશ મુજબ, હવેથી ઉમેદવારો નીચે મુજબ મહત્તમ ખર્ચ કરી શકશે.

નવી ચૂંટણી ખર્ચ મર્યાદા આ મુજબ રહેશેઃ મહાનગરપાલિકાના દરેક વોર્ડના ઉમેદવાર માટે રૂ. ૯,૦૦,૦૦૦, ૧ થી ૯ વોર્ડ ધરાવતી નગરપાલિકાના દરેક વોર્ડના ઉમેદવાર માટે રૂ. ૨,૨૫,૦૦૦, ૯ થી વધુ વોર્ડ ધરાવતી નગરપાલિકાના દરેક વોર્ડના ઉમેદવાર માટે રૂ. ૩,૫૦,૦૦૦, જિલ્લા પંચાયતના દરેક મતદાર વિભાગના ઉમેદવાર માટે રૂ. ૬,૦૦,૦૦૦, તાલુકા પંચાયતના દરેક મતદાર વિભાગના ઉમેદવાર માટે રૂ. ૩,૦૦,૦૦૦, ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર (૧૨ વોર્ડ સુધીની પંચાયત) રૂ. ૨૫,૦૦૦, ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર (૧૩ થી ૨૨ વોર્ડ સુધીની પંચાયત) રૂ. ૪૫,૦૦૦, ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર (૨૩ કે તેથી વધારે વોર્ડની પંચાયત) રૂ. ૭૦,૦૦૦.

રાજ્‍ય ચૂંટણી આયોગે આ નવો આદેશ તાત્‍કાલિક અસરથી અમલમાં મૂકયો છે. આ અંગેની જાણ રાજ્‍યના તમામ શહેરી અને જિલ્લા ચૂંટણી અધિકારીઓ, કલેક્‍ટરો, મ્‍યુનિસિપલ કમિશનરો અને સંબંધિત વિકાસ અધિકારીઓને કરી દેવામાં આવી છે. આ નિર્ણયથી ચૂંટણી લડવા ઈચ્‍છુક ઉમેદવારોને રાહત મળશે અને તેઓ બદલાયેલા સમય મુજબ પ્રચાર કાર્યમાં નિર્ધારિત રકમનો કાયદેસર રીતે ઉપયોગ કરી શકશે.

 

(2:58 PM IST)