<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th October 2026

અમદાવાદમાં તંત્રની ઘોર બેદરકારીથી ભારે આક્રોશ: ખુલ્લી ગટરમાં ખાબકેલી ૧૦ વર્ષની પ્રજ્ઞાચક્ષુ માસૂમ મનીષાનો ૮ દિવસ પછી પણ કોઈ પત્તો નહીં!

રિક્ષામાંથી ઉતરતી વખતે ઘાસથી ઢંકાયેલી ગટરમાં કાળનો કોળિયો બનેલી બાળકી માટે ફાયર બ્રિગેડનું શોધખોળ અભિયાન નિષ્ફળ; ગરીબ પરિવાર પર તૂટી પડ્યો દુઃખનો પહાડ

અમદાવાદ : અમદાવાદ શહેરના ગણેશ નગર વિસ્તારમાંથી સ્થાનિક તંત્રની લાપરવાહી અને ઘોર બેદરકારીનો એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. અહીં માત્ર ૧૦ વર્ષની પ્રજ્ઞાચક્ષુ (દ્રષ્ટિહીન) બાળકી મનીષા રિક્ષામાંથી ઉતરતી વખતે રોડ સાઈડ પર આવેલી ઢાંકણા વગરની ખુલ્લી ગટરમાં ખાબકી ગઈ હતી. આ ગોઝારી ઘટનાને પૂરા ૮ દિવસ વીતી ગયા હોવા છતાં માસૂમ બાળકીનો કોઈ જ પત્તો ન મળતાં પીડિત પરિવારમાં ભારે આક્રંદ અને સ્થાનિક લોકોમાં ભારે રોષની લાગણી વ્યાપી ગઈ છે.

ઘટનાની કરુણ વિગતો આપતાં બાળકીની માતા પારૂબેને જણાવ્યું હતું કે, ગણેશ નગર વિસ્તારમાં પીવાનું પાણી કેમિકલયુક્ત અને દૂષિત આવતું હોવાથી ન્હાવા-ધોવા માટે પણ પૂરતું પાણી મળતું નથી. જેના કારણે મજબૂર બનીને પરિવારને દૂર કેનાલ પર જવું પડે છે. ઘટનાના દિવસે પણ પરિવાર કેનાલ પરથી ન્હાઈને રિક્ષામાં પરત ફરી રહ્યો હતો.

જ્યારે રિક્ષા પોતાના નાકા પાસે આવીને ઊભી રહી ત્યારે માતા પારૂબેન રિક્ષાચાલકને ભાડાના પૈસા ચૂકવી રહ્યા હતા. તે જ ક્ષણે તેમની દ્રષ્ટિહીન દીકરી મનીષા અજાણતાં જ થોડી પાછળ ખસી હતી. રસ્તા કિનારે ઘાસથી છુપાયેલી અને ઢાંકણા વગરની ગટરમાં કોઈ જ સુરક્ષા સાધનો ન હોવાથી માસૂમ બાળકી સીધી ગટરમાં ખાબકી હતી. ગટરમાં ખાબકતા જ દીકરી "મમ્મી, હું પડી ગઈ!" એવી કરુણ ચીસ પાડીને કીચડ અને ઊંડા દૂષિત પાણીના વહેણમાં ગરકાવ થઈ ગઈ હતી.

આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયેલા માતા-પિતાએ બૂમાબૂમ કરતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ત્વરિત ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઈટરોની ટીમોએ સ્થળ પર પહોંચીને ગટરમાં સઘન શોધોળ શરૂ કરી હતી. જોકે, ગટર અત્યંત ઊંડી, સાંકડી અને કીચડથી ભરેલી હોવાના કારણે અસંખ્ય પ્રયાસો છતાં બાળકીનો કોઈ પત્તો મળ્યો નહોતો અને શોધખોળ નિષ્ફળ રહી હતી.

સતત ૮ દિવસ સુધી શોધખોળ ચાલુ રાખવા છતાં પોતાની વહાલી સોયી દીકરીનો ચહેરો પણ જોવા ન મળતાં ગરીબ માતા-પિતા ભાંગી પડ્યા છે. સ્થાનિક રહીશોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જો કોઈ અમીર કે વગદાર વ્યક્તિનું બાળક હોત તો આખું તંત્ર આકાશ-પાતાળ એક કરી દેત, પરંતુ ગરીબ પરિવારની રજૂઆતને ગંભીરતાથી લેવામાં આવતી નથી.

હાલમાં હૃદયભંગ થયેલા માતા-પિતા અને પરિવારજનો ઈશ્વર અને સરકારના ભરોસે બેસી રહ્યા છે. મહાનગરપાલિકાના પ્રી-મોન્સૂન અને મેન્ટેનન્સ કામગીરીના પોકળ દાવાઓની પોલ ખોલતી આ ઘટનાએ તંત્રની બેજવાબદાર કામગીરી સામે ફરી એકવાર ગંભીર અને તીખા સવાલો ઊભા કર્યા છે.

(7:05 PM IST)