તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 20th September 2026
વાવ-થરાદ પંથકમાં ભારે સનસનાટી: વૃદ્ધે ઘરના આંગણે લીધી જીવંત સમાધિ કે રહસ્યમય ગુપ્તવાસ?
લોરવાડા ગામે વાયરલ વીડિયોએ મચાવી હલચલ; ચાર દિવસથી ભાવાભાઈ પ્રજાપતિ લાપતા છતાં પરિવારજનો પણ મૌન ધારણ કરીને બેઠા

લોરવાડા : વાવ-થરાદ જિલ્લા માંથી એક ચોંકાવનારો અને સસ્પેન્સથી ભરેલો કિસ્સો સામે આવ્યો છે. થરાદ તાલુકાના લોરવાડા ગામમાં ભાવાભાઈ પ્રજાપતિ નામના એક વૃદ્ધે પોતાના ઘરના આંગણે જ 'જીવંત સમાધિ' લીધી હોવાની લોકચર્ચાએ સમગ્ર જિલ્લામાં ભારે સનસનાટી મચાવી દીધી છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી આ ઘટનાને લઈને સ્થાનિક સ્તરે જાતજાતના તર્ક-વિતર્કો વહેતા થયા છે.
મળતી પ્રાથમિક વિગતો અનુસાર, ભાવાભાઈ પ્રજાપતિ પોતાની દીકરીઓથી અલગ પોતાના ઘરના આંગણે એકલા રહેતા હતા. દરમિયાન, તેમણે સમાધિ લેતા પહેલાંનો હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં આશ્ચર્ય અને અરેરાટી વ્યાપી ગઈ છે. આ વાયરલ વીડિયો સામે આવ્યા બાદથી જ ભાવાભાઈ પોતાના ઘરે કે ગામમાં ક્યાંય જોવા મળ્યા નથી, જેને કારણે તેમણે ખરેખર જીવંત સમાધિ લીધી છે કે પછી તેઓ અન્ય ક્યાંક જતાં રહ્યા છે તે અંગે ઘૂંટાતું રહસ્ય વધુ ઘેરું બન્યું છે.
છેલ્લા ચાર-પાંચ દિવસથી ગામમાં અને આસપાસના પંથકમાં આ વિષયે ભારે જોર પકડ્યું છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આટલી મોટી ઘટના કે ચર્ચા હોવા છતાં, ભાવાભાઈના પરિવારજનો કે સ્થાનિક રહીશો આ મામલે કંઈ પણ ખુલીને કહેવાનું ટાળી રહ્યા છે. ભાવાભાઈ હાલમાં ક્યાં છે અથવા તેમની સાથે શું બન્યું છે તે અંગે કોઈ પણ વ્યક્તિ સ્પષ્ટ બોલવા તૈયાર નથી.
અત્રે નોંધનીય છે કે, વાયરલ થઈ રહેલા આ ઘટના માત્ર લોકમુખે ચર્ચાતી વાતો અને સોશિયલ મીડિયાના દાવાઓ પર આધારિત છે. અગાઉ પણ આવા અંધશ્રદ્ધા કે રહસ્યમય દાવાઓ સાથે જોડાયેલા કિસ્સાઓમાં વહીવટી તંત્ર અને પોલીસે સઘન તપાસ હાથ ધરી હોય છે, ત્યારે આ મામલે સત્ય શું છે તે પોલીસ અને તંત્ર દ્વારા વીડિયોની ફોરેન્સિક તપાસ તેમજ લોરવાડા ગામમાં રૂબરૂ તપાસ કર્યા બાદ જ સત્તાવાર રીતે બહાર આવી શકશે.
(12:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
