હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ખાખીમાં ધબકતી માનવતા ! નડિયાદ જેલમાંથી જામીનમુક્ત થયેલી ગરીબ શ્રમિક મહિલાને નવજાત શિશુ સાથે વતન મધ્યપ્રદેશ પહોંચાડી
આ સગર્ભા મહિલા પણ સહ-આરોપી તરીકે સંડોવાયેલી હતી. આ કારણે તેને તેના બે વર્ષના માસૂમ બાળક સાથે નડિયાદ જિલ્લા જેલમાં (કાચા કામના કેદી તરીકે) લાવવામાં આવી હતી

નડિયાદ જેલમાંથી જામીનમુક્ત થયેલી ગરીબ શ્રમિક મહિલાને નવજાત શિશુ સાથે તેના વતન મધ્યપ્રદેશ પહોંચાડી ગુજરાત પોલીસે વાલીની ભૂમિકા ભજવીને 'ખાખીમાં પણ દિલ ધડકે છે' સાર્થક કરી બતાવ્યુ.
સામાન્ય રીતે પોલીસની છબી કડક અને કાયદાના દાયરામાં કામ કરનારી શુષ્ક વ્યવસ્થા તરીકે જોવામાં આવે છે, પરંતુ કટોકટીના સમયે આજ ખાખી પાછળ એક અત્યંત સંવેદનશીલ અને ધબકતું માનવ હૃદય પણ છુપાયેલું હોય છે. જ્યારે કાયદો પોતાનું કામ પૂરું કરે છે, ત્યારે ક્યારેક પોલીસ નૈતિકતા અને માનવતાના એવા ઉચ્ચ શિખરો સર કરે છે જે સમાજ માટે પ્રેરણારૂપ બની જાય છે. આવી જ એક માનવીય સંવેદનાને ઝંકૃત કરતી અને ભલભલાની આંખો ભીંજવી દે તેવી ઘટના તાજેતરમાં નડિયાદ જિલ્લા જેલ અને ગુજરાત પોલીસના સહયોગથી સામે આવી છે, જ્યાં પોલીસે માત્ર કાયદાનું પાલન જ નહીં પરંતુ એક અસહાય પરિવારના વાલીની ભૂમિકા પણ સુખદ રીતે ભજવી બતાવી છે.
મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાનો એક ગરીબ શ્રમિક પરિવાર રોજગારીની શોધમાં આણંદ જિલ્લાના ખંભાત ખાતે સ્થળાંતર કરીને આવ્યો હતો. થોડા સમય પહેલાં ખંભાત ખાતે 'પ્રિવેન્સન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુયલ ઓફેન્સિસ' (POCSO) એક્ટ, 2012 હેઠળ એક ગુનો નોંધાયો હતો. આ ગુનામાં સગીર વયની છોકરીને ભગાડી જવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર શ્રમિક મહિલાના પતિ અને દિયર સામે ગુનો નોંધાયો હતો, જેમાં આ સગર્ભા મહિલા પણ સહ-આરોપી તરીકે સંડોવાયેલી હતી. આ કારણે તેને તેના બે વર્ષના માસૂમ બાળક સાથે નડિયાદ જિલ્લા જેલમાં (કાચા કામના કેદી તરીકે) લાવવામાં આવી હતી.
નડિયાદ જેલમાં આવ્યા બાદ ગત 21 મેના રોજ આ સગર્ભા મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતાં જેલ પ્રશાસન દ્વારા ત્વરિત પગલાં ભરીને તેને નડિયાદ સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અમદાવાદ સિવિલ ખાતે મહિલાએ એક તંદુરસ્ત પુત્રને જન્મ આપ્યો હતો. સારવાર પૂર્ણ થતાં જ આ મહિલા કેદી તેના બે વર્ષના બાળક અને ચાર દિવસના નવજાત શિશુ સાથે પુનઃ નડિયાદ જેલમાં પરત ફરી હતી.
દરમિયાન, સ્થાનિક અદાલતમાંથી આ ગરીબ મહિલાને જામીન તો મળી ગયા હતા, પરંતુ તેનો પતિ અને દિયર જેલમાં હોવાથી તેમજ પરિવાર અત્યંત ગરીબ હોવાના કારણે તેને જેલમાંથી મુક્ત કરાવવા કે લેવા માટે વતનથી કોઈ સગા-સંબંધી આવી શક્યા ન હતા. બે નાના બાળકો સાથે અસહાય બનેલી આ માઇગ્રન્ટ મહિલા ભારે વિમાસણમાં મુકાઈ ગઈ હતી.
આ કપરા સમયે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ (આણંદ) અને નડિયાદ જિલ્લા જેલના અધિકારીઓ આ ગરીબ મહિલાની વ્હારે આવ્યા હતા. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળે મહિલાને કાનૂની મદદ પૂરી પાડી મુક્ત કરાવી અને જેલ પ્રશાસનને મહિલાની નાજુક આરોગ્ય સ્થિતિ ધ્યાને રાખી તેને વતન પહોંચાડવા સૂચન કર્યું.
ગુજરાત પોલીસ વડા ડો. કે.એલ.એન રાવના સીધા માર્ગદર્શન હેઠળ નડિયાદ જિલ્લા જેલ પોલીસે સ્થાનિક સેવાભાવી સંસ્થાના સહયોગથી તાત્કાલિક એક વિશેષ વાહનની વ્યવસ્થા કરી હતી. આટલું જ નહીં, માતા અને બાળકોની સુરક્ષા માટે વાહન સાથે બે પોલીસ કોન્સ્ટેબલ પણ મોકલવામાં આવ્યા હતા. આ ટીમ છેક મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લામાં પહોંચી, ત્યાંના સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી સમગ્ર પરિસ્થિતિથી વાકેફ કર્યા અને આખરે મહિલાને તેના પરિવાર સાથે સખેદ મિલન કરાવ્યું હતું. વતનમાં પગ મૂકતા જ નવજાત શિશુ સાથે આ મહિલા ભાવવિભોર થઈ ગઈ હતી અને તેની આંખોમાંથી આસુ સરી પડ્યા હતા.
આ ઘટના એ વાતનું જીવંત ઉદાહરણ છે કે કાયદાના રક્ષકો જ્યારે સંવેદનશીલ બને છે ત્યારે વહીવટીતંત્ર પ્રજાનો સાચો મિત્ર બની જાય છે. ગુનાની સજા આપવી કે કાયદાનું પાલન કરાવવું એ પોલીસની ફરજ છે, પરંતુ જેલમુક્ત થયા પછી એક અસહાય પરપ્રાંતિય મહિલા અને તેના નવજાત બાળકને સહીસલામત વતન પહોંચાડવી એ ખાખીની અંદર ધબકતી ઉમદા માનવતાનું પ્રતીક છે. ગુજરાત પોલીસ અને કાનૂની સત્તા મંડળની આ અનુકરણીય કામગીરીએ સમાજમાં સુરક્ષાની સાથે-સાથે આત્મીયતાનો એક નવો વિશ્વાસ જગાડ્યો છે, જે ખરેખર વંદનિય છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
