<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

પત્‍નીએ ભાડું ન આપતા પતિએ તેને ફલેટમાંથી કાઢી મૂકી!

ભણેલા ગણેલા પ્રેમલગ્ન કરનાર ડોક્‍ટર દંપતીમાં ડખોઃ અમદાવાદનો કિસ્‍સો : ડોક્‍ટર દંપતીના પ્રેમલગ્નમાં દહેજ અને માનસિક ત્રાસનો મામલો સામે આવ્‍યો, પરિણીતાએ પતિ અને સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

અમદાવાદ,તા.૨૮: ભણી-ગણીને ડોક્‍ટર બનેલા ઉચ્‍ચ શિક્ષિત દંપતીના પ્રેમલગ્નમાં દહેજના કારણે કરુણ અંજામ આવ્‍યો હોવાની ચકચારી ઘટના હાલ અમદાવાદ શહેરમાંથી સામે આવી રહી છે. મૂળ રાજસ્‍થાનની અને હાલ સોલા સાયન્‍સ સિટી રોડ વિસ્‍તારમાં ભાડે રહેતી ૨૯ વર્ષીય મહિલા ડોક્‍ટરે પ્રેમલગ્ન બાદ પોતાના પતિ અને સાસરિયા વિરુદ્ધ નવું મકાન ખરીદવા પિયરમાંથી પૈસા લાવવા દબાણ અને માનસિક ત્રાસ અપાતો હોવાના ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણીએ રાત્રિના સમયે બીમાર પડી ત્‍યારે તેનો પતિ જવાબ આપતો ન હોવાનો, તથા પતિ સાથે અજાણી યુવતી પણ મળી આવી હોવાનો અને સમગ્ર મામલે વિરોધ કરતા પતિ અને સસરાએ તેને ધક્કા મારી ઘરમાંથી કાઢી મૂકી હોવાના સનસનાટીભર્યા આરોપ મૂક્‍યા છે. ચોંકાવનારી વાત તો એ છે કે, આ પરિણીતા ડોક્‍ટરે જ્‍યારે પોલીસને અરજી આપી ત્‍યારે પતિએ તેને ફોસલાવીને અરજી પરત લેવડાવી હતી. જોકે, અંતે પરિણીતાએ આ મામલે પોલીસ ફરિયાદ આપતા બોડકદેવ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર, મૂળ રાજસ્‍થાનની અને હાલ સોલા સાયન્‍સ સિટી રોડ વિસ્‍તારમાં ભાડે રહેતી ૨૯ વર્ષીય મહિલા તબીબ મેમનગરની એક ખાનગી હોસ્‍પિટલમાં પોસ્‍ટ ગ્રેજ્‍યુએશન કરી રહી છે. વર્ષ ૨૦૧૪માં ઉદયપુરની મેડિકલ કોલેજમાં MBBSના અભ્‍યાસ દરમિયાન તેની મુલાકાત મૂળ અમદાવાદના યુવક સાથે થઈ હતી. બંનેની મિત્રતા પ્રેમમાં પરિણમતા વર્ષ ૨૦૨૦માં લગ્ન કર્યા હતા.

લગ્નના એક અઠવાડિયા બાદ અમેરિકન સિટિઝન અને OCI કાર્ડ ધરાવતો પતિ અમેરિકા જતો રહ્યો હતો, જ્‍યારે પરિણીતા થલતેજ સ્‍થિત સાસરીમાં રહેતી હતી. આ દરમિયાન સસરા ઘરકામ અને નાની-નાની બાબતે ટોક્‍યા કરતા અને અમેરિકા રહેતી સાસુને ફોન પર ચઢામણી કરતા હતા. વર્ષ ૨૦૨૨ અને ૨૦૨૩માં પરિણીતા અમેરિકા ગઈ હતી અને ત્‍યારબાદ સાસુની બીમારીની સારવાર માટે પરત અમદાવાદ આવી ત્‍યારે પણ સસરાનો માનસિક ત્રાસ યથાવત રહ્યો હતો.

વર્ષ ૨૦૨૫માં પતિ કાયમી અમદાવાદ પરત ફર્યો હતો અને શહેરની અન્‍ય એક ખાનગી હોસ્‍પિટલમાં ઝફગ્‍ એનેસ્‍થેસિયામાં એડમિશન લીધું હતું. સસરાને સાથે રહેવું પસંદ ન હોવાથી પતિએ ફલેટ ભાડે રાખ્‍યો હતો અને દંપતી આ મકાનમાં રહેતું હતું. આ દરમિયાનમાં પતિએ નવું મકાન ખરીદવા માટે પરિણીતાને પિયરમાંથી પૈસા લાવવા દબાણ કર્યું હતું. પરિણીતાએ પૈસા લાવવાની ના પાડતા પતિએ ફલેટનું ભાડું આપવાનું બંધ કરી દીધું હતું અને પત્‍નીને એકલી મૂકી થલતેજ રહેવા જતો રહ્યો હતો.

એક દિવસ પરિણીતાની તબિયત ખરાબ હોવા છતાં પતિ બહાના બતાવી મળવા ન આવતા તે રાત્રે થલતેજ સ્‍થિત સાસરીના બંગલે પહોંચી હતી. દરવાજો ખખડાવ્‍યા બાદ પિતા-પુત્રએ જવાબ ન આપતા તે બળજબરીથી અંદર પ્રવેશી હતી અને ઘરમાં કોઈ અજાણી યુવતી હાજર મળી આવી હતી. આ સમયે પરિણીતાના સસરા આવી જતા પિતા-પુત્રએ ઉશ્‍કેરાઈને ઝઘડો કરીને પરિણીતાને ધક્કા મારી ઘરમાંથી કાઢી મૂકી હતી.

બાદમાં સમગ્ર મામલો કોર્ટ કચેરીએ પહોંચ્‍યો ત્‍યારે, વકીલની ઓફિસમાં સમાધાન દરમિયાન પતિ અને સસરાએ તું અમારા લાયક નથી, અમારે તને રાખવી નથી તેમ કહી છૂટાછેડાની વાત કરી હતી. પરિણીતાએ બોડકદેવ પોલીસમાં અરજી કરતા પતિએ ચાલાકીથી ફોસલાવીને અરજી પરત ખેંચાવી લીધી હતી. અંતે ત્રાસ યથાવત રહેતા પરિણીતાએ બોડકદેવ પોલીસ સ્‍ટેશનમાં પતિ અને સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેને ધ્‍યાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.(૪૦.૭)

(10:13 AM IST)