<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

મેં છ મહિના પહેલા મારી પત્ની અને દીકરીની હત્યા કરીને દાટી દીધી : વડનગરના યુવકની આત્મહત્યા બાદ સુસાઇડ નોટમાં મોટો ઘટસ્ફોટ

પોલીસે ત્રણ મજૂરો મારફતે સતત બે કલાક સુધી ખોદકામ કરાવ્યા બાદ માતા-પુત્રીની લાશ કાઢી:મૃતકની પત્ની પ્રિયંકા અને દીકરી પરીના કપડામાં વીંટેલા કંકાલ જમીનમાં દટેલી હાલતમાં મળ્યા

વડનગર : ગત 3 મે, 2026ની રાતે વડનગરની સિવિલ હોસ્પિટલના ચોથા માળેથી ગિરીશ પરમાર નામના યુવકે ઝંપલાવી આત્મહત્યા કરતા સમગ્ર મહેસાણા પંથકમાં ખળભળાટ મચાવ્યો છે. જોકે, શરૂઆતમાં આ ઘટના માત્ર એક સામાન્ય આપઘાત લાગતી હતી. પરંતુ ગિરીશના ખિસ્સામાંથી સુસાઈડ નોટમાં મોટો ઘટસ્ફોટ થયો હતો .

આ સુસાઈડ નોટમાં લખ્યું છે કે, મેં છ મહિના પહેલા મારી પત્ની પ્રિયંકા અને દીકરી પરીની હત્યા કરી દીધી છે. શાહપુર વડ સ્થિત મારા ઘરની પાસે આવેલા અન્ય એક મકાનના છેલ્લા રૂમમાં મારી દીકરી પરી અને પત્ની પ્રિયંકાને દાટી દીધી છે.

 સુસાઈડ નોટના આ ખુલાસાને પગલે વડનગર પોલીસનો કાફલો 3 મજૂર સાથે મૃતદેહોની શોધખોળ કરવા શાહપુર વડ ગામે પહોંચ્યો હતો. પોલીસે ઘર ખોલાવી ત્રણ મજૂરો મારફતે સતત બે કલાક સુધી ખોદકામ કરાવ્યા બાદ મૃતકની પ્રિયંકા અને દીકરી પરીના કપડામાં વીંટેલા કંકાલ જમીનમાં દટેલી હાલતમાં મળી આવ્યા હતા.

દીકરી અને પત્નીની હત્યા કર્યા બાદ ગિરીશ પરમારે ત્યાં પ્લાસ્ટર પણ કરી દીધું હતું. પોલીસે પ્લાસ્ટર તોડી લાશો બહાર કાઢી હતી. પોલીસને ઘરમાંથી એક છરો પણ મળી આવ્યો હોવાની વિગત સામે આવી છે.

 

આ અંગે મૃતક પ્રિયંકાના પિતા રાજુભાઇ રાવળે જણાવ્યું કે, મારે અને મારા પિતાને બનતું નહોતું.જેથી મારી દીકરી નાનપણથી મારા પિતા રમણ ભાઈ પાસે નાની મોટી થઈ હતી અને મહેસાણા કોલેજમાં અભ્યાસ કરતી હતી. તેણીએ MSW કર્યું છે. અભ્યાસ દરમિયાન ગિરીશ પરમાર અને મારી દીકરી સંપર્કમાં આવ્યા હતા અને ચાર વર્ષ અગાઉ ભાગી ગયા હતા.

રાજુભાઈએ આગળ કહ્યું કે, 18 સપ્ટેમ્બર 2025ના રોજ મારા પિતા રમણભાઈએ છેલ્લી વાર પ્રિયંકા સાથે વાત કરી હતી અને તે દરમિયાન બપોરે 3 વાગ્યે ગિરીશ પરમારે મારા પિતાને કોલ કરી જાણ કરી હતી કે પ્રિયંકા ક્યાંક ભાગી ગઈ છે. આમ ગિરીશ છ સાત માસથી મારા પિતા રમણભાઈને ગોળગોળ ફેરવ્યા કરતો હતો. આખરે મારા પિતાથી રહેવાયું નહીં એટલે એમણે 15 દિવસ પહેલા વડનગર પોલીસમાં પ્રિયંકાના ગુમ થવા અંગેની જાણવાજોગ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી.

‘પોલીસે ગિરીશને પૂછપરછ માટે બોલાવતા તેને ડર હતો કે હું પકડાઈ જઈશ જેથી તેણે વડનગર સિવિલ હોસ્પિટલ પરથી છલાંગ લગાવી આત્મહત્યા કરી હતી. મારી દીકરી ભાગી જવાથી અમે તમામ સંપર્ક તોડી દીધા હતા.બાકી મને કંઈ જાણ નથી.’

વડનગર તાલુકાના શાહપુર વડ ગામના રહેવાસી અને હીરાના કારખાનામાં કામ કરતા ગિરીશ બાબુભાઇ પરમારે ગઈકાલે(3 મે, 2026) સાંજે વડનગર સિવિલ હોસ્પિટલના ચોથા માળેથી પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી હતી. હોસ્પિટલ જેવા જાહેર સ્થળે બનેલી આ ઘટનાને કારણે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા થયા છે.

તપાસમાં સામે આવ્યું છે કે ગિરીશે અંદાજે છ મહિના અગાઉ આ હત્યાકાંડને અંજામ આપી પત્ની અને પુત્રી ગુમ થઈ હોવાની અફવા ફેલાવી હતી અને પોતે પોતાની બહેનના ઘરે રહેવા જતો રહ્યો હતો. લાંબા સમયથી પત્ની-પુત્રી ગુમ હોવા છતાં ગિરીશ પોલીસ ફરિયાદ કરવામાં આનાકાની કરતો હતો.

મૃતક પ્રિયંકાના દાદા રમણભાઈએ આ ઘટના અંગે વાત કરતા જણાવ્યું હતું કે, 18 સપ્ટેમ્બરના રોજ ગિરિશે મને ફોન કર્યો અને કહ્યું કે, તમારી છોકરી જતી રહી છે અને સાથે દીકરી અને ઘરેણા પણ લઈ ગઈ છે. તમે ચિંતા કરતા નહીં એ પોતાની રીતે આવી જશે. જોકે, 6 મહિના પછી પણ તેની પાછી આવવાની કોઈ ખબર મળી નહીં એટલે મે ફરિયાદ નોંધાવી.

આ કમકમાટીભરી ઘટનાને કારણે મૃતક ગિરીશની બચી ગયેલી એક દીકરીએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે, જેનાથી પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. વડનગર પોલીસે હાલ ગુનો નોંધી વધુ તપાસ તેજ કરી છે.

(12:20 AM IST)