તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th April 2026
ભાજપમાંથી ટિકિટ માટે 5 વર્ષ ઉઘાડા પગે રહ્યા : વડોદરાના કોકિલાબેનની અનોખી બાધા અને અતૂટ સંકલ્પની જીત
ચૂંટણીની ટિકિટ ન મળે ત્યાં સુધી ચંપલ ન પહેરવાની પ્રતિજ્ઞા લઈ 5 વર્ષ સુધી ઉઘાડા પગે ફર્યા : આખરે ટિકિટ મળતા સંકલ્પ પૂર્ણ થયો

વડોદરા તા.૧૪ : અતૂટ સંકલ્પ અને અનોખી બાધાનું જીવંત ઉદાહરણ વડોદરાના કોકિલાબેન પૂરું પાડી રહ્યા છે. ભાજપમાંથી ચૂંટણી લડવા માટે ટિકિટ ન મળે ત્યાં સુધી ચંપલ ન પહેરવાની પ્રતિજ્ઞા લેનાર કોકિલાબેન છેલ્લા 5 વર્ષથી ઉઘાડા પગે ફરી રહ્યા હતા. આખરે તેમના સંકલ્પની જીત થઈ છે અને પાર્ટી દ્વારા તેમને ટિકિટ ફાળવવામાં આવી છે.
ભાજપનો કેસરી ખેસ ધારણ કરીને અને ગળામાં મોતીની માળા પહેરીને કોકિલાબેન જોવા મળ્યા હતા. તેમની આસપાસ કાર્યકરો પણ ભાજપના ખેસ સાથે ઉપસ્થિત હતા. 5 વર્ષની લાંબી પ્રતિક્ષા અને કપરી કસોટી બાદ ટિકિટ મળતાં તેમના ચહેરા પર આનંદ અને સંતોષ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.
કોકિલાબેને જણાવ્યું કે તેમણે બાધા લીધી હતી કે જ્યાં સુધી પક્ષ તેમના પર વિશ્વાસ મૂકીને ચૂંટણી લડવાની તક નહીં આપે ત્યાં સુધી તેઓ પગમાં ચંપલ નહીં પહેરે. ઉનાળો, શિયાળો અને ચોમાસું — ત્રણેય ઋતુમાં તેઓ પોતાની પ્રતિજ્ઞા પર અડગ રહ્યા અને સતત પક્ષ માટે કામ કરતા રહ્યા. ગરમ રસ્તાઓ પર ઉઘાડા પગે ચાલવું, સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપવી કે પછી પક્ષની મિટિંગોમાં જવું — દરેક જગ્યાએ તેઓ પોતાની બાધાને વળગી રહ્યા.
આખરે તેમની નિષ્ઠા અને સંકલ્પ રંગ લાવ્યા અને પક્ષે તેમને ઉમેદવાર જાહેર કર્યા. ટિકિટ મળતાની સાથે જ તેમની 5 વર્ષ જૂની બાધા પૂર્ણ થઈ. તેમની આ અનોખી કહાની હાલ રાજકીય વર્તુળો અને સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે. કાર્યકરોમાં પણ તેમના અતૂટ મનોબળને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
