તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th September 2026
IAS અધિકારી અજય ભાદુની ગુજરાત કેડરમાં વાપસી: કેન્દ્રીય ડેપ્યુટેશન પરથી પરત ફરતા GMDCના નવા મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક કરાઈ
ગુજરાત કેડરના વર્ષ 1999ની બેચના વરિષ્ઠ IAS અધિકારી અજય ભાદુ કેન્દ્રીય ડેપ્યુટેશન પરથી પરત ફરતા રાજ્ય સરકારે તેમની નવી નિમણૂક જાહેર કરી

ગુજરાતના સનદી વહીવટી માળખામાં એક મહત્વપૂર્ણ ફેરફાર સામે આવ્યો છે. કેન્દ્ર સરકારમાં લાંબી સેવા અને ડેપ્યુટેશન પૂર્ણ કરીને ગુજરાત કેડરમાં પરત ફરેલા સિનિયર IAS અધિકારી અજય ભાદુને રાજ્ય સરકારે નવી અને મહત્વની જવાબદારી સોંપી છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તારીખ 28 સપ્ટેમ્બર, 2026 ના રોજ આ અંગેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
રાજ્ય સરકારના જાહેરનામા અનુસાર, વર્ષ 1999ની બેચના ગુજરાત કેડરના આઈએએસ અધિકારી અજય ભાદુની સેવાઓ ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તક મૂકવામાં આવી છે. તેઓ અમદાવાદ સ્થિત ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ ( GMDC) ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કાર્યભાર સંભાળશે. ગુજરાતના ખનિજ સંસાધનો અને માઇનિંગ ક્ષેત્રે GMDC અગ્રણી જાહેર સાહસ હોવાથી આ પોસ્ટિંગ અત્યંત મહત્વનું માનવામાં આવે છે.
આ નિમણૂકની સાથે જ રાજ્ય સરકાર દ્વારા અન્ય એક વહીવટી નિર્ણય પણ લેવામાં આવ્યો છે. અત્યાર સુધી GMDCના મેનેજિંગ ડિરેક્ટર પદનો વધારાનો હવાલો સંભાળી રહેલા સિનિયર IAS અધિકારી રૂપવંત સિંઘને આ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. અજય ભાદુ હવે પૂર્ણકાલીન એમડી તરીકે GMDCનો કાર્યભાર સંભાળશે.
નોંધનીય છે કે અજય ભાદુ અગાઉ નવી દિલ્હી ખાતે કેન્દ્ર સરકારમાં મહત્વના હોદ્દાઓ પર કાર્યરત હતા. કેન્દ્રીય ડેપ્યુટેશન દરમિયાન તેમણે ચૂંટણી પંચ અને રાષ્ટ્રપતિ સચિવાલય સહિત વિવિધ મહત્વના વિભાગોમાં પોતાની સેવાઓ આપી વહીવટી કુશળતા સાબિત કરી છે. હવે તેમની ઘરવાપસી થતાં રાજ્ય સરકારે તેમને જાહેર સાહસ ક્ષેત્રે મૂકીને ઔદ્યોગિક અને ખનન વિકાસને વેગ આપવાનો સ્પષ્ટ સંકેત આપ્યો છે. સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્માના આદેશથી સચિવાલય, ગાંધીનગર ખાતેથી આ ઓર્ડર જારી કરવામાં આવ્યો છે.
(7:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
