<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

આઠમું પગાર પંચ લાગુ થાય તો કર્મચારીઓનો ઓછામાં ઓછો પગાર રૂ.૫૦ હજાર થઈ શકે

પહેલા બોસુભાની ચૂંટણી લાગુ થાય તેવો કર્મચારી મંડળોનો આશાવાદ

અમદાવાદ,તા.૦૮: કેન્‍દ્ર સરકારના કર્મચારીઓ માટે દર ૧૦ વર્ષે નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે. છેલ્‍લે ૨૦૧૬માં કેન્‍દ્ર સરકારે સાતમું પગાર પંચ લાગુ કર્યું હતું. એટલે કે, નવું-આઠમું પગાર પંચ આ વર્ષે-૨૦૨૬માં ડ્‍યૂ થાય છે અને કેન્‍દ્ર સરકારના કર્મચારીઓ આ પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ પગાર પંચ લાગુ થાય તો ગુજરાતમાં ફુલ પગારના કર્મચારીના પગારમાં ઓછામાં ઓછો ૧૨થી ૧૫ હજારના વધારા સાથે રૂ. ૫૦ હજાર પગાર મળી શકે છે. અલબત્ત, કેન્‍દ્ર સરકારે નિયુક્‍ત કરેલી કમિટી અને વિવિધ કર્મચારી મંડળો વચ્‍ચે લઘુતમ પગાર નક્કી કરવા માટે અપનાવાતા ફીટમેન્‍ટ ફેક્‍ટર અંગે હજુ સુધી સર્વસંમતિ સધાઈ નથી. કેન્‍દ્ર સરકાર ૨.૮૭ ઓફર કરે છે, જેની સામે કર્મચારીઓ ૩.૮૩ ફિટમેન્‍ટ ફેક્‍ટરને આધારે પગારના ફીક્‍સેસનની માગણી કરી રહ્યા છે.

ગુજરાતની વાત કરીએ તો ગુજરાત સરકારે કેન્‍દ્રનું પગાર પંચ સ્‍વીકાર્યું હોવાથી ગુજરાતના કર્મચારીઓની નજર પણ કેન્‍દ્ર સરકાર પર મંડાયેલી છે. ગુજરાતમાં સરકારી અંદાજ મુજબ ૩.૫૦ લાખ કર્મચારી અને ૪ લાખ પેન્‍શનર છે. કેન્‍દ્ર સરકારે પગાર પંચની ભલામણો માટે ચાર સભ્‍યોની સમિતિ બનાવી છે. જે જુદા જુદા રાજ્‍યોના કર્મચારી મંડળો, આગેવાનો સાથે તબક્કાવાર બેઠક યોજીને સૂચનો એકઠા કરી રહી છે. સાથોસાથ મોંઘવારી સહિતના જુદા જુદા આર્થિક માપદંડોને આધારે ઓછામાં ઓછો પગાર કેટલો હોવો જોઈએ તે અંગે ચર્ચા-વિમર્શ કરી રહી છે. ગુજરાત પેન્‍શનર સમાજના જનરલ સેક્રેટરી જે.જે.દરજી કહે છે કે, થોડા સમય પહેલા જયપુરમાં સમગ્ર દેશના પેન્‍શનરોના એસોસિયેશનનું એક અધિવેશન યોજાયું હતું. જેમાં કેન્‍દ્ર સરકાર સમક્ષ નિયત સમય મુજબ ૧ જાન્‍યુઆરી-૨૦૨૬થી આઠમું પગાર પંચ લાગુ કરવા સહિતની ૨૦ રજૂઆત કરાઈ હતી. જ્‍યાં સુધી ગુજરાતને લાગે વળગે છે ત્‍યાં સુધી ગુજરાતમાં ૨૦૧૬માં તત્‍કાલિન મુખ્‍યમંત્રી આનંદીબેન પટેલ વખતે સાતમું પગાર પંચ લાગુ કરાયું હતું, પરંતુ ઈનટોટો લાભ અપાયા નહોતા. ત્‍યારે ટીએ-ડીએ, એચઆરએ, શૈક્ષણિક ભથ્‍થાંનો લાભ અપાયો નહોતો. આ ભથ્‍થાં કર્મચારીઓનો હક છે છતાં છેક પાંચ-છ વર્ષ પછી એટલે કે, ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણી ભથ્‍થાં આપવાનો નિર્ણય કરાયો હતો.

 જોકે, પગાર પંચ લાગુ કરવાની પદ્ધતિ થોડી લાંબી છે. કર્મચારી સૂત્રોનું માનવું છે કે, ગુજરાત સહિત સમગ્ર દેશમાં ૨૦૨૯ની લોકસભાની ચૂંટણી પહેલા આઠમું પગાર પંચ લાગુ થઈ શકે છે. અલબત્ત, હાલમાં તો કેન્‍દ્ર સરકારને નિયુક્‍ત કરેલી કમિટી તેનો અહેવાલ સરકારને સુપરત કરે ત્‍યારબાદ તેનો સ્‍વીકાર થયો છે તેવી જાહેરાત અને કેન્‍દ્રીય કેબિનેટની મંજૂરી પછી પગાર પંચ લાગુ કરવા માટે સચિવોની કમિટીની લીલીઝંડી બાદ સત્તાવાર જાહેરાત કરવામાં આવે છે. કેટલાક મંડળો સમિતિ દ્વારા સુપરત થનારા અહેવાલના સ્‍વીકારમાં મુદત પડે તેવી આશંકા વ્‍યક્‍ત કરી રહ્યાં છે

ફિક્‍સ પગારમાં ૫ વર્ષ પછી રેગ્‍યુલર લાભ મળતા થશે

ગુજરાત સરકારે કેન્‍દ્ર સરકારનું પગાર ધોરણ સ્‍વીકારવાની સાથોસાથ સરકારી ભરતી માટે પાંચ વર્ષની ફિક્‍સ પગારની પદ્ધતિ અમલમાં મૂકી છે. જેના કારણે આ કર્મચારીઓને પાંચ વર્ષ પૂરા થયા બાદ રેગ્‍યુલર પગાર મળતો થાય ત્‍યારે આ લાભ મળશે. ગુજરાતમાં એક અંદાજ મુજબ હાલમાં આશરે ૧ લાખ ફિક્‍સ પગારના કર્મચારીઓ ફરજ બજાવે છે. ૧૯૯૮થી અત્‍યારસુધીમાં રાજ્‍ય સરકારે ૩ લાખથી વધુ યુવક-યુવતીની ફિક્‍સ પગારની નીતિથી ભરતી કરી છે.

૧-૧-૨૬થી લાગુ થાય તો એરિયર્સ મળશે

ગુજરાત કે કેન્‍દ્ર સરકાર આઠમું પગાર પંચ ૧ જાન્‍યુઆરી, ૨૦૨૬થી સ્‍વીકારવાની જાહેરાત કરે તો પગાર પંચ સ્‍વીકારવાના દિવસથી જે તે દિવસ સુધીનો પગારનો તફાવત એટલે કે, એરિયર્સ આપવું પડે. જેમાં સરકાર પર પગાર ઉપરાંત એરિયર્સનો કરોડો રૂપિયાનો બોજો પડી શકે. ગુજરાત આર્થિક રીતે સદ્ધર રાજ્‍ય હોવાથી રાજ્‍ય સરકાર આર્થિક બોજો ઉઠાવી શકે છે, પરંતુ દરેક માટે શક્‍ય નથી.

(1:42 PM IST)