તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 26th June 2026
'નહીં ભણે તો સાથે લઈ જઈશ' પ્રવેશોત્સવ દરમિયાન રાજ્યમંત્રી રિવાબા જાડેજાનો માતૃત્વસભર વીડિયો સોશિયલ મીડિયા વાયરલ
સાબરકાંઠાની દેમતી મેરા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ દરમિયાન અભ્યાસ છોડતી આદિવાસી દીકરીને રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ પાસે બેસી પ્રેમથી શિક્ષણનું મહત્વ સમજાવ્યું

સાબરકાંઠા જિલ્લામાં રાજ્ય સરકારના સ્નેહમય અભિયાન ‘શાળા પ્રવેશોત્સવ’ દરમિયાન એક અત્યંત પ્રેરણાદાયી અને હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે. જિલ્લાની દેમતી મેરા પ્રાથમિક શાળામાં આયોજિત કાર્યક્રમ દરમિયાન એક સંવેદનશીલ કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. આ શાળામાં એક આદિવાસી દીકરી આર્થિક કે સામાજિક કારણોસર પોતાનો અભ્યાસ અધવચ્ચે જ છોડી રહી હોવાનું વહીવટી તંત્ર અને મંત્રીના ધ્યાને આવ્યું હતું.
આ આદિવાસી દીકરી શાળા છોડી રહી છે તે વાતની જાણ થતાં જ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યમંત્રી રિવાબા જાડેજા તાત્કાલિક તે બાળકીની પાસે જઈને બેસી ગયા હતા. તેમણે કોઈપણ પ્રકારના રાજકીય પ્રોટોકોલ વિના, એક માતા અને વડીલની જેમ બાળકીને ખૂબ જ પ્રેમથી પંપાળીને સમજાવી હતી. રિવાબાએ દીકરીને જીવનમાં શિક્ષણનું મહત્વ શું છે અને ભણતર કેવી રીતે તેનું ભવિષ્ય બદલી શકે છે, તે ખૂબ જ સરળ શબ્દોમાં ગળે ઉતાર્યું હતું.
બાળકીનો શાળા પ્રત્યેનો ડર દૂર કરવા માટે મંત્રીએ એક અનોખી ખાતરી આપી હતી. રિવાબા જાડેજાએ બાળકીને પ્રેમથી કહ્યું કે, જો તે નિયમિત શાળાએ આવીને નહીં ભણે, તો તેઓ તેને પોતાની સાથે જ લઈ જશે. મંત્રીના આ માતૃત્વસભર અને પ્રેમાળ આશ્વાસનને કારણે દીકરીના ચહેરા પર સ્મિત આવી ગયું હતું અને તેણે ફરીથી ઉત્સાહપૂર્વક શાળાએ આવવાનું સ્વીકાર્યું હતું.
રાજ્યમંત્રી રિવાબા જાડેજાના આ સંવેદનશીલ અને પ્રેરણાદાયી અભિગમનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયોને ખૂબ જ મોટા પ્રમાણમાં શેર કરી રહ્યા છે. ઇન્ટરનેટ યુઝર્સ મંત્રીના આ ઉમદા અને માતૃત્વસભર વલણની મુક્તકંઠે પ્રશંસા કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે, જો દરેક લોકપ્રતિનિધિ આ પ્રકારે સંવેદનશીલ બને, તો દેશમાં ડ્રોપ-આઉટ રેશિયો શૂન્ય થઈ જશે.
(12:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
