<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

કોઇ પાલિકા-પંચાયતમાં કોઇને સ્‍પષ્‍ટ બહુમતી ન મળે તો ‘તોડવા-જોડવા'નો ખેલ

સમજને હી નહી દેતી સિયાસત હમ કો સચ્‍ચાઇ, કભી ‘ચહેરા' નહિ મિલતા, કભી ‘દર્પણ' નહિ મિલતા : ત્રિપાંખીયા જંગમાં કયાંક ત્રિશંકુ પરિસ્‍થિતી સર્જાવાની શકયતાઃ અપક્ષો નિર્ણાયક બની શકેઃ ખૂટતા સભ્‍યો મેળવવા ‘હોર્સ ટ્રેર્ડિંગ' પ્રથા પ્રચલિત

 

રાજકોટ, તા. ર૭: રાજયની પાલિકા અને પંચાયતોની ચૂંટણી માટે ગઇકાલે શાંતિપૂર્ણ મતદાન થઇ ગયુ છે. શહેરી ક્ષેત્રમાં સરેરાશ ઓછુ અને ગ્રામ્‍ય ક્ષેત્ર માટે સરેરાશ વધુ મતદાન થયુ છે. કાલે તા. ર૮ મંગળવારે સવારથી ઇ.વી.એમ. ખોલી મતગણતરી શરૂ થશે કોઇ નગરપાલિકા કે મહાનગરપાલિકામાં અથવા તાલુકા-જિલ્લા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ, આમ આદમી પાર્ટી કે અન્‍ય કોઇ પાર્ટીને સ્‍પષ્‍ટ બહુમતી નહિ મળે તો સતા મેળવવા ખરાખરીનો ખેલ શરૂ થશે. ટેકા લેવા-દેવાની મોસમ જામશે. રાજકારણમાં આ પ્રવૃતિ માટે ‘હોર્સ ટ્રેડિંગ' શબ્‍દ પ્રચલિત છે.

કોઇપણ પાલિકા-પંચાયતમાં સતા મેળવવા માટે કુલ બેઠકોની અડધી સંખ્‍યા ઉપરાંત ઓછામાં ઓછી એક બેઠક મેળવવી જરૂરી છે. ઉદાહરણ તરીકે કુલ ૩૬ બેઠકો હોય તો શાસન કબજે કરવા ઓછામાં ઓછી ૧૯ બેઠકો જરૂરી છે. આવી સ્‍થિતિ સાદી બહુમતી ગણાય છે. કયારેક કોઇ પક્ષને સ્‍પષ્‍ટ બહુમતી ન મળે તો ખૂટતા સભ્‍યોનો ટેકો મેળવવા સભ્‍યો તોડવાની અને જોડવાની રમત શરૂ થાય છે. જેમાં મુખ્‍યત્‍વે પદ કે પૈસાની લાલચ આપવામાં આવે છે. અમૂકને પક્ષ પરિવર્તન કે ‘હદય' પરિવર્તન કરાવવામાં આવે છે. અપક્ષ તરીકે ચૂંટાયેલ સભ્‍ય કોઇપણ પક્ષને સમર્થન આપી શકે છે કે કોઇપણ પક્ષમાં જોડાઇ શકે છે. રાજયમાં નગરોમાં ૪૯.ર ટકા મહાનગરોમાં પ૯.પ૦ ટકા મતદાન થયું છે.

રાજયમાં આ વખતના ત્રિપાંખીયા જંગમાં કયાંક ત્રિશંકુ પરિસ્‍થિતિ સર્જાવાની શકયતા નકારાણી નથી. જયાં કોઇને સ્‍પષ્‍ટ બહુમતી ન મળે ત્‍યાં મુખ્‍ય પદાધિકારીઓની ચૂંટણી વખતે બળાબળના પારખા થશે. તે પૂર્વે ખરાબરીના ખેલ ખેલાશે.

અત્‍યારના રાજકારણમાં જનાદેશને અવગણીને ટેકા ખરીદવા કે વેચવા તે સામાન્‍ય બાબત થઇ ગઇ છે. સજ્જડ બહુમતી વગરનું શાસન ગમે ત્‍યારે હચમચી શકે છે. મે માસના બીજા અઠવાડિયામાં પાલિકા-પંચાયતમાં મુખ્‍ય પદાધિકારીઓની ચૂંટણી થવાની પ્રબળ શકયતા છે. કાલે સાંજ સુધીમાં તમામ પાલિકા-પંચાયતોનું ભાવિ સ્‍તષ્‍ટ થઇ જશે.(૬

(11:08 AM IST)