<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th November 2026

અમદાવાદમાં દબાણ થશે તો ડે.એસ્ટેટ ઓફિસરો જવાબદાર: વાઇબ્રન્ટ સમિટ અને કોમનવેલ્થ ગેમ્સ પૂર્વે કડક કવાયત

સાતેય ઝોનના અધિકારીઓને સ્પષ્ટ સૂચના; કચરાના સેગ્રીગેશન, સફાઈ કામદારોની ઓનલાઈન હાજરી અને 38 રસ્તાઓ વ્યવસ્થિત કરવા પર ભાર

અમદાવાદ, તા. ૨૮: આગામી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અને કોમનવેલ્થ ગેમ્સ પૂર્વે અમદાવાદને વધુ સુવ્યવસ્થિત અને આકર્ષક બનાવવા માટે મ્યુનિસિપલ તંત્ર દ્વારા કડક કવાયત શરૂ કરવામાં આવી છે, જેમાં જાહેર રસ્તાઓ, ફૂટપાથ અને કોર્પોરેશનના ખુલ્લા પ્લોટ પર થતાં દબાણો અટકાવવાની જવાબદારી સાતેય ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરોને સોંપવામાં આવી છે.

મ્યુનિસિપલ કમિશનરે સમીક્ષા બેઠકમાં સ્પષ્ટ કર્યું હતું કે રોડ-ફૂટપાથ પરના દબાણો દૂર કરવાની સાથે કોર્પોરેશનના પ્લોટ પર ફરીથી દબાણ ન થાય તે જોવાની જવાબદારી સંબંધિત અધિકારીઓની રહેશે અને ખુલ્લા પ્લોટ પર દબાણથી કોર્પોરેશનને આર્થિક નુકસાન થાય તો જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થશે.

બેઠકમાં જાહેર શૌચાલયોની સ્થિતિ અને ઉપયોગની સંખ્યા તેમજ સફાઈ કામગીરી કરતી મંડળીઓના કર્મચારીઓની હાજરી અને રજિસ્ટ્રેશનની સમીક્ષા કરતાં કર્મચારીઓની હાજરી ઓનલાઈન નોંધવા સૂચના આપવામાં આવી હતી.

ડ્રેનેજની સફાઈ અને લિક્વિડ વેસ્ટના નિકાલ અંગે સાતેય ઝોન પાસેથી માહિતી મંગાઈ હતી, જેમાં એક ઝોનના ડેપ્યુટી કમિશનર સંતોષકારક વિગતો ન આપી શકતાં કમિશનરે નારાજગી વ્યક્ત કરી હતી, જ્યારે ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં કચરાના સેગ્રીગેશનનું પ્રમાણ ઓછું હોવા અંગે ટકોર કરતાં કચરાનું યોગ્ય વર્ગીકરણ ન થાય તો બાયોગેસ પ્રોજેક્ટનો હેતુ સચવાય નહીં તેમ જણાવ્યું હતું.

આગામી વાઇબ્રન્ટ ગુજરાત સમિટને ધ્યાનમાં રાખીને શહેરના આશરે 38 રસ્તાઓને વ્યવસ્થિત કરવાની કામગીરીની પ્રગતિ અંગે બે ડેપ્યુટી કમિશનર પાસેથી વિગતો મંગાઈ હતી અને વાઇબ્રન્ટ રોડ પરના જંકશનની ચોક્કસ માહિતી ન હોવા અંગે પણ કમિશનરે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.

હવે સાતેય ઝોનમાં દબાણ હટાવવાની કામગીરી, 38 રસ્તાઓની કામગીરીની પ્રગતિ અને કચરાના સેગ્રીગેશન અંગે થનારી આગામી કાર્યવાહી પર સૌની નજર રહેશે.

(12:48 AM IST)