News of Saturday, 10th October 2026
IITEમાં દસ વર્ષથી વધુ સમયથી પડતર પીએચ.ડી. ગાઇડશિપનો પ્રશ્ન ઉકેલાયોઃ કુલપતિ ડો. મુકેશ પટેલના નેતૃત્વમાં સંસ્થાના શૈક્ષણિક અને માળખાકીય વિકાસને નવી દિશા
ગુજરાત સરકાર દ્વારા રૂ.૧૨૭ કરોડની ગ્રાન્ટઃ નવા કેમ્પસના વિકાસને વેગઃ શિક્ષણ અને સંશોધનને નવી ઊંચાઈએ લઈ જવાની દિશામાં નેતૃત્વ

ગાંધીનગર, તા. ૧૦: ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન (IITE), ગાંધીનગરમાં સાયન્સ અને આર્ટસ, ફિજીકલ એજ્યુકેશન વિગેરે વિષયોમાં પીએચ.ડી. માર્ગદર્શક તરીકેની માન્યતા તથા સંબંધિત વિષયોમાં પીએચ.ડી. સંશોધન શરૂ કરવાના લાંબા સમયથી પડતર પ્રશ્નનું નિરાકરણ આવતાં સંસ્થાના શૈક્ષણિક અને સંશોધન ક્ષેત્રે એક નવા અધ્યાયનો પ્રારંભ થયો છે. માનનીય કુલપતિ ડો. મુકેશ પટેલના સક્રિય પ્રયાસો, હકારાત્મક અભિગમ અને નિર્ણયક્ષમ નેતૃત્વને કારણે આ મહત્વપૂર્ણ પ્રગતિ શક્ય બની છે.
અધ્યાપકો દ્વારા છેલ્લા કેટલાક વર્ષો માં વારંવાર અલગ અલગ સ્તર પર આ પ્રશ્ન અંગે રજૂઆત કરવામાં આવી હતી. તેમાં જણાવાયું હતું કે IITEની સ્થાપના વર્ષ ૨૦૧૦માં શિક્ષણક્ષેત્રે ગુણવત્તાસભર શિક્ષકો તૈયાર કરવાના ઉમદા હેતુથી કરવામાં આવી હતી. સંસ્થામાં વિજ્ઞાન અને કળા-માનવવિદ્યાના વિવિધ વિષયોમાં સ્નાતક તથા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસક્રમો કાર્યરત હોવા છતાં, પીએચ.ડી. સંશોધન અને માર્ગદર્શક તરીકેની માન્યતા મુખ્યત્વે શિક્ષણ વિષય સુધી મર્યાદિત રહેવાને કારણે અનેક મુશ્કેલીઓ ઊભી થતી હતી.
અગાઉના પ્રતિનિધિત્વપત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે વિજ્ઞાન અને માનવવિદ્યાના વિષયોમાં પાંચ વર્ષથી વધુનો અનુભવ ધરાવતા લાયકાતપ્રાપ્ત અધ્યાપકોને પણ તેમના વિશેષજ્ઞતાના વિષયોમાં પીએચ.ડી. માર્ગદર્શન આપવાની તક ઉપલબ્ધ નહોતી. પરિણામે અધ્યાપકોની સંશોધનક્ષમતા, શૈક્ષણિક પ્રગતિ અને વિષયવિશેષ સંશોધનના વિકાસને મર્યાદાઓનો સામનો કરવો પડતો હતો. સાથે જ,IITEના વિદ્યાર્થીઓને પોતાની જ સંસ્થામાં વિજ્ઞાન અને માનવવિદ્યાના વિષયોમાં ડોક્ટરલ સંશોધન કરવાની તક મળતી નહોતી.
આ રજૂઆતમાં IITEની એક્ઝિક્યુટિવ કાઉન્સિલની ૩૫મી બેઠક, તા. ૨૪ મે, ૨૦૨૪ના એજન્ડા ક્રમાંક ૨૩ અને ઠરાવ ક્રમાંક ૨૩નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં શિક્ષણ સિવાય વિજ્ઞાન, ગણિત, ભાષા વગેરે વિષયોમાં પીએચ.ડી. ડિગ્રી તથા લાયક અધ્યાપકોને તેમના નિષ્ણાત વિષયોમાં માર્ગદર્શક તરીકે માન્યતા આપવાની જોગવાઈ અંગે નિર્ણય લેવાયો હતો.
આ લાંબા સમયથી પડતર રહેલા વિષયને વર્તમાન કુલપતિ ડો. મુકેશ પટેલે પ્રાથમિકતા આપી આગળ ધપાવ્યો. તેમના સક્રિય પ્રયાસોના પરિણામે ચાલુ શૈક્ષણિક સત્રથી વિજ્ઞાન અને માનવવિદ્યાના વિવિધ વિષયોમાં પીએચ.ડી. કાર્યક્રમો શરૂ થયા છે. પીએચ.ડી. માર્ગદર્શક તરીકે લાયકાત ધરાવતા પ્રોફેસર, એસોસિયેટ પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસરોને માર્ગદર્શક માન્યતાપત્રો પણ એનાયત કરવામાં આવ્યા છે.
આમ, દસ વર્ષથી વધુ સમયથી પડતર રહેલી સમસ્યાનું દસ મહિનાથી ઓછા સમયમાં નિરાકરણ લાવવાની આ પ્રગતિ કુલપતિશ્રીની કાર્યદક્ષતા, સંસ્થાના વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને સંશોધનને પ્રોત્સાહન આપવાની લ્લઢ ઇચ્છાશક્તિનું ઉદાહરણ છે.
IITEને પરંપરાગત શિક્ષક-પ્રશિક્ષણ સંસ્થાથી આગળ લઈ જઈ એક સશક્ત બહુવિષયક યુનિવર્સિટી તરીકે વિકસાવવાની દિશામાં પણ મહત્ત્વપૂર્ણ પગલાં લેવાયાં છે. યુનિવર્સિટીમાં કુલ નવ સ્કૂલોની સ્થાપના દ્વારા વિવિધ શૈક્ષણિક અને સંશોધન ક્ષેત્રોને સંસ્થાકીય માળખું પૂરું પાડવામાં આવ્યું છે.
આ સ્કૂલો વિજ્ઞાન, માનવવિદ્યા, વાણિજ્ય અને વ્યવસ્થાપન, માહિતી ટેકનોલોજી અને કૃત્રિમ બુદ્ધિમત્તા (IT અને AI), વિશેષ શિક્ષણ, રમતગમત અને શારીરિક શિક્ષણ, પર્ફોર્મિગ આર્ટ્સ, ડોક્ટરલ સંશોધન તથા ભારતીય જ્ઞાન પરંપરા સહિતના વિવિધ ક્ષેત્રોની શૈક્ષણિક અને સંશોધન જરૂરિયાતોને અનુરૂપ કાર્ય કરવાની દિશામાં આગળ વધી રહી છે.
આ પહેલ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ૨૦૨૦ના બહુવિષયક શિક્ષણ, સંશોધન, નવીનતા અને સર્વાંગી વિકાસના અભિગમને અનુરૂપ છે. તેના દ્વારા વિદ્યાર્થીઓ અને અધ્યાપકો માટે વિવિધ વિદ્યાશાખાઓ વચ્ચે સંકલન, આંતરવિષયક સંશોધન અને નવા જ્ઞાનના સર્જનની તકો વિસ્તરશે.
વર્તમાન કાર્યકરી કુલપતિ ડો. મુકેશ પટેલ તથા કુલસચિવ શ્રી જતીન ભટ્ટના નેતૃત્વ હેઠળ IITEના નવા કેમ્પસમાં શૈક્ષણિક ભવનો અને છાત્રાલયના નિર્માણ માટે ગુજરાત સરકાર તરફથી રૂ.૧૨૭ કરોડની ગ્રાન્ટ પ્રાપ્ત થવી એ સંસ્થાના માળખાકીય વિકાસની દિશામાં એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ છે. નવા સંકૂલનો ભૂમિપૂજન સમારંભ પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલના વરદ હસ્તે અને શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજાની હાજરીમાં યોજાઇ ચૂક્યો છે.
આ સહાયથી સંસ્થાને આધુનિક શૈક્ષણિક સુવિધાઓ, સંશોધન માટે અનુકૂળ વાતાવરણ અને વિદ્યાર્થીઓ માટે જરૂરી માળખાકીય સુવિધાઓ વિકસાવવાની તક મળશે. આ વિકાસ IITEને ભારતીય જ્ઞાન પરંપરાના મૂળ ધરાવતી અને આધુનિક જ્ઞાન-વિજ્ઞાન સાથે તાલ મિલાવતી વિશ્વસ્તરીય યુનિવર્સિટી બનાવવાના વિઝનને સાકાર કરવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપશે.
IITEના વર્તમાન વિકાસક્રમમાં પીએચ.ડી. ગાઇડશિપના પ્રશ્નનું નિરાકરણ, વિજ્ઞાન અને માનવવિદ્યામાં ડોક્ટરલ સંશોધનનો પ્રારંભ, નવા કેમ્પસ માટેની વિશાળ સરકારી સહાય અને નવ યુનિવર્સિટી સ્કૂલો દ્વારા બહુવિષયક વિસ્તરણ જેવી પહેલો વિશેષ મહત્ત્વ ધરાવે છે.
આ સિદ્ધિઓ દર્શાવે છે કે સંસ્થાના શૈક્ષણિક વિકાસ સાથે સંશોધન, આધુનિક માળખાકીય સુવિધાઓ અને વિવિધ જ્ઞાનશાખાઓના એકીકરણને પણ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. ખાસ કરીને, લાંબા સમયથી પડતર રહેલા પ્રશ્નનું નિરાકરણ અધ્યાપકોમાં નવી આશા અને સંશોધન માટે નવો ઉત્સાહ પેદા કરશે તથા વિદ્યાર્થીઓને પોતાની જ સંસ્થામાં વિષયવિશેષ ડોક્ટરલ સંશોધન કરવાની વધુ તકો પૂરી પાડશે.
વર્ષોથી પડતર રહેલા પ્રશ્નોનું સમયબદ્ધ નિરાકરણ, સંશોધન માટે નવી તકો, રૂ.૧૨૭ કરોડની માળખાકીય સહાય અને નવ યુનિવર્સિટી સ્કૂલો દ્વારા બહુવિષયક વિસ્તરણઆ તમામ પહેલો IITEના ઉજ્જવળ ભવિષ્ય તરફના મહત્ત્વપૂર્ણ પગલાં છે.
ABRSM-IITE ના મહામંત્રી અને IITEની સ્કૂલ ઓફ એજ્યુકેશન ઇન સાયન્સ એન્ડ મેથ્સ ના ડાયરેક્ટર ડો. મેહુલ દવે એ યુનિવર્સિટીના અધ્યાપકોની ટીમ સાથે મા શિક્ષણ મંત્રીશ્રી, કુલપતિશ્રી, કુલસચિવ અને આમાં યોગદાન આપનાર સૌનો આભાર વ્યક્ત કરેલ હતો.
(10:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
