<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th April 2026

યુદ્ધની અસર ગુજરાતના ખેતરો સુધી પહોંચીઃ DAP ખાતરની ભારે અછત

ખેડૂતોને પડતા પર પાટું

અમદાવાદ,તા.૩૪: ઈઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્‍ચે ચાલી રહેલા યુદ્ધને પગલે ખાતરના ઉત્‍પાદન પર અસર પહોંચી છે. એટલું જ નહીં, મીડિલ ઈસ્‍ટના દેશોમાંથી આવતા ખાતરના જથ્‍થામાં ઘટાડો થયો છે પરિણામે ગુજરાતમાં ડીએપી ખાતરની અછતની સ્‍થિતિ સર્જાઈ છે. વર્ષ ૨૦૨૬માં ખરીફ સિઝન માટે ૩૯ મિલિયન ટન ખાતરની જરૂરિયાત સામે માત્ર ૧૮ મિલિયન ટન જ સ્‍ટોક છે તે જોતાં આગામી દિવસોમાં ખાતરને લઈને ખેડૂતોની સમસ્‍યા વધુ વિકટ બને તેમ લાગી રહ્યું છે.

ડાય એમોનિયમ ફોસ્‍ફેટ અને નાઈટ્રોજન ફોસ્‍ફરસ, પોટેશિયમ પાયાનું ખાતર છે, જ્‍યારે યુરિયા પૂરક ખાતર છે. એક તરફ ખાતરના ઉત્‍પાદનમાં ઘટાડો થયો છે, સરકારે સબસિડીમાં ઘટાડો કર્યો છે તો બીજી તરફ ખેડૂતો માટે સિઝન સમયે ખાતર મેળવવા કલાકો સુધી લાઈનમાં ઊભું રહેવા મજબૂર થવું પડ્‍યું છે. આત્‍મનિર્ભર ભારતના નારા ગુંજી રહ્યા છે. ત્‍યારે હજુ પણ ભારતે ખાતર માટે આયાત પર આધાર રાખવો પડી રહ્યો છે.

કુલ એનપીકે ખાતરની માંગના માત્ર ૬૫-૭૦ ટકા જ ઘરેલુ ઉત્‍પાદન દ્વારા પૂર્ણ થાય છે, જ્‍યારે બાકીના ૩૦-૩૫ ટકા વૈશ્વિક બજારો પર આધાર રાખવો પડે છે. કુલ ખાતરનો વપરાશ ૩૨.૬ મિલિયન ટન થયો છે. નાઈટ્રોજનસ ખાતર પણ હજુ પણ આયાત પર આધારિત છે. ફોસ્‍ફેટિક ખાતરમાં ૩૦-૪૦ ટકા જ્‍યારે પોટાશમાં ૧૦૦ ટકા આયાત પર આધાર રાખવો પડે તેમ છે. ૨૦૨૬ની ખરીફ સીઝન માટે ૩૯ મિલિયન ટન માંગ છે, જ્‍યારે વર્તમાન સ્‍ટોક માત્ર ૧૮ મિલિયન ટન જ છે. આ જોતાં હજુ ખાતર માટે ખેડૂતોને મુશ્‍કેલી વેઠવી પડશે.

મહત્ત્વની વાત એ છે કે, છેલ્‍લા દસેક મહિનામાં ડી.એ.પી.માં ૧૫૦ રૂપિયા, એન.પી.કે.માં ૮૫૦ રૂપિયા, એમોનિયમ સલ્‍ફેટ ૩૦૦ રૂપિયા અને પોટાશમાં ૫૫૦ રૂપિયાનો ભાવ વધારો થયો છે. કેન્‍દ્ર સરકારે ખાતરની સબસિડી મેટ્રિક ટન દીઠ ફિક્‍સ કરી દેતા ખેડૂતોને આર્થિક માર ભોગવવો પડે છે. છેલ્‍લા બે વર્ષમાં ખરીફ અને રવિ એમ બંને સિઝનમાં ડીએપી અને યુરિયા ખેડૂતોને મળતું નથી પરિણામે ખેતીને નુકસાન થઈ રહ્યું છે

(1:43 PM IST)