તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th July 2026
માછીમારોની યાંત્રિક બોટમાં ડીઝલ પર વેટ રાહત યોજનામાં મહત્વનો સુધારો : બોટની 20 મીટરની લંબાઈની મર્યાદા સંપૂર્ણ નાબૂદ: હવે તમામ યાંત્રિક બોટોને મળશે યોજનાનો લાભ
ગુજરાતના માછીમારોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય:વેટ રાહત મેળવવા બોટની “રિયલ ક્રાફ્ટ પોર્ટલ” પર નોંધણી અને ફિશિંગ લાયસન્સ અનિવાર્ય:રાજ્યની ૧૮,૦૦૦થી વધુ યાંત્રિક ફિશિંગ બોટોને મળશે આર્થિક લાભ:પાત્રતા ધરાવતી બોટોને પ્રતિ લિટર મહત્તમ રૂ. ૧૫/- સુધીની વેટ રાહત મળશે: પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણી

ગાંધીનગર :મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં માછીમાર ભાઈઓના આર્થિક ઉત્થાન અને સર્વાંગી વિકાસ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, માછીમારોની યાંત્રિક બોટમાં વપરાતા ડીઝલ પર વેટ રાહત આપવાની યોજનામાં મહત્વપૂર્ણ સુધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રવક્તા મંત્રીએ વિગતવાર માહિતી આપતા ઉમેર્યું હતું કે, અગાઉના નિયમ મુજબ આ યોજનાનો લાભ માત્ર ૨૦ મીટરથી ઓછી લંબાઈ ધરાવતી યાંત્રિક બોટોને જ મળતો હતો. હવે માછીમાર સમુદાયના વ્યાપક હિતમાં આ ૨૦ મીટરની મર્યાદાને સંપૂર્ણપણે દૂર કરવાનો નિર્ણય લેવાયો છે. આ સુધારાના પરિણામે હવે રાજ્યની ડીપ-સી બોટો સહિત તમામ યાંત્રિક ફિશિંગ બોટો આ યોજનાનો લાભ મેળવી શકશે.
આ લાભ મેળવવા માટે જે-તે ફિશિંગ બોટની નોંધણી 'રિયલ ક્રાફ્ટ પોર્ટલ' પર થયેલી હોવી જોઈએ તેમજ બોટ પાસે માન્ય ફિશિંગ લાયસન્સ હોવું અનિવાર્ય છે. આ મહત્વપૂર્ણ નિર્ણયથી રાજ્યની નોંધાયેલી ૧૮,૦૦૦થી વધુ યાંત્રિક ફિશિંગ બોટો હવે ડીઝલ વેટ રાહત મેળવવા માટે પાત્ર બની છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
વધુ વિગતો આપતાં તેમણે કહ્યું હતું કે, આ યોજના હેઠળ પાત્રતા ધરાવતી તમામ યાંત્રિક બોટોને સરકાર દ્વારા 'ડીઝલ કાર્ડ' આપવામાં આવશે. આ કાર્ડ ધારક બોટોને પ્રતિ લિટર મહત્તમ રૂ. ૧૫/- લેખે ડીઝલ વેટ રાહત મળશે. જો વેટની રકમ રૂ. ૧૫ કરતાં ઓછી હશે, તો તે મુજબ સબસિડી મળવાપાત્ર રહેશે.
નાના, મધ્યમ અને મોટા—તમામ વર્ગના માછીમારોને આ સમાન લાભ મળવાને કારણે તેમના ડીઝલના દૈનિક ખર્ચમાં મોટો ઘટાડો થશે, જેનાથી તેમની આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને આવકમાં નોંધપાત્ર વધારો થશે. હજુ પણ જે માછીમાર બંધુઓને રિયલ ક્રાફ્ટ પોર્ટલ પર નોંધણી અથવા ફિશિંગ લાયસન્સ મેળવવાનું બાકી હોય તો તે સત્વરે પૂર્ણ કરવા મંત્રીએ અનુરોધ કર્યો છે.
(7:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
