હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગાંધી જયંતી નિમિત્તે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય : રાજ્યમાં ખાદી અને પોલિવસ્ત્રના ઉત્પાદન પર ૩૦ ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાયની જાહેરાત
આવતીકાલથી ૩૧ ડિસેમ્બર સુધી ખરીદી પર ખાસ વળતરનો લાભ મળશે : અમદાવાદ, ભરૂચ અને વડોદરા ખાતે વિશેષ ખાદી પ્રદર્શન-સહ-વેચાણ મેળાઓનું આયોજન

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ખાદીના વિચારને ખરા અર્થમાં જીવંત રાખવા તથા ખાદી ક્ષેત્રે સંકળાયેલા રાજ્યના હજારો કારીગરોને સતત રોજગારી મળી રહે તે હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર દ્વારા ગાંધી જયંતી નિમિત્તે અત્યંત મહત્વપૂર્ણ અને પ્રજાભિમુખ નિર્ણય લેવામાં આવ્યો છે.
જે અંતર્ગત ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ દ્વારા તા. ૨ ઓક્ટોબરથી ૩૧ ડિસેમ્બર, ૨૦૨૬ સુધી ખાદી અને પોલિવસ્ત્રની માન્ય સંસ્થાઓ અને મંડળીઓ દ્વારા ઉત્પાદિત ખાદી તેમજ પોલિવસ્ત્રના ઉત્પાદનની કિંમત પર ૩૦ ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાય આપવાની જાહેરાત કરાઈ છે. આ નિર્ણયનો સીધો લાભ ગ્રાહકોને ખાદી વેચાણ કેન્દ્રો મારફત ખરીદી પર મળનારા ખાસ વળતર સ્વરૂપે થશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિશેષ પહેલ “ખાદી ફોર નેશન અને ખાદી ફોર ફેશન”, “વોકલ ફોર લોકલ” તેમજ “હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી”ની થીમને વધુ વેગ આપવા માટે રાજ્ય સરકારે આ વિશેષ જાહેરાત કરી છે. આ પ્રોત્સાહન સહાયથી આગામી ધાર્મિક તહેવારો, જાહેર તેમજ સામાજિક પ્રસંગોમાં નાગરિકો સ્વદેશી ખાદી વસ્ત્રોની ખરીદી તરફ વધુ આકર્ષાશે, જેથી વેચાણમાં નોંધપાત્ર વધારો થશે.
રાજ્યમાં ખાદી ક્ષેત્રે વેચાણ વધવાથી KVIC નું પ્રમાણપત્ર ધરાવતી અને ખાદી બોર્ડના ઈ-કુટીર પોર્ટલ પર નોંધણી થયેલ અંદાજિત ૨૨૦ થી વધુ માન્ય ખાદી સંસ્થાઓ અને મંડળીઓ સાથે જોડાયેલા અંદાજે ૧૬ હજારથી વધુ કાંતનાર તેમજ વણનાર કારીગરોને આજીવિકા અને રોજગારી સતત મળતી રહેશે. આ યોજના હેઠળ ઉત્પાદિત આસન, શેતરંજી, રેશમ પટોળા, ઊની સ્વેટર, જર્સી, શાલ અને ખાદીના વિવિધ રેડિમેઇડ ગારમેન્ટ્સ જેવાં ઉત્પાદનોની ખરીદી પ્રોત્સાહિત થતાં સ્થાનિક ગ્રામીણ અર્થતંત્રને નવી મજબૂતી મળશે.
વધુમાં, ખાદીના વેચાણને વ્યાપક પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ શહેરોમાં ખાસ પ્રદર્શન-સહ-વેચાણ મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગાંધી જયંતી નિમિત્તે તા. ૦૨ થી ૦૭ ઓક્ટોબર દરમિયાન ગૂજરાત વિદ્યાપીઠ (અમદાવાદ), તા. ૦૧ થી ૧૦ ઓક્ટોબર દરમિયાન ભરૂચ ખાતે અને તા. ૧૧ થી ૧૭ ઓક્ટોબર દરમિયાન વડોદરા ખાતે ખાદી પ્રદર્શન-સહ-વેચાણ મેળાઓ યોજાશે. રાજ્ય સરકાર દ્વારા તમામ નાગરિકોને આ મેળાઓની મુલાકાત લઈ સ્વદેશી ખાદી વસ્ત્રો ખરીદીને સ્થાનિક કારીગરોને પ્રોત્સાહિત કરવા અપીલ કરવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
