તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 17th November 2026
શિયાળુ સિઝનની વાવણી અગાઉ ખેડૂતો માટે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા : અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ બિયારણ અને ખાતર ખરીદવા અનુરોધ
વેપારીનું લાયસન્સ નંબર, પૂરું નામ અને લોટ નંબર દર્શાવતું પાકું બિલ સહી સાથે મેળવવું અનિવાર્ય : મુદત પૂરી થયેલા ઇનપુટનો ઉપયોગ ન કરવા અને નકલી વેચાણ અંગે તંત્રને જાણ કરવા ખેતી નિયામક કચેરીની તાકીદ

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: રાજ્યમાં આગામી શિયાળુ સિઝન માટે પાક વાવેતરની તૈયારી કરી રહેલા ખેડૂતો માટે કૃષિ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. ખેડૂતો બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે છેતરપિંડીથી બચવા માટે ખાસ સાવચેતી રાખે તેવું સૂચન કરવામાં આવ્યું છે. ખેતી નિયામક કચેરીની યાદીમાં જણાવ્યા અનુસાર ખેડૂતોએ હંમેશાં અધિકૃત લાયસન્સ કે પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા નોંધાયેલા ખાનગી વિક્રેતાઓ પાસેથી જ કૃષિ ઇનપુટની ખરીદી કરવાનો આગ્રહ રાખવો જોઈએ. કોઇપણ સંજોગોમાં લાયસન્સ વગરના ફેરીયાઓ કે શંકાસ્પદ તત્વો પાસેથી ખરીદી ન કરવા તાકીદ કરાઈ છે.
પાકું બિલ મેળવવું અને મુદત પૂરી થયેલા ઇનપુટ ટાળવા અનિવાર્ય:
ખેડૂતો દ્વારા બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી સમયે વેપારીનું લાયસન્સ નંબર, પૂરું નામ, સરનામું, ખરીદેલ વસ્તુનું નામ તેમજ લોટ નંબર જેવી તમામ વિગતો સ્પષ્ટ દર્શાવતું પાકું બિલ સહી સાથે મેળવી લેવું ફરજિયાત છે. આ ઉપરાંત કોઈપણ સંજોગોમાં એક્સપાયરી ડેટ એટલે કે મુદત પૂરી થઈ ગઈ હોય તેવા બિયારણ કે ખાતરની ખરીદી કે તેનું વાવેતર કરવું નહીં. ખેડૂતોએ હંમેશાં વૈજ્ઞાનિક ભલામણોને ધ્યાનમાં રાખીને જ નિર્ધારિત જથ્થામાં આ ઇનપુટનો ઉપયોગ કરવો હિતાવહ છે.
નકલી વેચાણ સામે તંત્રને જાણ કરવા અપીલ:
જો બજારમાં અધિકૃત કે પ્રચલિત નામો મળતાં આવતી અમાન્ય અથવા નકલી બિયારણ, ખાતર કે જંતુનાશક દવાઓનું વેચાણ થતું હોવાનું ધ્યાને આવે, તો ખેડૂતોએ તાત્કાલિક ધોરણે સંબંધિત ખેતીવાડી અધિકારી અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામકને આ બાબતની જાણ કરવી, જેથી સમયસર યોગ્ય પગલાં લઈ શકાય.
(3:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
