<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

સાગબારાના જંગલ જમીન વિવાદ મુદ્દે માંડવી ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

અધિકારીઓએ સરકારના નિર્ણય મુજબ આગામી 90 દિવસ સુધી જંગલ જમીન પર ખેડાણ કરવા દેવામાં નહીં આવે તેમ જણાવી ખેડૂતોને હાલ ખેડાણ ન કરવા અપીલ કરી

(ભરત શાહ દ્વારા ) નર્મદા :જંગલ જમીન પર ખેતીનાઅધિકારને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે માંડવી સર્કિટ હાઉસ ખાતે સાંસદ મનસુખભાઈ વસાવા,મહિલા આગેવાન લીલાબેન વસાવા, સરપંચો, બાર ગામના આગેવાનો તથા ફોરેસ્ટ વિભાગના અધિકારીઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

 બેઠકમાં ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ સરકારના નિર્ણય મુજબ આગામી 90 દિવસ સુધી જંગલ જમીન પર ખેડાણ કરવા દેવામાં નહીં આવે તેમ જણાવી ખેડૂતોને હાલ ખેડાણ ન કરવા અપીલ કરી હતી.
સાંસદ મનસુખભાઈ વસાવા સહિત આગેવાનોએ સવાલ ઉઠાવ્યો હતો કે જો ઉમરપાડા વિસ્તારના લોકોને ખેતી કરવાની મંજૂરી મળતી હોય તો નર્મદા જિલ્લાના ખેડૂતોને પણ ખેતી કરવાની તક મળવી જોઈએ. ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય લેવા આગ્રહ કરવામાં આવ્યો હતો.
સાંસદ મનસુખભાઈ વસાવાએ ખેડૂતોને હાલ ધીરજ રાખી સરકારી કાર્યવાહી પૂર્ણ થાય ત્યાં સુધી તંત્રને સહકાર આપવા અપીલ કરી હતી. સુરત જિલ્લા તંત્ર દ્વારા પણ વહેલી તકે જરૂરી કામગીરી હાથ ધરી કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
બેઠક બાદ હાલ પૂરતા નર્મદા જિલ્લાના જંગલ જમીનના ખેડૂતો ખેડાણ ન કરી તંત્રને સહકાર આપે તેવી સ્થિતિ સર્જાઈ છે. જોકે ખેડૂતોના જમીન હકનો અંતિમ ઉકેલ સરકારી કાર્યવાહી પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે

(11:18 PM IST)