<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd October 2026

ગુજરાત સરકાર અને સ્કોટલેન્ડ વચ્ચે ગાંધીનગરમાં મહત્વપૂર્ણ MoU થયા : 2030 કોમનવેલ્થ ગેમ્સ સહિત ટ્રેડ, એનર્જી અને એજ્યુકેશન ક્ષેત્રે સહયોગ વધારાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર જોન સ્વિનીની ઉપસ્થિતિમાં સમજૂતી, ઓફ શોર એનર્જીમાં ગ્લોબલ લીડર સ્કોટલેન્ડની તજજ્ઞતાનો ગુજરાતને લાભ મળશે, ગુજરાતનું ડેલિગેશન સ્કોટલેન્ડ જશે

ગાંધીનગર તા.23 : ગુજરાત સરકાર અને સ્કોટલેન્ડ ગવર્નમેન્ટ વચ્ચે ગાંધીનગરમાં એક મહત્વપૂર્ણ MoU સંપન્ન થયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સ્કોટલેન્ડ ગવર્નમેન્ટના ફર્સ્ટ મિનિસ્ટર જોન સ્વિનીની પ્રેરક ઉપસ્થિતિમાં આ સમજૂતી કરાર થયા હતા અને બંને નેતાઓએ MoU ની પરસ્પર આપ-લે કરી હતી.

 

આ MoU અન્વયે ગુજરાત અને સ્કોટલેન્ડ વચ્ચે પરસ્પર મિત્રતા અને સમજણનો સેતુ સુદ્રઢ બનાવવા સાથે પીપલ કનેક્ટ, ઈકોનોમિક રિલેશન્સ ડેવલપમેન્ટ, સસ્ટેનેબલ એન્ડ ઈન્ક્લુઝિવ ઈકોનોમિક ડેવલપમેન્ટ ઉપરાંત ઈનોવેશન અને સમૃદ્ધિ માટેના સહયોગને પ્રોત્સાહન આપવામાં આવશે. એટલું જ નહિ નોલેજ એન્ડ એક્સપિરિયન્સ શેરિંગ તેમજ મ્યુચ્યુઅલ ઈન્ટરેસ્ટના ક્ષેત્રોમાં પણ વ્યવહારુ સહયોગની તકો વિકસાવવામાં આવશે.

 

MoU માં સ્પોર્ટ્સ એન્ડ ફિઝિકલ એક્ટીવિટી, ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ, એનર્જી એન્ડ સસ્ટેનેબિલિટી, એજ્યુકેશન, સ્કિલિંગ અને રિસર્ચ તેમજ કલ્ચરલ એક્સચેન્જના ક્ષેત્રોમાં સહયોગની સંભાવનાઓ પર ફોકસ કરવામાં આવ્યું છે. ગુજરાત 2030 ની કોમનવેલ્થ ગેઈમ્સની યજમાની કરવાનું છે ત્યારે 2026 ની કોમનવેલ્થ ગેઈમ્સ ગ્લાસગોમાં સફળતાપૂર્વક પૂર્ણ કરવાના સ્કોટલેન્ડના અનુભવો, વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, ફિટનેસ કલ્ચરને પ્રોત્સાહન જેવા વિષયોમાં ગુજરાતને સ્કોટલેન્ડનું માર્ગદર્શન અને સહયોગ મેળવવામાં આ MoU ઉદ્દીપક બનશે.

 

સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર જોન સ્વિનીએ જણાવ્યું હતું કે સ્કોટલેન્ડ ગુજરાત વચ્ચેના MoU કલ્ચર, સ્પોર્ટ્સ, એનર્જી અને લાઈફ સાયન્સીસના ક્ષેત્રોમાં નવી તકો ખોલશે. તેમણે ખાસ કરીને ઓફ શોર એનર્જીમાં સ્કોટલેન્ડની જે એક્સપર્ટીઝ છે તેનો લાભ ગુજરાતને આપવાની ઉત્સુક્તા દર્શાવી હતી.

 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં પ્રતિભાવ આપતાં કહ્યું કે ગુજરાત સમગ્ર દેશમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે અગ્રણી રાજ્ય છે. સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતા ગુજરાતમાં ઓફ શોર એનર્જીની પણ વિપૂલ સંભાવનાઓ રહેલી છે. સ્કોટલેન્ડ ઓફ શોર એનર્જીમાં ગ્લોબલ લીડર છે ત્યારે તે તજજ્ઞતામાંથી માર્ગદર્શન મેળવવા અને અભ્યાસ માટે ગુજરાતનું એક ડેલિગેશન સ્કોટલેન્ડ મૂલાકાતે જાય તેવો સૂઝાવ પણ મુખ્યમંત્રીએ બેઠક દરમિયાન વ્યક્ત કર્યો હતો.

 

મુખ્ય સચિવ એમ. કે. દાસે સ્કોટલેન્ડના ડેલિગેશનને ગુજરાતમાં આવકારવા સાથે પરસ્પરના સંબંધોમાં સ્પોર્ટ્સ, રિન્યુએબલ એનર્જી, ઈકોનોમિક પાર્ટનરશિપ અને સાંસ્કૃતિક આદાન પ્રદાનમાં મિત્રતાના સહયોગની અપાર સંભાવનાઓની વિસ્તૃત ભૂમિકા આપી હતી. તેમણે કહ્યું કે ગુજરાત અને સ્કોટલેન્ડની યુનિવર્સિટીઓ, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે જોડાણ, શૈક્ષણિક તથા સંશોધન સહયોગથી જ્ઞાન તથા કૌશલ્યને પ્રોત્સાહન મળશે.

 

ઉદ્યોગ વિભાગના કાર્યકારી અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનોએ આભાર વ્યક્ત કરતાં કહ્યું કે આ MoU ને પરિણામે એજ્યુકેશન એન્ડ સ્કિલિંગ, સ્પોર્ટ્સ અને એનર્જી સેક્ટરમાં ડાયલોગ અને ટ્રસ્ટ તથા મિનિંગફૂલ પાર્ટનરશિપ ઊભી થશે. બેઠકમાં મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, શહેરી વિકાસ અને શિક્ષણના અગ્ર સચિવો, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે અને વિવિધ વિભાગોના વરિષ્ઠ સચિવો સહભાગી થયા હતા.

(4:04 PM IST)