<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ઇન્વેસ્ટોપિયા ગ્લોબલ અમદાવાદનો ઉદ્ઘાટન સમારંભ યોજાયો

ભારત અને UAE વચ્ચે થયેલા CEPએગ્રીમેન્ટના પરિણામે UAE ભારતનો ત્રીજો સૌથી મોટો બિઝનેસ પાર્ટનર બન્યો:વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત અને UAE વચ્ચેના સંબંધો નવી ઊંચાઈએ પહોંચ્યા: ગુજરાતમાં ઉદ્યોગની અપાર ક્ષમતાઓ સાથે પ્રવાસનની પણ વિપુલ તકો છે: મુખ્યમંત્રી:ઉદ્ઘાટન સમારંભમાં મુખ્ય સચિવ એમ. કે. દાસ તથા સીઆઈઆઈના પ્રેસિડેન્ટ આર. મુકુંદન સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિ

ગાંધીનગર : ઇન્વેસ્ટોપિયા ગ્લોબલ અમદાવાદના ઉદ્ઘાટન સમારંભને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત અને UAE વચ્ચેના સંબંધો નવી ઊંચાઈએ પહોંચ્યા છે. વડાપ્રધાનના નેતૃત્વમાં ભારતની 'વિશ્વમિત્ર' તરીકેની ઈમેજને વધુ ઉજાગર કરતો આજનો આ અવસર છે, એવું તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ વર્ષ 2015માં UAEની મુલાકાતે ગયા હતા અને 34 વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાનને UAEની મુલાકાત લીધી હતી. વડાપ્રધાનએ અત્યાર સુધીમાં સાત વખત UAEની મુલાકાત લીધી છે. UAEના રાષ્ટ્રપતિ મહામહીમ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાને પણ ભારતની પાંચ વખત મુલાકાત લઈને સંબંધોને વધુ મજબૂત બનાવ્યા છે. વર્ષ 2024ની વાઇબ્રન્ટ સમિટમાં UAEના રાષ્ટ્રપતિને ગુજરાતમાં આવકારવાની તક મળી હતી, એ પ્રસંગને મુખ્યમંત્રીએ ખાસ યાદ કર્યો હતો.
ભારત અને UAE હવે વેપાર ઉપરાંત સાંસ્કૃતિક રીતે પણ જોડાયા છે અને અબુ ધાબી ખાતે પહેલું હિન્દુ સ્વામિનારાયણ મંદિર સ્થપાયું છે, એનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે આજનો આ પ્રસંગ ગુજરાત-ભારત અને UAE માટે બે સભ્યતાઓ, બે અર્થવ્યવસ્થાઓનું મિલન જેવો છે. ગુજરાત અને UAE તો સદીઓથી અરબી સમુદ્રથી જોડાયેલા છે અને સામુદ્રિક વેપારની ઐતિહાસિક મૈત્રી રહી છે. આજના આ કાર્યક્રમથી બે ગ્લોબલ લીડર્સના નેતૃત્વમાં વિસ્તરેલા દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનશે, એવી આશા મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત અને UAE વચ્ચે વર્ષ 2022માં થયેલા કોમ્પ્રીહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (CEPA)થી બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધોમાં ઐતિહાસિક પરિવર્તન આવ્યું છે. આ એગ્રીમેન્ટના પરિણામે UAE ભારતનો ત્રીજો સૌથી મોટો બિઝનેસ પાર્ટનર બન્યો છે, એવું તેમણે ઉમેર્યું હતું.
ગુજરાત અને UAE વચ્ચેના વ્યાપારી સંબંધો અંગે વાત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાંથી કેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, એન્જિનિયરિંગ ઉત્પાદનો, સિરામિક્સ, ટેક્સટાઇલ્સ, એગ્રી પ્રોડક્ટ્સ અને પ્રોસેસ્ડ ફૂડની UAEમાં નિકાસ થાય છે. UAE સાથેની સમજૂતીથી ગુજરાત માટે ઇકોનોમિક પાર્ટનરશિપથી વધીને ગ્લોબલ સપ્લાય ચેઈનમાં સ્થાન મજબૂત કરવાની તક છે, એવું તેમણે ઉમેર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશિપના કારણે ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન અને ગ્લોબલ ગેટવે ટુ ધ ફ્યુચર બન્યું છે, એવું જણાવી મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે એક મેજર પોર્ટ અને 48 નોન-મેજર પોર્ટ્સ સાથે ગુજરાત ભારતનું સામુદ્રિક પ્રવેશદ્વાર છે. 51 ગીગાવોટથી વધુ રિન્યુએબલ એનર્જી કેપેસિટી સાથે ગુજરાત ભારતની ક્લીન એનર્જીનું હબ પણ બન્યું છે. ગિફ્ટ સિટી ભારતનું પહેલું ફિનટેક સિટી છે. ગુજરાતમાં ત્રણ સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થયા છે અને ભારતમાં સૌથી વધુ છ સેમિકન્ડક્ટર પ્લાન્ટ મંજૂર થયા છે. ગુજરાત પરંપરાગત ઉદ્યોગોની સાથે સાથે રાઇઝિંગ સેક્ટરમાં લીડ લેવા સજ્જ છે.
ગુજરાતમાં ઉદ્યોગની અપાર ક્ષમતાઓની સાથે સાથે પ્રવાસનની પણ વિપુલ તકો છે, એવું જણાવી મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે સ્પિરિચ્યુઅલ ટૂરિઝમ, કચ્છના સફેદ રણ સહિત ડેઝર્ટ ટૂરિઝમ, શિવરાજપુર બીચ જેવા એડવેન્ચર ટૂરિઝમ અને નડાબેટ જેવા પેટ્રિયોટિક ટૂરિઝમનાં અનેક સ્થળો ગુજરાતમાં છે.
વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પ તથા UAEના 'We the UAE 2031'ના વિઝનની વાત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાત અને UAE સહભાગીતાથી આ બંને લક્ષ્યાંકો સિદ્ધ કરવામાં ઉત્તમ યોગદાન આપી શકે છે. આજે અહીં જે વિવિધ MoU થવાના છે તેનાથી ભારત અને UAE વચ્ચે આર્થિક સહયોગો વધુ મજબૂત થશે, એવું તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ આ પ્રસંગે UAEના ઉદ્યોગ જગતના લીડર્સને ભારતના બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન ગુજરાતમાં તેમના નવા સાહસો અને સહભાગીતા માટે હાર્દિક આમંત્રણ પાઠવ્યું હતું.
આ પ્રસંગે UAEના આર્થિક અને પ્રવાસન મંત્રી અબ્દુલ્લા બિન તૌક અલ મારીએ જણાવ્યું હતું કે UAE અને ભારત માત્ર વેપાર જ નથી કરી રહ્યા, પરંતુ એક સક્ષમ આર્થિક કોરિડોરનું નિર્માણ કરી રહ્યા છે. UAE તથા ભારત વચ્ચેના આર્થિક સંબંધો સતત આગળ વધી રહ્યા છે, એ બાબતે તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો.
UAEની આર્થિક સ્થિતિનો ચિતાર આપતા મારીએ જણાવ્યું હતું કે UAEના જીડીપીમાં વર્ષ 2025માં 5.6 ટકાનો વૃદ્ધિ દર નોંધાયો છે. હાલમાં UAEના જીડીપીમાં નોન-ઓઇલ (બિન-તેલ) ક્ષેત્રનો ફાળો 77.3 ટકાથી વધુ છે. આર્થિક વિવિધતા અને મજબૂતી બાબતે UAE અગ્રેસર છે, એવું તેમણે ઉમેર્યું હતું
શ્રી મારીએ વધુમાં જણાવ્યું હતું કે ભારત અને UAE વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર વર્ષ 2025માં 100 બિલિયન ડૉલરને પાર કરી ગયો છે. બંને દેશોએ વર્ષ 2032 સુધીમાં દ્વિપક્ષીય વેપાર વધારીને 200 બિલિયન ડૉલર સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક રાખ્યો છે.
ગિફ્ટ સિટીમાં UAEના રોકાણ અંગે વાત કરતા મારીએ જણાવ્યું હતું કે ગિફ્ટ સિટી ભારત-UAEના નાણાકીય સંબંધોનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે. અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (ADIA) એ ગિફ્ટ સિટીમાં પોતાની પેટા કચેરી શરૂ કરી છે. બંને દેશો વચ્ચે સેમિકન્ડક્ટર, ફાઇનાન્સિયલ કોરિડોર, ફૂડ સિક્યોરિટી, ટૂરિઝમ, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સ જેવા ભવિષ્યના મહત્ત્વનાં ક્ષેત્રોમાં ભાગીદારી મજબૂત બની રહી છે, એવું તેમણે ઉમેર્યું હતું.
ગુજરાતના વિકાસની પ્રશંસા કરતાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાત ભારતનું સૌથી ઔદ્યોગિક રાજ્ય છે, જે દેશના કુલ ઔદ્યોગિક નિકાસમાં 20 ટકા હિસ્સો ધરાવે છે. ફૂડ પ્રોસેસિંગ, કેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ, ટેક્સટાઇલ્સ અને એન્જિનિયરિંગ ક્ષેત્રે ગુજરાત અગ્રણી છે. વિદેશી મૂડીરોકાણ બાબતે પણ ગુજરાત આકર્ષક રહ્યું છે, એવું તેમણે ઉમેર્યું હતું.
 મારીએ સંવાદ(Dialogue)થી આગળ વધીને પ્રત્યક્ષ સોદાઓ (Deals) અને પ્રોજેક્ટ્સ પર અમલીકરણ કરવાની હાકલ કરી હતી.
ઇન્વેસ્ટોપિયાના સીઈઓ જીન ફેર્સ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. 
આ પ્રસંગે ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ એમ. કે. દાસ, ઉદ્યોગ અને ખાણ વિભાગનાં અગ્રસચિવ સુશ્રી મમતા વર્મા, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, CIIના પ્રેસિડેન્ટ આર. મુકુંદન, CII વેસ્ટર્ન રિજિયનના ચેરમેન વીર અડવાણી, CII ગુજરાત કાઉન્સિલના ચેરમેન અચલ બકેરી, લુલુ ગ્રૂપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર  યુસુફ અલી એમ.એ. સહિતના યુએઈના ઉદ્યોગ સાહસિકો, રોકાણકારોની સાથે સાથે ગુજરાત - ભારતના ઉદ્યોગપતિઓ અને રોકાણકારો ઉપસ્થિત રહ્યા હતા

(7:18 PM IST)