<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd October 2026

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં 'કાઠિયાવાડ ભવન'નું લોકાર્પણ અને દાતાશ્રી કૃતજ્ઞતા સમારોહ યોજાયો

શિક્ષણ એ સમાજ અને રાષ્ટ્ર નિર્માણ માટેનું શક્તિશાળી માધ્યમ છે:શહેરોમાં અભ્યાસ કરતા યુવાઓને અભ્યાસ સાથે આવાસ સુવિધા આપીને વિવિધ સમાજ ભવનો સરકારના પ્રયાસોમાં પુરક બને છે:કાઠી દરબાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સમાજના યુવાનોના શ્રેષ્ઠ ભવિષ્ય માટે કરાયેલો ભગીરથ પ્રયાસ પસંશનીય છે: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ .

( અશ્વિન વ્યાસ દ્વારા )ગાંધીનગર : ગાંધીનગર ખાતે કાઠી દરબાર એજ્યુકેશન ટ્રસ્ટના 'કાઠિયાવાડ ભવન'નું લોકાર્પણ તેમજ દાતા કૃતજ્ઞતા સમારોહ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાવામાં આવ્યો હતો. આ ભવન નિર્માણમાં યોગદાન આપનાર તમામ દાતાશ્રીઓને મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.
   મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ'ના મંત્રને દોહરાવતાં કહ્યું કે, શિક્ષણ એ માત્ર વ્યક્તિગત પરિવર્તનનું સાધન નથી, પરંતુ સમગ્ર સમાજ અને રાષ્ટ્ર નિર્માણનું શક્તિશાળી માધ્યમ છે. 
શહેરોમાં રહીને અભ્યાસ કરતા યુવાઓને અભ્યાસ સાથે આવાસની સુવિધા આપવા માટે વિવિધ સમાજોના ભવનો સરકારના પ્રયાસોમાં પૂરક બનીને સમાજના સહયોગથી વિકાસને વધુ વ્યાપક બનાવે છે એમ તેમણે ઉમેર્યુ હતું. 
IAS, IPS, GPSC કે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનોને યોગ્ય માર્ગદર્શન, અભ્યાસલક્ષી વાતાવરણ, લાઈબ્રેરી અને આવાસની શ્રેષ્ઠ સુવિધાઓ કાઠી સમાજના આ ભવન થકી મળશે એનો આનંદ તેમણે વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીએ વિકસિત ભારત-૨૦૪૭ની નિર્માતા એવી યુવાશક્તિના ભવિષ્યને કેન્દ્રમાં રાખીને કાઠી દરબાર એજ્યુકેશન ટ્રસ્ટના ભગીરથ પ્રયાસ બદલ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, કાઠિયાવાડની ધરતી ધર્મ, ભક્તિ અને શૌર્યની સમૃદ્ધ પરંપરાનો વારસો ધરાવે છે. 
જોગીદાસ ખુમાણ જેવા વીર પુરુષો, દાન મહારાજ વિસામણ બાપુ જેવા પૂજ્ય સંતો અને આલા ખાચર જેવા મહાન ભક્તોએ સમાજને શૌર્ય, સેવા, ત્યાગ અને સંસ્કારનો માર્ગ બતાવ્યો છે. કાઠી સમાજે પોતાની ગૌરવશાળી પરંપરાને જાળવી રાખીને શિક્ષણ, જ્ઞાન, કૌશલ્ય અને આધુનિક વિચારધારા દ્વારા સમાજને નવી ઊંચાઈઓએ લઈ જવાનો સંકલ્પ કર્યો છે તે સરાહનીય છે.
મુખ્યમંત્રીએ વિકસિત ભારત અને વિકસિત ગુજરાતના સંકલ્પમાં કાઠી સમાજને સહભાગી બની પર્યાવરણ સંરક્ષણ માટે 'એક પેડ મા કે નામ', 'વોકલ ફોર લોકલ' અને 'સ્વચ્છતા' જેવા અભિયાનોમાં યોગદાન આપવા આહવાન કર્યુ હતું.
આ લોકાર્પણ સમારોહમાં સાંસદ પરષોત્તમભાઈ રૂપાલા, ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, મહેશભાઈ કસવાલા, કિસાન મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બાબુભાઈ જેબલિયા, ગુજરાત રાજ્ય કાઠી ક્ષત્રિય સમાજના આગેવાન સત્યજીત કુમાર, જૂનાગઢ ગૌરક્ષનાથ આશ્રમના મહંત શેરનાથ બાપુ, પાળિયાદના મહંત ગેબીનાથ બાપુ સહિત પૂજ્ય સંતો, શહેર સંગઠન પ્રમુખ આશિષભાઈ દવે, પ્રદેશ મિડિયા કન્વીનર પ્રશાંતભાઈ વાળા તેમજ સર્વ દાતાઓ સહિત વિશાળ સંખ્યામાં સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

(6:20 PM IST)