<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

નિકાસ સ્પર્ધાત્મકતા વધારવા માટે ગુજરાત સરકાર દ્વારા ‘Leveraging FTAs-Outreach Programme’ અંતર્ગત રાજ્યકક્ષાની કાર્યશાળાનું આયોજન

કાર્યશાળામાં ગુજરાતની નિકાસને નવી વૈશ્વિક ઊંચાઈ આપવા માટે મુક્ત વેપાર કરારોના મહત્તમ ઉપયોગ પર ચર્ચા-વિચારણા કરાશે

ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા ભારત સરકારના વિદેશ વેપાર મહાનિર્દેશાલય (DGFT)ના સંકલનમાં તા. ૨૧ ઑક્ટોબર, ૨૦૨૬ના રોજ ગાંધીનગરના ભાટ ખાતે આવેલી એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (EDII) ખાતે ‘Leveraging FTAs-Outreach Programme’ અંતર્ગત રાજ્યકક્ષાની કાર્યશાળાનું આયોજન કરવામાં આવશે.

રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા DGFTના સંકલન સાથે યોજાઈ રહેલી આ કાર્યશાળાનો હેતુ ઉદ્યોગો, નિકાસકારો અને સૂક્ષ્મ, લઘુ તથા મધ્યમ ઉદ્યોગો (MSMEs)માં ભારતના મુક્ત વેપાર કરારો (FTAs) દ્વારા ઉપલબ્ધ થતી તકો અંગે જાગૃતિ વધારવાનો તેમજ પ્રાધાન્યપૂર્ણ બજાર પ્રવેશનો વધુ ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવાનો છે. આ પહેલથી ગુજરાતની નિકાસ સ્પર્ધાત્મકતા મજબૂત બનશે.

નિકાસની તકોનો વિસ્તાર કરવા અને આંતરરાષ્ટ્રીય બજારોમાં ગુજરાતની ઉપસ્થિતિ મજબૂત બનાવવા માટે ભારતના FTAsનો લાભ લેવા જે ક્ષેત્રોને પ્રાથમિકતા આપવામાં આવી છે, તેમાં કાપડ, વસ્ત્રો અને તૈયાર કાપડ ઉત્પાદનો; રત્નો અને આભૂષણો; ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર્સ; એન્જિનિયરિંગ; રસાયણો અને પેટ્રોકેમિકલ્સ; ફાર્માસ્યુટિકલ્સ, બાયોટેકનોલોજી અને તબીબી ઉપકરણો; કૃષિ, ડેરી, ફૂડ પ્રોસેસિંગ અને દરિયાઈ ઉત્પાદનો; તેમજ IT/ITeS, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ફિનટેક સહિતનાં સેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

આ કાર્યશાળામાં ક્ષેત્રવાર નીતિઓ, પ્રાધાન્યપૂર્ણ ટેરિફના લાભો, મૂળ દેશના નિયમો (Rules of Origin), આંતરરાષ્ટ્રીય બજારોમાં પ્રવેશ અને નિકાસ માટેની સજ્જતા વધારવાનાં પગલાં અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત, ગુજરાતની નિકાસનો વિસ્તાર કરવા અને ભારતના FTAs હેઠળ ઉપલબ્ધ લાભોનો મહત્તમ ઉપયોગ કરવા માટેની વ્યવહારુ વ્યૂહરચનાઓ ઓળખવા સરકારી વિભાગો, નિકાસ પ્રોત્સાહન સંસ્થાઓ, ઉદ્યોગ સંગઠનો અને વેપારી પ્રતિનિધિઓને એક મંચ પર લાવવામાં આવશે. આ કાર્યક્રમમાં કાપડ, રત્નો અને આભૂષણો, ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર્સ, એન્જિનિયરિંગ, રસાયણો અને પેટ્રોકેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ, કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ તથા IT/ITeS, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ફિનટેક જેવી સેવા સહિતનાં મુખ્ય પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

 

આ પહેલ રાજ્ય સરકારની ગુજરાતના નિકાસ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાની, ઉદ્યોગો અને MSMEsને આંતરરાષ્ટ્રીય બજારો સુધી પહોંચવામાં સક્ષમ બનાવવાની, નિકાસનાં બજારોમાં વૈવિધ્ય લાવવાની અને વૈશ્વિક મૂલ્ય શૃંખલાઓમાં રાજ્યનું એકીકરણ વધુ ગાઢ બનાવવાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

કેન્દ્ર અને રાજ્ય સરકારો તથા ઉદ્યોગ ક્ષેત્રના હિતધારકોના સંકલિત પ્રયાસો દ્વારા આ કાર્યશાળાનો હેતુ ભારતના FTAs દ્વારા ઉપલબ્ધ તકોને ગુજરાતના નિકાસકારો અને ઉદ્યોગો માટે નક્કર લાભોમાં પરિવર્તિત કરવાનો છે. આ રીતે રાજ્યની સતત નિકાસ વૃદ્ધિ અને વૈશ્વિક સ્પર્ધાત્મકતાને વેગ મળશે.

(6:37 PM IST)