તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 1st September 2026
૨૪ કેરેટ સોનાના દાગીનાની દાણચોરીમાં વધારોઃ મહિલા પેસેન્જરોનો ઉપયોગ
૨૪-૨૨ કેરેટના ભાવમાં તફાવત વધતા મહિલાઓ મારફતે ગોલ્ડ સ્મગલિંગઃ વર્ષમાં ૧૫થી વધુ મહિલા ઝડપાઈ : અલગ-અલગ કેસોમાં મહિલાઓને સોનું છુપાવવા માટે શરીર પર પહેરેલા કપડાં, બુરખા તેમજ અન્ય રીતોનો ઉપયોગ કરાવવામાં આવ્યો

અમદાવાદ,તા.૦૧: ૨૪ કેરેટ અને ૨૨ કેરેટ સોનાના ભાવમાં રહેલા મોટા તફાવતને કારણે ૨૪ કેરેટ સોનાના દાગીનાની દાણચોરીમાં વધારો થયો છે. વધુ પ્રોફિટ માર્જિન મેળવવા દાણચોરી કરતી સિન્ડિકેટ દ્વારા હવે મહિલા પેસેન્જરોનો ઉપયોગ કરાતો હોવાનું પણ કસ્ટમ્સની કાર્યવાહી પરથી જણાય છે. અમદાવાદ એરપોર્ટ પર જુલાઈ ૨૦૨૫થી ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન અખાતી દેશોમાંથી આવેલા ૧૫થી વધુ મહિલા પેસેન્જરોને સોનાની દાણચોરી કરતા કસ્ટમ્સના અધિકારીઓએ ઝડપી લીધા છે. અલગ-અલગ કેસોમાં મહિલાઓને સોનું છુપાવવા માટે શરીર પર પહેરેલા કપડાં, બુરખા તેમજ અન્ય રીતોનો ઉપયોગ કરાવવામાં આવ્યો હોવાનું તપાસમાં જણાયું છે.
તાજેતરમાં અબુધાબીથી અમદાવાદ આવેલી એક મહિલા પેસેન્જર પાસેથી રૂ.૩૪.૨૯ લાખના ગોલ્ડ બિસ્કિટ મળી આવ્યા હતા. મહિલાએ આ ગોલ્ડ બિસ્કિટ બુરખાની અંદર છુપાવ્યા હતા. આ ઉપરાંત પાલનપુરમાં અલ મદીના ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નામથી વ્યવસાય કરતા ટ્રાવેલ એજન્ટ મોહમ્મદ અશરફને રૂ.૧.૭૦ કરોડના સોનાના દાગીના સાથે ઝડપી લેવાયો હતો. તપાસમાં સામે આવ્યું હતું કે, ટ્રાવેલ એજન્ટ ૧૭ મહિલાઓને મદીનાના પ્રવાસે લઈ ગયો હતો અને ત્યાં જીયાઉદ્દીન નામના વ્યક્તિ પાસેથી સોનાના દાગીના મેળવ્યા બાદ તેમાંથી આઠ મહિલા પેસેન્જરોને દાગીના આપીને અમદાવાદ પરત મોકલાયા હતા.
આ ઉપરાંત મહેસાણાના લીંચ ગામના રહેવાસી ટ્રાવેલ એજન્ટ કિરીટ પટેલ અને તેના સાગરિત પંકજ પટેલને પણ રૂ.૧.૧૪ કરોડના સોનાના દાગીના સાથે ઝડપી લેવાયા હતા. આ દાગીના ૧૦ પેસેન્જરો મારફતે લવાયા હતા, જેમાં મહિલાઓનો પણ સમાવેશ થતો હતો. ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં વડોદરાની નિર્મલા ગૌસ્વામી રૂ.૩૫ લાખની બે ગોલ્ડ કેપ્સુલ સાથે ઝડપાઈ હતી, જ્યારે રાજસ્થાનની રહેવાસી શિખા દુગડ પણ રૂ.૩૫ લાખના સોનાના દાગીના સાથે કસ્ટમ્સના હાથે ઝડપાઈ હતી. ૨૬ ઓગસ્ટે ત્રણ અલગ-અલગ ફલાઈટમાં અમદાવાદ આવેલી અલ્પા શાહ, નાજનીન અને સૈયદ નામની મહિલા પેસેન્જરો પણ સોનાની દાણચોરીના કેસમાં ઝડપાઈ હતી.
ભાવનગરની ડોક્ટર યુવતી ૨૪ કેરેટ સોનાની રૂ.૮૩ લાખની ચેન પહેરીને અમદાવાદ એરપોર્ટ પર આવી ત્યારે કસ્ટમ્સે તેને ઝડપી હતી. સતત બની રહેલા આવા કેસોને કારણે સોનાની દાણચોરીમાં મહિલા પેસેન્જરોનો ઉપયોગ વધ્યો હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે. ૨૪ કેરેટ સોનાના દાગીનામાં નફાનું માર્જિન વધુ મળતું હોવાથી સિન્ડિકેટ દ્વારા મહિલા પેસેન્જરોના માધ્યમથી દાણચોરી માટે આ મોડસ ઓપરેન્ડી અપનાવાઈ રહી છે.
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
