News of Monday, 29th June 2026
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દરમિયાન iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર અર્પણ: 11 દિવસમાં 350 કંપની જોડવાનો વિશ્વવિક્રમ
વડોદરામાં ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પ્રમાણપત્ર એનાયત, સુરતમાં 2 મે 2026ના રોજ K and D Communication સાથે યોજાયેલા બિઝનેસ એક્સ્પોઝિશનમાં સૌથી વધુ પ્રદર્શકો જોડવાનો રેકોર્ડ : iNDEXTb રાજ્યની સત્તાવાર રોકાણ પ્રોત્સાહન સંસ્થા તરીકે સિંગલ પોઇન્ટ ઓફ કોન્ટેક્ટ

વડોદરા, તા. 29 : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડોદરામાં આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દરમિયાન ગુજરાત સરકારની સત્તાવાર રોકાણ પ્રોત્સાહન સંસ્થા iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર અર્પણ કર્યું હતું.
iNDEXTbએ K and D Communication Limited સાથે મળીને ગત 2 મે, 2026ના રોજ સુરત ખાતે યોજાયેલા બિઝનેસ એક્સ્પોઝિશનમાં ફક્ત 11 જ દિવસમાં સૌથી વધુ કુલ 350 જેટલા પ્રદર્શકો જોડાવાનો વિશ્વવિક્રમ સ્થાપિત કર્યો હતો. દક્ષિણ ગુજરાતમાં યોજાયેલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં આ ઐતિહાસિક સિદ્ધિ બદલ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે, iNDEXTb ગુજરાત સરકારની સત્તાવાર રોકાણ પ્રોત્સાહન સંસ્થા તરીકે રોકાણકારો માટે સિંગલ પોઇન્ટ ઓફ કોન્ટેક્ટ તરીકે કાર્ય કરે છે. સંસ્થા રોકાણ પ્રક્રિયાને સરળ બનાવવા માટે માર્ગદર્શન, જરૂરી સુવિધાઓ અને નીતિ આધાર પૂરો પાડીને રાજ્યના ઔદ્યોગિક તેમજ સામાજિક-આર્થિક વિકાસને વેગ આપવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ iNDEXTbની આ ઐતિહાસિક સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા અને રાજ્યના સર્વાંગી ઔદ્યોગિક વિકાસ માટે તેની કામગીરીને બિરદાવી હતી.
(1:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
