<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

ભારતે AVC મેન્સ વોલીબોલ કપમાં રચ્યો ઇતિહાસ: પહેલીવાર જીત્યો બ્રોન્ઝ મેડલ, ડિફેન્ડિંગ ચેમ્પિયન બહેરીનને 3-1થી હરાવી અમદાવાદમાં તિરંગો લહેરાવ્યો

વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રમાયેલી બ્રોન્ઝ મેડલ મેચમાં ભારતની 25-23, 23-25, 25-21, 25-17થી જીત, હેડ કોચ ડ્રેગન મિહાઈલોવિચની આગેવાનીમાં પૂલ-Aમાં અપરાજિત રહી 5 મેચ જીતી, સેમિફાઇનલમાં ઇન્ડોનેશિયા સામે 5 સેટની રોમાંચક હાર બાદ શાનદાર વાપસી

અમદાવાદ, તા. 29 : ભારતીય પુરુષ વોલીબોલ ટીમે AVC મેન્સ વોલીબોલ કપ 2026માં ઇતિહાસ રચ્યો છે. 28 જૂને અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમાયેલી બ્રોન્ઝ મેડલ મેચમાં ભારતે ડિફેન્ડિંગ ચેમ્પિયન બહેરીનને 3-1 થી હરાવી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં પોતાનો પહેલો મેડલ જીત્યો છે. સેટ સ્કોર 25-23, 23-25, 25-21 અને 25-17 રહ્યો. 

 

હેડ કોચ ડ્રેગન મિહાઈલોવિચની આગેવાનીમાં ભારતે સમગ્ર ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું. ભારત પૂલ-Aમાં અપરાજિત રહ્યું અને ન્યૂઝીલેન્ડ, કઝાકિસ્તાન, ચાઈનીઝ તાઈપેઈ, બહેરીન અને ઓસ્ટ્રેલિયાને હરાવી 5માંથી 5 મેચ જીતી ગ્રુપ ટોપ કર્યું.

 

સેમિફાઇનલમાં ભારત ઇન્ડોનેશિયા સામે 5 સેટના રોમાંચક મુકાબલામાં 25-15, 24-26, 20-25, 25-19, 13-15થી હારી ગયું હતું. પરંતુ બ્રોન્ઝ મેડલ મેચમાં ટીમે શાનદાર વાપસી કરી. પહેલા સેટથી જ ભારતે ચતુરાઈભરી સર્વિસ અને નેટ પર મજબૂત બ્લોકિંગથી બહેરીનના હુમલાને નિષ્ફળ બનાવ્યો. બીજો સેટ ગુમાવ્યા બાદ પણ ભારતે હિંમત ન હારી અને બાકીના બંને સેટ જીતી મેડલ પાકો કર્યો. 

 

આ જીત ભારતીય વોલીબોલ માટે મહત્વનું પગલું છે. ટુર્નામેન્ટ દરમિયાન ભારતે ઊંચી રેન્કિંગ ધરાવતી ટીમોને હરાવી, ટેક્ટિકલ ડિસિપ્લિન બતાવી અને એશિયાની શ્રેષ્ઠ ટીમો સામે ટક્કર આપી શકાય છે તે સાબિત કર્યું. 

(4:53 PM IST)