News of Sunday, 11th October 2026
અમદાવાદમાં કોમનવેલ્થ ક્યૂ સ્પોર્ટ્સમાં ભારતનો ભવ્ય વિજય: 13 મેડલ સાથે 2036 ઓલિમ્પિક માટે ભારત સજ્જ
3 ગોલ્ડ, 5 સિલ્વર અને 5 બ્રોન્ઝ સાથે ભારતીય ખેલાડીઓનો દબદબો, આંતરરાષ્ટ્રીય રમતોત્સવના આયોજન અંગે પી.ટી. ઉષાનું નિવેદન

અમદાવાદ : અમદાવાદ ખાતે યોજાયેલી કોમનવેલ્થ ક્યૂ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ્સના સમાપન સમારોહમાં વિજેતા ખેલાડીઓને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા, જ્યાં ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ પી.ટી. ઉષાની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ભારતે 3 ગોલ્ડ, 5 સિલ્વર અને 5 બ્રોન્ઝ સહિત કુલ 13 મેડલ જીતીને વર્ચસ્વ જમાવ્યું હતું.
ભારતના આ શાનદાર અભિયાનમાં આદિત્ય સ્નેહલ મહેતાએ ઓલ-ઇન્ડિયન ફાઇનલમાં ધ્વજ હરિયાને 3-0થી હરાવી સ્નૂકરમાં ગોલ્ડ જીત્યો હતો, જ્યારે મહિલા ઇંગ્લિશ બિલિયર્ડ્સમાં અનુપમા રામચંદ્રને રેવન્ના ઉમાદેવીને 1-0થી હરાવી ગોલ્ડ તેમજ રાયન રઝમીએ સિદ્ધાર્થ શૈલેષ પરીખને હરાવી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. આ ઉપરાંત ધ્વજ હરિયા, કીર્તના પાંડિયન, પારસ ગુપ્તા અને રેવન્ના ઉમાદેવીએ સિલ્વર મેડલ મેળવ્યા હતા, જ્યારે લક્ષ્મણ સિંહ રાવત, ઈશિકા શાહ, શ્રુતિ લક્ષ્મીનારાયણ, ઉઝૈર ખાન અને દિવ્ય શર્માએ બ્રોન્ઝ મેડલ પર કબ્જો જમાવ્યો હતો. 10-બોલ પૂલમાં ઓસ્ટ્રેલિયાની મેંગ-શિયા હંગ અને બ્રિટનના માર્ક ફોસ્ટરે પણ ગોલ્ડ મેડલ જીત્યા હતા.
આ સમારોહમાં પી.ટી. ઉષાએ જણાવ્યું હતું કે અમદાવાદમાં 2030ની કોમનવેલ્થ ગેમ્સ તેમજ 2029ની વર્લ્ડ ફાયર પોલીસ ગેમ્સ જેવા આંતરરાષ્ટ્રીય આયોજનો માટે આધુનિક સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થઈ રહ્યો છે. આ ઉપરાંત 2036ના ઓલિમ્પિક ગેમ્સની યજમાની મેળવવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રક્રિયા આગળ વધી રહી છે અને અમદાવાદને વૈશ્વિક સ્પોર્ટ્સ હબ તરીકે વિકસાવવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.
અગાઉ ભારતે વિવિધ આંતરરાષ્ટ્રીય રમતગમત સ્પર્ધાઓનું સફળ આયોજન કરીને વૈશ્વિક સ્તરે પોતાની ક્ષમતા સાબિત કરી છે. અમદાવાદને સ્પોર્ટ્સ સિટી તરીકે સજ્જ કરવાની આ કવાયત વચ્ચે 2036 ઓલિમ્પિકની યજમાની મેળવવા માટે આગામી સમયમાં ભારતીય ઓલિમ્પિક સંઘ અને કેન્દ્ર સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) સમક્ષ સત્તાવાર દાવો મજબૂત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
