તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th October 2026
તહેવાર સમયે ઉદ્યોગો પર પાવર કાપ મુકવાથી મોટુ નુકશાન થશે, પૂનઃ વિચારણા જરૂરી : ગ્રેટર ચેમ્બર
રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ઉર્જામંત્રીશ્રી ઋષીકેશ પટેલને રજુઆત

રાજકોટ તા. ૨૪ : તાજેતરમાં પી.જી.વી.સી.એલ. દ્રારા નક્કી થયા મુજબ ગ્રીડની સ્થિરતા અને વિજળીની માંગની વ્યવસ્થા અન્વયે સમગ્ર ગુજરાતના તમામ ઔદ્યોગીક એકમોને દર અઠવાડીયે બુધવારના બપોરના ૪ વાગ્યાથી રાત્રીના ૧૧ વાગ્યા સુધી વિજળીનો કાપ રાખવાનું જણાવવામાં આવેલ છે. જે અન્વયે ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ઉર્જામંત્રીશ્રી ઋષીકેશ પટેલ સમક્ષ મુદાસર રજુઆત કરવામાં આવી છે.
જેમાં જણાવ્યુ છે કે આપણું રાજય નિકાસમાં અગ્રેસર હોય, નિકાસ ક્ષેત્રે જોડાયેલા એકમો તથા તેને મદદરૂપ થતા એકમોમાં જો વિજળીના કારણે કામ ખોરવાય તો આખી સાયકલ અટકી પડે અને નિકાસક્ષેત્રે આપણા રાજયને ન પુરી શકાય તેવી ખોટ જવાની સંભાવના રહેલી છે.
આ ઉપરાંત નિકાસ કરનારા એકમોને વીજકાપ કરવાથી તેઓ જેઓ પાસેથી માલનો ઓર્ડર લીધેલ છે તેઓને સમયસર માલ પુરો ન પાડી શકવાથી વિદેશના આયાતકારોમાં અવિશ્વાસની લાગણી જન્મતા તેઓ અન્ય રાજયના કે બીજા દેશોના નિકાસકારો પાસેથી પોતાને જોઇતી વસ્તુઓ મંગાવતા થઇ જશે. જેથી ગુજરાતનું વિદેશી હુંડીયામણ પણ ઓછું થઇ શકે છે.
હાલમાં ગુજરાત સરકાર દ્વારા સોલાર અને વિન્ડ પાવરથી જનરેટ થતી વિજળીને પ્રોત્સાહન પુરૂ પાડવામાં આવે છે. જેમાં ગુજરાતના ઉદ્યોગકારો પોતાના ખર્ચે આ પ્રકારની વિજળીનાસ્ત્રોતને આવકારી રહેલ છે. પરંતુ સરકાર દ્વારા આવી વિજળીના સંપૂર્ણ લાભ ઉદ્યોગકારોને આપવામાં વિસંગતતાઓ જોવા મળી રહેલ છે, જે દુર કરવામાં આવે તે જરૂરી હોવાનું સુચન પણ ગ્રેટર ચેમ્બર દ્વારા કરાયુ છે.
ઔદ્યોગીક વીજ ગ્રાહકો પાસેથી ટેરીફ રેગ્યુલરેશન મુજબ મીનીમમ ચાર્જ અને અન્ય આનુસંગીક ચાર્જ વસુલવામાં આવે છે. જેના બદલામાં વીજ ઉત્પાદન પાવર પરચેઝ નિયમીત પુરવઠો અને વિજળીનું નેટવર્ક પુરૂ પાડવાનો હેતુ રહેલ છે. જયારે વીજકાપ વખતે પણ ઉદ્યોગકારોએ મીનીમમ ચાર્જીસ ભરવાનો બોજ રહેલ છે. ત્યારે વીજકાપ અને બીજી બાજુ મીનીમમ ચાર્જ એમ બેવડો માર સહન કરવો પડે છે.
આ ઉપરાંત હાલમાં તહેવારોની સીઝન ચાલુ હોય, દરેક ઔદ્યોગીક એકમોને આવેલ ઓર્ડર મુજબ માલ તૈયાર કરીને સમયસર પહોંચાડવાનો હોય છે. આવા સમયે વીજકાપ મુકવો ગેરવ્યાજબી લાગે છે. આ મુદ્દાઓને ધ્યાને લઇને ઉદ્યોગોને બુધવારે પડનારા વીજકાપનો નિર્ણય હાલ પુરતો મુલત્વી રાખીને અગ્રેસર ઉદ્યોગકારોની સાથે રૂબરૂ બેઠક કરીને સમગ્ર વીજ વ્યવસ્થાનું આયોજન, વીજ પુરવઠાની વિશ્વનીયતા અને હાલમાં ઉપલબ્ધ ઉત્પાદીત વિજળીનો સંયમીત ઉપયોગ વિશે ગહન ચર્ચા કરીને તેમાંથી યોગ્ય માર્ગ શોધી શકવામાં આવે તેમ રજુઆતના અંતમાં ગ્રેટર ચેમ્બરના ઉપપ્રમુખ હર્ષદભાઇ ખુંટ અને સંજયભાઈ મહેતા દ્વારા જણાવવામાં આવેલ છે.
(2:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
