તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th August 2026
વરસાદનું જોર લગભગ ઓસરી ગયું, છતાં જળાશયોમાં પાણીની આવક ચાલુઃ ૬૨ તાલુકામાં વરસાદ, ઉકાઈની સપાટી સતત વધી

(જીતેન્દ્ર રૂપારેલીયા દ્વારા)વાપીઃ ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે અને છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના માત્ર ૬૨ તાલુકાઓમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લાના કપરાડામાં સૌથી વધુ ૩૭ મિલીમીટર એટલે કે ૧.૪૬ ઇંચ, વાપીમાં ૩૬ મિલીમીટર એટલે કે ૧.૪૨ ઇંચ, તાપીના ઉકાઈમાં ૨૮ મિલીમીટર એટલે કે ૧.૧૦ ઇંચ અને ડાંગ-આહવામાં ૨૭ મિલીમીટર એટલે કે ૧.૦૬ ઇંચ વરસાદ પડ્યો હતો. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ નહિવત્ રહ્યો હતો.
દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ઓછું હોવા છતાં ઉપરવાસમાંથી પાણીની આવકને કારણે ઉકાઈ ડેમની જળસપાટી સતત વધી રહી છે. સવારે ૮ વાગ્યે ઉકાઈ ડેમની જળસપાટી ૩૩૪.૨૫ ફૂટ નોંધાઈ હતી. ડેમમાં ૫૨,૧૦૫ ક્યુસેક પાણીની આવક સામે ૨૩,૨૬૪ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું હતું. મધરાતે જળસપાટી ૩૩૪.૧૪ ફૂટ અને સવારે ૬ વાગ્યે ૩૩૪.૨૧ ફૂટ હતી. ડેમની પૂર્ણ જળસપાટી ૩૪૫ ફૂટ છે.
સુરતના વિયર કમ કોઝવેની જળસપાટી સવારે ૬.૯૮ મીટર નોંધાઈ હતી અને તેમાંથી ૫૭,૮૬૩ ક્યુસેક પાણી વહી રહ્યું હતું. કોઝવેનું પાણી છલકાવાનું સ્તર ૬ મીટર હોવાથી કોઝવે વાહનવ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યો છે. સુરત શહેરમાં ચાલુ ચોમાસાનો કુલ વરસાદ સવારે ૮ વાગ્યા સુધી ૧,૬૧૨ મિલીમીટર (૬૪.૫ ઇંચ)નોંધાયો હતો.
વાપી નજીકના મધુવન ડેમના ચાર દરવાજા હજુ પણ ખુલ્લા રાખવામાં આવ્યા છે. ઉપરવાસમાંથી આવતી પાણીની આવક અને ડેમમાંથી છોડાતા પાણી ઉપર સિચાઈ તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. ડેમ અને નદીના નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવા તથા તંત્રની સૂચનાઓનું પાલન કરવા જણાવાયું છે.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
