<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

માહિતી વિભાગના કર્મચારીઓને કોમ્‍યુનિકેશન અને સોશ્‍યલ મીડિયાની તાલીમ અપાશેઃ કે.એલ.બચાણી

ગુજરાત સરકાર અને એમ.આઇ.સી.એ. વચ્‍ચે એમ.ઓ.યુ

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા.૧૯: ગુજરાત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ હેઠળ કાર્યરત માહિતી કમિશનરની કચેરી અને સંચાર ક્ષેત્રની દેશની અગ્રણી શૈક્ષણિક સંસ્‍થા MICA વચ્‍ચે મહત્‍વપૂર્ણ MoU પર હસ્‍તાક્ષર કરવામાં આવ્‍યા છે.

માહિતી કમિશનરશ્રીની કચેરી ખાતે માહિતી કમિશનર શ્રી કે. એલ. બચાણી અને MICA વતી એસોસિએટ ડીન પ્રોફેસર શ્રી સુરેશ મલોડિયા તેમજ CDMC-MICAના ચેર ડો. મનીષા પાઠક શેલત  દ્વારા સમજૂતી-પત્ર પર હસ્‍તાક્ષર કરવામાં આવ્‍યા હતા.

આ અવસરે કમિશનર શ્રી કે. એલ. બચાણીએ જણાવ્‍યું હતું કે, માહિતી અને પ્રસારણ વિભાગ અને  MICA વચ્‍ચેના સંયુક્‍ત પ્રયાસોથી ગુજરાત સરકારની પબ્‍લિક કમ્‍યુનિકેશન ઇકો-સિસ્‍ટમ વધુ મજબૂત બનશે. તેમણે ઉમેર્યું કે MICAની તાલીમથી માહિતી અધિકારીઓ વધુ લોકભોગ્‍ય ભાષામાં માહિતી પહોંચાડી શકશે.

માહિતી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની ક્ષમતા-વર્ધન માટે આ MoU કરવામાં આવ્‍યા છે. MICA ના નિષ્‍ણાતો માહિતી વિભાગના અધિકારી-કર્મચારીશ્રીઓ માટે વિશેષ ઇન્‍ટરેક્‍ટિવ તાલીમ કાર્યક્રમોનું આયોજન કરશે.

CDMC-MICAના ચેર ડો. મનીષા પાઠક શેલતે આ સંદર્ભે જણાવ્‍યું હતું કે, આ MoU શિક્ષણ જગત અને સરકાર વચ્‍ચે કમ્‍યુનિકેશન, મીડિયા, રિસર્ચ અને જાહેર જોડાણની ક્ષમતાઓને મજબૂત કરવા માટેની એક મહત્‍વપૂર્ણ ભાગીદારી છે.

આ MoU અંતર્ગત માહિતી વિભાગના અધિકારીઓને આધુનિક કમ્‍યુનિકેશન પ્રવાહોથી અવગત કરાવવા ઇફેક્‍ટિવ કમ્‍યુનિકેશન સ્‍ટ્રેટેજી, સ્‍ટેકહોલ્‍ડર એન્‍ગેજમેન્‍ટ, સોશિયલ મીડિયા આઉટરીચ, આર્કાઇવિંગ અને ડોકયુમેન્‍ટેશન, મીડિયા એન્‍ડ ઇન્‍ફોર્મેશન લિટરસી, લીડરશીપ એન્‍ડ સ્‍કિલ ડેવલપમેન્‍ટ જેવા વિવિધ વિષયો પર તાલીમ આપવામાં આવશે.

માહિતી કમિશનરની કચેરી હેઠળ કાર્યરત ઈલેક્‍ટ્રોનિક મીડિયા ભવન, સે-૧૬ ખાતે સ્‍ટુડિયો સ્‍થાપિત કરવા માટે પણ MICA જરૂરી ટેકનિકલ માર્ગદર્શન અને સહાય પૂરી પાડશે

(3:58 PM IST)