તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૪ શનિવાર
News of Monday, 16th November 2026
રાષ્ટ્રીય પ્રેસ દિવસ નિમિત્તે “પત્રકારત્વ : લોકરંજક કે જવાબદાર” શીર્ષક હેઠળ માહિતી નિયામકની કચેરી દ્વારા સેમીનારનું આયોજન
સમાચાર સામગ્રી લોકરંજક હોઈ શકે, પરંતુ સત્ય સાથે સમાધાન ન ચાલે : જી.ટી.પંડ્યા, માહિતી નિયામક: બદલાતા સમયમાં કન્ટેન્ટમાં લોકરંજનનું તત્વ જરૂરી:અજય નાયક, વરિષ્ઠ પત્રકાર: પત્રકારત્વમાં એથિક્સ એ લોકરંજન અને જવાબદારી વચ્ચેની ભેદરેખા સ્પષ્ટ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે :કેતન ત્રિવેદી, વરિષ્ઠ પત્રકાર

ગાંધીનગર :- "રાષ્ટ્રીય પ્રેસ દિવસ" નિમિત્તે માહિતી નિયામક કચેરીશ્રી, ગાંધીનગર દ્વારા “ પત્રકારત્વ- લોકરંજક કે જવાબદાર” વિષય પર એક દિવસીય સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. માહિતી નિયામક જી.ટી.પંડ્યાના અધ્યક્ષ સ્થાને આયોજિત આ સેમીનારમાં વક્તા તરીકે ગુજરાતના અગ્રગણ્ય અખબાર ‘સંદેશ’ ના તંત્રી અજયભાઈ નાયક અને લોકપ્રિય મેગેઝિન ચિત્રલેખાના વેબ એડિટર કેતનભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા.
સેમીનારના અધ્યક્ષ સ્થાનેથી સંબોધતા માહિતી નિયામક જી.ટી.પંડ્યાએ કહ્યું કે, સમાચાર સામગ્રી લોકરંજક કે મનોરંજક હોઈ શકે, પરંતુ તેમાં સત્ય સાથે સમાધાન ન ચાલે. પંડયા ન્યૂ મીડિયાના યુગમાં એડમિનિસ્ટ્રેશન સામેના પડકારો અંગે વાત કરતાં કહ્યું કે, આજના ડિજિટલ મીડિયા અને એ.આઈ.ના યુગમાં માહિતીની પ્રમાણભૂતતા ચકાસવી એ એડમિનિસ્ટ્રેશન માટે સૌથી પડકારજનક કામ બન્યું છે.
તેમણે ગુજરાતના સમૂહ માધ્યમોની પ્રસંશા કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતના અખબારો-મેગેઝીનોએ તેની વિશેષ પૂર્તિઓ દ્વારા વાચકોના હ્રદયમાં એક આગવું સ્થાન ઉભું કર્યું છે. તેમણે માહિતી વિભાગના અધિકારીઓને સમૂહ માધ્યમના આધુનિક પ્રવાહોને સમજીને સચોટ અને અધિકૃત માહિતી સમાજ સુધી પહોંચાડવા અનુરોધ કર્યો.
'સંદેશ'ના તંત્રી અજય નાયકે પત્રકારત્વના વર્તમાન પ્રવાહો અને પડકારો પર પ્રકાશ પાડતા કહ્યું કે, બદલાતા સમય સાથે અખબારોના વાચકોની સંખ્યા ઘટી રહી છે ત્યારે નવી પેઢી અખબારથી વિમુખ ન થાય તે માટે અખબારોએ પણ સમયને અનુરુપ લોકરંજક અભિગમ અપનાવ્યો છે.તેમણે ઉમેર્યું કે, અખબારો હવે માત્ર શુષ્ક કે ગંભીર સમાચાર આપવાને બદલે સમાચારને લોકરંજક સ્વરૂપે રજૂ કરે છે.
નાયકે કહ્યું કે, ગુજરાત સરકારનો માહિતી વિભાગ જવાબદાર પત્રકારત્વ કરે છે, પરંતુ તે સમાચાર-સામગ્રીને વધુ આકર્ષક, રસપ્રદ અને લોકભોગ્ય બનાવવામાં આવે તો વધુ વાચકો સુધી સુધી પહોંચી શકે.
પત્રકારત્વમાં લોકરંજન અને જવાબદારી અંગે પોતાના વિચારો વ્યક્ત કરતા 'ચિત્રલેખા'ના વેબ-એડિટર કેતન ત્રિવેદીએ કહ્યું કે, લોકરંજક અને જવાબદારી એ બંને પરસ્પર વિરોધી બાબતો નથી,પરંતુ પૂરક છે. આ અંગે તેમને કેટલાક ઉદાહરણો પણ ટાંકયા. તેમણે પત્રકારત્વમાં નૈતિક મૂલ્યો પર ભાર મૂકતા કહ્યું કે, વ્યવસાયિક પત્રકારત્વમાં એથિક્સ એ લોકરંજન અને જવાબદારી વચ્ચેની ભેદરેખા સ્પષ્ટ કરે છે.
તેમણે ૨૬/૧૧ના મુંબઈ તાજ હુમલા અને ઇઝરાયેલની ચૂંટણીના મીડિયા કવરેજના ઉદાહરણ આપતાં જણાવ્યું કે, ટીઆરપી અને વ્યુઅરશિપની દોડમાં મીડિયાએ સંયમ અને મર્યાદા જાળવવી અત્યંત જરૂરી છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે, સોશિયલ મીડિયાના કારણે ટેલિવિઝન અને પ્રિન્ટ મીડિયા પર ઝડપ અને વાયરલ કન્ટેન્ટ આપવાનું દબાણ વધ્યું છે. તેમણે આ સંદર્ભે લોકજાગૃતિ પર ભાર મૂકતા કહ્યું કે, વાચકોની સજાગતા જ સમૂહ માધ્યમોને વધુ જવાબદાર બનાવે છે.
સેમીનારની શરૂઆતમાં નાયબ માહિતી નિયામક ચિંતન રાવલે ઉપસ્થિત મહાનુભાવો અને અધિકારીઓનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે નાયબ માહિતી નિયામક નિત્યા ત્રિવેદી તથા લાલજી ચાવડાએ “રાષ્ટ્રીય પ્રેસ દિવસ”ની થીમ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
આ સેમીનારમાં અધિક માહિતી નિયામક સંજય કચોટ, સંયુક્ત માહિતી નિયામક અમિત ગઢવી સહિતના અધિકારીઓએ ઉપસ્થિત રહી માહિતી નિયામકની કચેરીના સંપાદન અને પ્રચાર-પ્રસારની કામગીરી સાથે સંકળાયેલા અધિકારી, કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હતું
(7:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
