તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Sunday, 26th April 2026
દાહોદની ગાંધી ચિલ્ડ્રન હોસ્પિટલમાં માસૂમ કિશોરનું મોત, તબીબોની બેદરકારીના આક્ષેપ સાથે પરિજનોનો હોબાળો: વાતાવરણ તંગ
સારવારમાં ચૂક થઈ કે બીજી કોઈ બીમારી? ચાર દિવસની લડાઈ બાદ કિશોરે જીવ ગુમાવતા હોસ્પિટલ રણમેદાનમાં ફેરવાઈ, સત્ય જાણવા મૃતદેહને પીએમ માટે ખસેડાયો

દાહોદ: દાહોદ શહેરની મધ્યમાં આવેલી જાણીતી ગાંધી ચિલ્ડ્રન હોસ્પિટલ શનિવારે રાત્રે ભારેલા અગ્નિ જેવી સ્થિતિમાં ફેરવાઈ ગઈ હતી. છેલ્લા ચાર દિવસથી સારવાર હેઠળ રહેલા એક કિશોરનું કરુણ મોત નીપજતા પરિવારજનોએ તબીબો પર બેદરકારીના ગંભીર આક્ષેપો કરી ભારે હોબાળો મચાવ્યો હતો. હોસ્પિટલ પરિસરમાં જ લોકોના ટોળા ઉમટી પડતા અને સૂત્રોચ્ચાર શરૂ થતા વાતાવરણ અત્યંત તંગ બની ગયું હતું, જેને પગલે પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, આ કિશોરને કોઈ ગંભીર બીમારીના કારણે ચાર દિવસ અગાઉ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરિવારનો આરોપ છે કે ચાર દિવસ સુધી હોસ્પિટલમાં રાખવા છતાં ડોક્ટરોએ જરૂરી તકેદારી રાખી નહોતી અને યોગ્ય નિદાન કરવામાં વિલંબ કર્યો હતો. પરિજનોએ આક્રોશ સાથે જણાવ્યું કે, તબીબોની લાપરવાહી અને સારવારમાં રાખેલી ચૂકને કારણે જ તેમના સંતાને જીવ ગુમાવવો પડ્યો છે. મોતના સમાચાર મળતા જ મોટી સંખ્યામાં સંબંધીઓ અને સ્થાનિક લોકો હોસ્પિટલ ખાતે એકઠા થઈ ગયા હતા અને મેનેજમેન્ટ સામે રોષ ઠાલવ્યો હતો.
પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અને તપાસ:
ઘટનાની ગંભીરતાને જોતા દાહોદ પોલીસનો કાફલો તુરંત હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે રોષે ભરાયેલા પરિવારજનોને શાંત પાડી તટસ્થ તપાસની ખાતરી આપી હતી. હોસ્પિટલની બહાર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ મામલે મેડિકલ નેગ્લિજન્સ (તબીબી બેદરકારી) છે કે નહીં તે જાણવા માટે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
પીએમ રિપોર્ટ પર સૌની નજર:
સત્ય શું છે તે જાણવા માટે પોલીસે કિશોરના મૃતદેહને પોસ્ટમોર્ટમ (પીએમ) માટે ખસેડ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે કિશોરનું મોત કઈ બીમારીથી થયું છે અથવા સારવારમાં કોઈ ખામી રહી ગઈ હતી કે કેમ. આ ઘટનાએ દાહોદમાં ખાનગી હોસ્પિટલોની કાર્યપદ્ધતિ અને દર્દીઓની સુરક્ષાને લઈને ફરી એકવાર મોટા સવાલો ઊભા કર્યા છે. હાલમાં સમગ્ર વિસ્તારમાં આ દુખદ ઘટનાને લઈને શોકની લાગણી પ્રસરેલી છે.
(12:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
