તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Wednesday, 1st July 2026
સ્પીપા ખાતે આયોજિત ‘અટલ વ્યાખ્યાનમાળા’માં ભારતમાં સીએસઆરના જનક ડો.ભાસ્કર ચેટર્જીનું પ્રેરણાદાયી સંબોધન : ‘રાષ્ટ્રીય વિકાસ અને વિકસિત ભારત માટે એક વિકસિત અભિગમ’ વિષય પર રજૂ કર્યા બહોળા અનુભવો
સરકારની લોકહિતની યોજનાઓ અને દીર્ઘદ્રષ્ટિપૂર્ણ આયોજનથી દેશના વિકાસને મળી નવી ગતિ, કોર્પોરેટ સેક્ટરે પણ સરકારી પ્રયાસો અને સેબીના કડક નિયમોને મુક્તકંઠે બિરદાવ્યા : આંગણવાડી આધુનિકીકરણ અને જળસંચયના કાર્યોમાં ખાનગી ક્ષેત્ર પૂરક શક્તિ તરીકે જોડાશે

અમદાવાદ: સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (SPIPA), અમદાવાદ દ્વારા ‘અટલ વ્યાખ્યાનમાળા’નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ વ્યાખ્યાનમાળા અંતર્ગત ભારતમાં 'ફાધર ઓફ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી' (CSR) તરીકે વ્યાપકપણે જાણીતા ડો.ભાસ્કર ચેટર્જીએ ખાસ ઉપસ્થિત રહીને ‘રાષ્ટ્રીય વિકાસ અને વિકસિત ભારત માટે એક વિકસિત અભિગમ’ વિષય પર પોતાનું માહિતીપ્રદ સંબોધન આપ્યું હતું. તેમણે પોતાના બહોળા વહીવટી અને નીતિવિષયક અનુભવો રજૂ કરીને ઉપસ્થિત અધિકારીઓ અને નાગરિકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
કલ્યાણકારી યોજનાઓના સકારાત્મક પરિણામો જમીની સ્તરે દેખાયા:
ડો.ભાસ્કર ચેટર્જીએ એપ્રિલ ૨૦૧૦માં જાહેર ક્ષેત્રના સાહસો માટે સીએસઆર માર્ગદર્શિકા તૈયાર કરવામાં અને કંપનીઝ એક્ટ ૨૦૧૩માં 'સેક્શન ૧૩૫'ના સમાવેશીકરણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવા માટે ચલાવવામાં આવી રહેલી કલ્યાણકારી યોજનાઓના સકારાત્મક પરિણામો હવે જમીની સ્તરે સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. ગરીબો અને વંચિતોના ઉત્થાન માટે વર્તમાન સરકાર દ્વારા અભૂતોપૂર્વ કાર્યો કરવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા સંચાલિત આંગણવાડી કેન્દ્રો અને બાળકો માટેની મધ્યાહ્ન ભોજન યોજનાની પ્રશંસા કરતા તેમણે ઉમેર્યું કે, સરકાર દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે પાયાનું માળખું પૂરું પાડવામાં આવી રહ્યું છે. સરકારના આ ભગીરથ કાર્યથી પ્રેરિત થઈને હવે કોર્પોરેટ સેક્ટર પણ આંગણવાડીઓને વધુ આધુનિક બનાવવા અને બાળકોને 'મિલેટ બાર' જેવો પૌષ્ટિક આહાર પૂરો પાડવામાં સરકારની પૂરક શક્તિ તરીકે સ્વયંભૂ જોડાઈ રહ્યું છે.
ગ્રામીણ જળસંચય યોજનાઓ સમગ્ર દેશ માટે પથદર્શક:
સરકારની મહત્વાકાંક્ષી યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની સાથે-સાથે થઈ રહેલા જળસંચયના કાર્યોની વ્યાખ્યાનમાં વિશેષ નોંધ લેવામાં આવી હતી. આ યોજનાઓ હેઠળ ગામડાઓમાં ખોદવામાં આવેલા તળાવો અને જળાશયોના કારણે સ્થાનિક સ્તરે પાણીની સમસ્યાઓનો કાયમી ઉકેલ આવી રહ્યો છે. કોર્પોરેટ જગતે સ્વીકાર્યું છે કે, સરકાર દ્વારા શરૂ કરાયેલા આ જળસંચયના પાયાના કાર્યોને આગળ વધારીને જ તેઓ તેમાં પશુઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા અને આધુનિક ઘાટનું નિર્માણ કરી શક્યા છે. સરકારની આ યોજનાઓ સમગ્ર દેશ માટે પથદર્શક સાબિત થઈ રહી છે.
સેબીના ESG અને BRSR નિયમો સરકારી દીર્ઘદ્રષ્ટિના પ્રતીક:
દેશના આર્થિક માળખાને મજબૂત કરવા અને કોર્પોરેટ ગવર્નન્સમાં પારદર્શિતા લાવવા માટે સેબી દ્વારા લેવાયેલા પગલાંને પણ બિરદાવવામાં આવ્યા હતા. સેબી દ્વારા દેશની ટોચની ૧,૦૦૦ કંપનીઓ માટે લાવવામાં આવેલા ESG (Environment, Social, and Governance) અને BRSR રિપોર્ટિંગના નિયમો સરકારી તંત્રની દીર્ઘદ્રષ્ટિ દર્શાવે છે. આ કડક નિયમોના કારણે હવે કોર્પોરેટ સેક્ટર પણ સામાજિક જવાબદારીઓ પ્રત્યે વધુ ગંભીર બન્યું છે. વર્તમાન સરકારે એવું સાનુકૂળ વાતાવરણ અને મજબૂત પ્લેટફોર્મ તૈયાર કર્યું છે, જેના કારણે કોર્પોરેટ સેક્ટર સરકારી યોજનાઓને વધુ વ્યાપક બનાવવા માટે આગળ આવી રહ્યું છે. સરકારના આ લોકાભિમુખ અભિગમ, દીર્ઘદ્રષ્ટિપૂર્ણ આયોજન અને સુદ્રઢ વહીવટના કારણે દેશ આજે સામાજિક અને આર્થિક ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે.
વ્યાખ્યાનમાળામાં વરિષ્ઠ અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિ:
આ ગરિમાપૂર્ણ વ્યાખ્યાનમાં સ્પીપાના નાયબ મહાનિદેશક ચંદ્રેશ કોટક, સામાન્ય વહીવટ વિભાગના નાયબ સચિવ (વસુતાપ્ર) જયશંકર ઓધવાણી, સંયુક્ત સચિવ શ્રીમતિ ઋતા ભટ્ટ, સંયુક્ત નિયામક એ.એ.ડોડીયા તેમજ નાયબ નિયામક (હિસાબ) હાર્દિક પ્રજાપતિ સહિત વરિષ્ઠ અધિકારીઓ, વિદ્યાર્થીઓ તેમજ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને પ્રબુદ્ધ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
(8:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
