<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

ગુજરાતમાં પ્રદૂષણ સંબંધિત બીમારીઓના વીમા ક્‍લેમ ૩ વર્ષમાં ૩.૭ ગણા વધ્‍યા

દર ૧૦માંથી ૭ વીમા ક્‍લેમ શ્વાસ અને હૃદયની બીમારીઓના, કુલ ક્‍લેમમાં ૬૭ ટકા લોકો ૩૧થી ૫૫ વર્ષના : અમદાવાદ મોખરેઃ વલસાડમાં ૧૦ ગણાથી વધુ ઉછાળોઃ અમદાવાદમાં ૫૬૧, વડોદરામાં ૩૭૫ અને સુરતમાં ૩૬૭ ક્‍લેમ નોંધાયાઃ સ્‍મોકિંગ ન કરતા લોકોમાં પણ સીઓપીડીના કેસ વધી રહ્યા છે

અમદાવાદ તા.૧૮: પ્રદૂષિત હવા હવે માત્ર શ્વાસની તકલીફ કે પર્યાવરણની સમસ્‍યા પૂરતી મર્યાદિત રહી નથી, પરંતુ ગુજરાતીઓના આરોગ્‍યની સાથે તેમના ખિસ્‍સા પર પણ મોટો બોજ બની રહી છે. રાજ્‍યમાં પ્રદૂષણને કારણે થતી બીમારીઓના આરોગ્‍ય વીમા ક્‍લેમ માત્ર ત્રણ વર્ષમાં ૩.૭ ગણા વધી ગયા છે. અમદાવાદમાં સૌથી વધુ ક્‍લેમ નોંધાયા છે, જ્‍યારે વલસાડમાં ક્‍લેમની સંખ્‍યા ૧૦ ગણાથી પણ વધુ વધી છે. ચિતાજનક બાબત એ છે કે શ્વસનતંત્રની બીમારીઓની સાથે હૃદયરોગના કેસ પણ વધી રહ્યા છે. નકશાજુઓ

પોલિસી બજારના (Policybazaar) અહેવાલ પ્રમાણે ગુજરાતનાં છ શહેરોમાં પ્રદૂષણ સંબંધિત બીમારીઓના વીમા ક્‍લેમમાં ૩.૭ ગણો વધારો થયો છે. રાજ્‍યમાં આવા ક્‍લેમની સંખ્‍યા નાણાકીય વર્ષ ૨૦૨૩માં ૪૦૮ હતી, જે નાણાકીય વર્ષ ૨૦૨૬માં વધીને ૧,૫૦૫ થઈ છે. તેમ ટાઇમ્‍સ ઓફ ઇન્‍ડીયાનો અહેવાલ જણાવે છે.

શહેરવાર આંકડામાં અમદાવાદ ૫૬૧ ક્‍લેમ સાથે પ્રથમ ક્રમે છે. ત્‍યારબાદ વડોદરામાં ૩૭૫ અને સુરતમાં ૩૬૭ ક્‍લેમ નોંધાયા છે. વલસાડમાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્‍યો છે. અહીં ક્‍લેમની સંખ્‍યા ૬થી વધીને ૬૨ થઈ છે, એટલે કે ૧૦ ગણાથી વધુ વધારો થયો છે. આ અભ્‍યાસ ગુજરાતમાં ૪,૦૦૦ અને સમગ્ર ભારતમાં ૯૪,૦૦૦ લોકોના નમૂનાના આધારે કરવામાં આવ્‍યો હતો. નકશાજુઓ

અભ્‍યાસ પ્રમાણે કુલ ક્‍લેમમાં ૩૮ ટકા શ્વસનતંત્રના ચેપ, ૩૨ ટકા હૃદય અને રક્‍તવાહિની સંબંધિત બીમારીઓ, ૧૭ ટકા ન્‍યુમોનિયા અને ૧૧ ટકા બ્રોન્‍કાઇટિસના છે. આમ, શ્વસન અને હૃદય સંબંધિત બીમારીઓના ક્‍લેમ મળીને દર ૧૦માંથી ૭ જેટલા છે.

ઓક્‍ટોબરથી માર્ચ દરમિયાન કુલ ક્‍લેમના ૫૫થી ૬૦ ટકા નોંધાય છે. આ સમયગાળામાં હવાની ગુણવત્તા વધુ ખરાબ થાય છે. પ્રદૂષણનો આર્થિક બોજ મુખ્‍યત્‍વે કામકાજની ઉંમરના લોકો પર પડી રહ્યો છે. ૩૧થી ૫૫ વર્ષની વયજૂથના લોકો કુલ ક્‍લેમમાં ૬૭ ટકા હિસ્‍સો ધરાવે છે. ૫૫ વર્ષથી વધુ વયના લોકોનો હિસ્‍સો ૨૩ ટકા છે. ૨૧થી ૩૦ વર્ષની વયજૂથનો હિસ્‍સો ૮ ટકા, જ્‍યારે ૨૦ વર્ષથી ઓછી ઉંમરના લોકોનો હિસ્‍સો ૩ ટકા છે.

એર ક્‍વોલિટી મોનિટરિગ વેબસાઇટ AQI.inના આંકડા પ્રમાણે ગુરુવારે સવારે ૮.૩૦ વાગ્‍યે અમદાવાદનો હવા ગુણવત્તા સૂચકાંક (AQI) ૨૧૫ હતો. અમદાવાદના ફેફસાંના નિષ્‍ણાતોના જણાવ્‍યા પ્રમાણે હવાની ગુણવત્તા બગડતાં ઉધરસ, શરદી અને શ્વાસ લેવામાં તકલીફ ધરાવતા દર્દીઓની સંખ્‍યા વધી રહી છે.

અમદાવાદના ફેફસાંના નિષ્‍ણાત ડો. તુષાર પટેલે જણાવ્‍યું હતું કે, બાંધકામની પ્રવૃત્તિ અને વાહનોના વધતા પ્રદૂષણને કારણે આવા દર્દીઓ વધી રહ્યા છે. પ્રદૂષણમાં રહેલા પીએમ ૨.૫ અને પીએમ ૧૦ જેવા સૂક્ષ્મ કણો શ્વસનતંત્રને અસર કરે છે. ધૂમ્રપાન ન કરતા લોકોમાં પણ સીઓપીડી (COPD)ના કેસ વધી રહ્યા છે. અગાઉ ધૂમ્રપાન ન કરતા લોકોમાં સીઓપીડીનું એક મોટું કારણ બાયોમાસ ઇંધણના ધુમાડાનો સંપર્ક હતો.

તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, દિવાળી પછી ફટાકડાના ધુમાડાથી પ્રદૂષણમાં વધારો થાય છે. બાળકો ખાસ કરીને વધુ સંવેદનશીલ છે અને તેમનામાં બ્રોન્‍કાઇટિસના કેસ વધી રહ્યા છે. હવે વધુ બાળકોને ઇન્‍હેલરની જરૂર પડી રહી છે.

પીએમ ૨.૫ સહિતના હવાના પ્રદૂષકો અગાઉ હૃદયરોગનો ઇતિહાસ ન ધરાવતા લોકોને પણ અસર કરી રહ્યા છે અને તેમનામાં હૃદય સંબંધિત તકલીફોનું જોખમ વધારી રહ્યા છે. અભ્‍યાસમાં વધુ એક મહત્ત્વની બાબત સામે આવી છે. દેશનાં સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં રહેતા ૪૮ ટકા લોકો હવે વધુ રકમનું આરોગ્‍ય વીમા કવચ પસંદ કરી રહ્યા છે.

(3:54 PM IST)