તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th July 2026
જીએસટી રિફંડ મોડું આપ્યું હોય તો વ્યાજની ચુકવણી કરવી પડશેઃ હાઈકોર્ટ
રિફંડ માટેની અરજી કરી હોય ત્યારથી વ્યાજ ચૂકવવા HCનો આદેશ

અમદાવાદ તા.૧૫: જીએસટીમાં વેપારી દ્વારા રિફંડ માટેની અરજી કરવામાં આવે તો સમયમર્યાદામાં રિફંડની ચુકવણી કરવામાં આવતી નથી. આ કારણોસર સમય વિત્યા બાદ ચુકવણી કરવામાં આવે તેવા કિસ્સામાં વ્યાજ સહિત રિફંડ ચૂકવવાનો નિયમ છે, પરંતુ આવા કોઈ પણ નિયમનું પાલન જીએસટી વિભાગ દ્વારા કરવામાં આવતો નથી. આ કારણોસર ખાનગી કંપની દ્વારા રિફંડ મોડું ચૂકવવામાં આવ્યું હોવાથી વ્યાજની માંગણી કરી હતી, પરંતુ તે પ્રમાણે ચુકવણી કરવામાં નહીં આવતા આખરે હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી. આ કેસમાં હાઇકોર્ટે વ્યાજ સહિતની રકમ ચૂકવવા માટે આદેશ કર્યો છે. તેમજ જે તારીખે રિફંડ માટેની અરજી કરી હોય તે તારીખની વ્યાજ ચૂકવવા તાકીદ કરી છે.
સમગ્ર કેસની હકીકત એવી રીતની છે કે અરજદાર કંપની કુહેન નાગેલ દ્વારા ૧૪ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ GST રિફંડ મેળવવા માટે અરજી કરવામાં આવી હતી. જીએસટી વિભાગે આ અરજી પર કોઈ પ્રક્રિયા કરી ન હતી, જેથી કંપનીએ ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. નવેમ્બર ૨૦૨૫માં હાઈકોર્ટે કરદાતાની તરફેણમાં ચુકાદો આપીને કાયદા અનુસાર રિફંડની પક્રિયા પૂર્ણ કરવા જણાવ્યું હતું. કોર્ટના આ આદેશ બાદ કરદાતાએ ૧૧ નવેમ્બર ૨૦૨૫ના રોજ નવી રિફંડ અરજી દાખલ કરી હતી. ટેક્સ વિભાગે રૂ. ૨.૨૯ કરોડનું રિફંડ તો મંજૂર કર્યું હતું, પરંતુ રૂ. ૨૯.૫૧ લાખનું વ્યાજ ચૂકવવાનો ઈનકાર કરી દીધો. વિભાગની દલીલ હતી કે કોર્ટના આદેશ પછી જે નવી અરજી થઈ છે તેને જ મુખ્ય ગણવામાં આવે અને તે મુજબ વ્યાજની ચુકવણી કરવામાં આવે. જસ્ટિસ એ.એસ. સુપૈયા અને જસ્ટિસ વૈભવી ડી. નાનાવટીની બેન્ચે ચુકાદો આપતા જણાવ્યું કે ટેક્સ વિભાગ કોર્ટના આદેશ બાદ કરવામાં આવેલી નવી અરજીને આધાર બનાવીને વ્યાજ ચૂકવવાનો ઇનકાર ન કરી શકે. વિભાગ દ્વારા અગાઉ રિફંડ ફગાવવાનો નિર્ણય ગેરકાનૂની સાબિત થાય તો સત્તાવાળાઓએ મૂળ અરજીની તારીખથી જ વ્યાજ ગણવું પડશે. તેમજ ચુકાદો મળ્યાના ૧૨ અઠવાડિયાની અંદર નવો આદેશ પસાર કરવા તાકીદ કરી છે.
૬૦ દિવસમાં રિફંડ નહીં ચૂકવ્યું તો વ્યાજ ચૂકવવાનો નિયમ
જીએસટીના કાયદાની કલમ ૫૬માં નિયમ જ છે કે રિફડની ચુકવણી ૬૦ દિવસની અંદર કરી દેવાની હોય છે. ત્યારબાદ ચુકવણી કરવામાં આવે તો વાર્ષિક ૬ ટકા પ્રમાણે વ્યાજ ચુકવવાનું હોય છે. પરંતુ મોટાભાગના વેપારીઓ રિફંડ મોડું મળે તો પણ વ્યાજની માંગણી કરતા નથી. તેના લીધે વિભાગ દ્વારા ચુકવણી પણ કરવામાં આવતી નથી. તેમ છતાં વેપારીઓ દ્વારા વ્યાજની માંગણી કરવામાં આવે તો નિયમ પ્રમાણે જીએસટી વિભાગે રિફંડની સાથે વ્યાજની રકમ પણ ચુકવવી પડે.
(9:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
