તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th April 2026
બનાસકાંઠા કોંગ્રેસમાં આંતરિક વિવાદ વકર્યો : પાટણમાં જિગ્નેશ મેવાણી સામે કાર્યકરોનો ઉગ્ર વિરોધ : પાર્ટી કાર્યાલયને તાળા
અનુસૂચિત જાતિ મોરચાના જિલ્લા પ્રમુખની નિમણૂકને લઈ ભડકો: પૂર્વ પ્રમુખ હસમુખ સક્સેનાના સમર્થકોએ મેવાણી પર પાટણ જિલ્લા પર કબજો જમાવવાનો આરોપ લગાવ્યો: ધારાસભ્ય કિરીટ પટેલે પણ સમર્થન આપ્યું

બનાસકાંઠા તા.૧૪ : કોંગ્રેસમાં આંતરિક વિવાદ સામે આવ્યો છે. પાટણ જિલ્લા કોંગ્રેસમાં વડગામના ધારાસભ્ય અને પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ જિગ્નેશ મેવાણી સામે કાર્યકરો ખુલ્લેઆમ મેદાને પડ્યા છે. કાર્યકરોએ મેવાણી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી જિલ્લા પાર્ટી કાર્યાલયને તાળા મારી દેતા પક્ષમાં મોટો ભડકો સર્જાયો છે.
વિગતો મુજબ, સિદ્ધપુરના જયાબેન શાહની પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આ નિમણૂક બાદ પાટણ જિલ્લા કોંગ્રેસમાં અશાંતિ ફેલાઈ હતી. પૂર્વ એસસી મોરચા જિલ્લા પ્રમુખ હસમુખ સક્સેનાએ પુનઃનિમણૂક માટે પ્રદેશ કક્ષાએ વારંવાર રજૂઆતો કરી હતી. જોકે, કોંગ્રેસ હાઈકમાન્ડે જયાબેનને જિલ્લા પ્રમુખ જાહેર કરતાં સક્સેના અને તેમના સમર્થકોમાં નારાજગી ફેલાઈ હતી.
વિરોધ કરી રહેલા કાર્યકરોએ આરોપ લગાવ્યો છે કે શાહની નિમણૂક મેવાણીના ઈશારે કરવામાં આવી છે. ગુસ્સે ભરાયેલા કાર્યકરોએ મેવાણી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી હતી. તેઓનો દાવો છે કે આ અંગે અગાઉ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, એસસી મોરચા પ્રદેશ પ્રમુખ હિતેન્દ્ર પીઠડીયા અને સ્થાનિક ધારાસભ્યોને રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ તેની અવગણના થઈ. પરિણામે કાર્યકરોએ વિરોધને વધુ ઉગ્ર બનાવી સીધા મેવાણીને નિશાન બનાવ્યા હતા.
હસમુખ સક્સેનાએ આરોપ લગાવ્યો કે મેવાણી અને હિતેન્દ્ર પીઠડીયા પાટણ જિલ્લા પર નિયંત્રણ સ્થાપિત કરવાનો અને સમગ્ર ગુજરાતમાં અનુસૂચિત જાતિ સંગઠન પર પ્રભુત્વ જમાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આવા પ્રયાસોને સફળ થવા દેવામાં આવશે નહીં.
પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પણ વિરોધને સમર્થન આપતા જણાવ્યું કે નિમણૂક પહેલા ચૂંટાયેલા ધારાસભ્યોની પણ સલાહ લેવામાં આવી ન હતી. તેમણે ચેતવણી આપી કે જો આવી સ્થિતિ ચાલુ રહેશે અને નેતાઓ સુધરશે નહીં, તો 2027ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો થઈ શકે છે.
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
