<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th November 2026

આંતરરાષ્ટ્રીય સંગીત સ્ટાર દિલજીત દોસાંઝ ગીરના મહેમાન : જંગલ સફારી દરમિયાન એશિયાટિક સિંહોના દર્શન કરી કુદરતી વિરાસતથી અભિભૂત થયા : જુઓ વિડીયો

અમદાવાદના નરેન્દ્રભાઈ મોદી સ્ટેડિયમમાં યોજાનાર મેગા કોન્સર્ટ પૂર્વે ગાયક કલાકારે માણ્યું ગુજરાતનું આતિથ્ય અને વન્યજીવન : મનોરંજન અને પ્રવાસનના સંગમથી રાજ્યમાં કોન્સર્ટ ટૂરિઝમ અને સ્થાનિક અર્થતંત્રને મળી રહ્યો છે નવો વેગ

ગીર સોમનાથ: વૈશ્વિક સંગીત જગતના સુપ્રસિદ્ધ ગાયક અને કલાકાર દિલજીત દોસાંઝ હાલમાં ગુજરાતના પ્રવાસે છે. અમદાવાદના નરેન્દ્રભાઈ મોદી સ્ટેડિયમ ખાતે યોજાનાર તેમના આગામી ભવ્ય કોન્સર્ટમાં ભાગ લેવા આવેલા દિલજીત દોસાંઝે આજે ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની ખાસ મુલાકાત લીધી હતી. ગીરના જંગલમાં સફારી દરમિયાન તેમણે ભવ્ય એશિયાટિક સિંહોને નિહાળવાનો રોમાંચક આનંદ માણ્યો હતો અને ગુજરાતની સમૃદ્ધ કુદરતી તેમજ વન્યજીવનની વિરાસત અને મહેમાનગતિથી તેઓ અત્યંત પ્રભાવિત થયા હતા.

મનોરંજન અને પ્રવાસનનો અનોખો સંગમ:
દિલજીત દોસાંઝની ગીર મુલાકાત રાજ્યમાં મનોરંજન અને પ્રવાસન ક્ષેત્રના વધતા જતા સંગમને ઉજાગર કરે છે. હાલમાં ગુજરાતમાં કોન્સર્ટ ટૂરિઝમ પ્રવાસનના એક નવા અને મહત્વપૂર્ણ આયામ તરીકે ઝડપથી ઉભરી રહ્યું છે. આ પ્રકારના વિશાળ આયોજનો દેશ-વિદેશના પ્રવાસીઓને ગુજરાત તરફ આકર્ષવાની સાથે હોટેલ, રેસ્ટોરન્ટ, પરિવહન અને સ્થાનિક વેપાર-ધંધા સાથે સંકળાયેલા હિતધારકો માટે રોજગારી અને આર્થિક વિકાસની નવી તકો ઊભી કરી રહ્યા છે.

ડેસ્ટિનેશન બ્રાન્ડિંગ અને એક્સપિરિએન્શિયલ ટૂરિઝમને પ્રોત્સાહન:
મોટા પાયે યોજાતા સંગીત સમારોહની સાથે ગીરનું વન્યજીવન, રાજ્યની ભવ્ય સંસ્કૃતિ અને વિવિધ પ્રવાસન સ્થળોને સાંકળવાથી અમદાવાદ અને સમગ્ર ગુજરાતનું ડેસ્ટિનેશન બ્રાન્ડિંગ વધુ મજબૂત બની રહ્યું છે. તેનાથી રાજ્યને કોન્સર્ટ, મોટી ઇવેન્ટ્સ અને એક્સપિરિએન્શિયલ ટૂરિઝમ માટે એક આકર્ષક કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત કરવામાં નોંધપાત્ર મદદ મળી રહી છે. આ અભિગમ ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને પરંપરાગત સીમાઓથી આગળ લઈ જઈને પ્રવાસીઓની સંખ્યા વધારવા અને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતની ઓળખ વધુ સુદૃઢ કરવાની વિપુલ તકો પૂરી પાડશે.

(7:23 PM IST)