તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st August 2026
વડોદરામાં બાળ તસ્કરીના આંતરરાજ્ય કાળા કારોબારનો પર્દાફાશ: ૮ દિવસના માસૂમ શિશુને મુક્ત કરાવાયું, ૪ નવજાત બાળકો મુંબઈમાં વેચાયાનો ઘટસ્ફોટ, ૧ મહિલા સહિત ૭ ઝબ્બે!
ગરીબ અને મજબૂર પરિવારોને રૂ. ૩ લાખ સુધીની નાણાકીય લાલચ આપી ચલાવાતું પાપનું નેટવર્ક; વડોદરા ક્રાઇમ બ્રાન્ચે સિદ્ધપુરથી મુંબઈ બાળક લઈ જતી વેળાએ પાડી રેડ, DCP હિમાંશુ વર્માના માર્ગદર્શન હેઠળ તપાસ તેજ

વડોદરા : વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે માનવતાને શરમસાર કરતી આંતરરાજ્ય બાળ તસ્કરી (Child Trafficking) ના એક અત્યંત સનસનાટીભર્યા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે સમયસૂચકતા અને સચોટ બાતમીના આધારે સિદ્ધપુરથી મુંબઈ ખાતે રૂ. ૩ લાખની તોતિંગ રકમમાં વેચવા લઈ જવાઈ રહેલા માત્ર ૮ દિવસના અબુધ અને નવજાત શિશુને સુરક્ષિત રીતે મુક્ત કરાવ્યું છે. આ માનવ-તસ્કરીના દૂષણમાં સંકળાયેલી ટોળકીના એક મહિલા સહિત કુલ સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
દોઢ મહિનામાં ૪ નવજાત બાળકો મુંબઈમાં વેચી દીધાનો ચોંકાવનારો ખુલાસો
ક્રાઇમ બ્રાન્ચની પ્રાથમિક પૂછપરછમાં અત્યંત ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ શાતિર ટોળકીએ છેલ્લા દોઢ મહિનાના ટૂંકા સમયગાળા દરમિયાન જ અન્ય ચાર નવજાત શિશુઓને મેળવીને મુંબઈના ખરીદદારોને મોટા પાયે નાણાં મેળવી વેચી દીધા હતા. આ મોટો ઘટસ્ફોટ થતાં જ ગુજરાત અને મહારાષ્ટ્રની પોલીસ એજન્સીઓ સહિત સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
ગરીબ પરિવારોની મજબૂરીનો લાભ લઈ દલાલીનું સિન્ડિકેટ
પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ, આ ટોળકી મુખ્યત્વે અત્યંત આર્થિક રીતે નબળા, આર્થિક સંકટમાં મુકાયેલા અને મજબૂર પરિવારોને નિશાન બનાવતી હતી. તેમને નાણાંની મોટી લાલચ આપીને અથવા તેમની લાચારીનો લાભ ઉઠાવીને નવજાત બાળકો મેળવવામાં આવતા હતા અને ત્યારબાદ મુંબઈ ખાતે ઊંચી કિંમતે ગ્રાહકોને સોંપવામાં આવતા હતા.
આ કેસમાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મનોજ કેશાભાઈ રાવળ, વીણાબેન મનોજ રાવળ, સુનિલ ધુળાભાઈ રાવળ, દલપત ધુળાભાઈ રાવળ, નગીન ઉર્ફે નગા જગાભાઈ ભગોરા, શ્રવણ દુધાભાઈ પરમાર અને લક્ષ્મણભાઈ મોતીભાઈ મુળીની અટકાયત કરી છે. આ તમામ આરોપીઓ બાળકોની શોધખોળ કરવાથી માંડીને સોદો નક્કી કરવા અને ટ્રાન્સપોર્ટેશન સુધીની અલગ-અલગ જવાબદારીઓ સંભાળતા હતા.
મુંબઈ સુધી તપાસનો ધમધમાટ: DCP હિમાંશુ વર્માનું નિવેદન
DCP ક્રાઇમ હિમાંશુ વર્માએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, "અમે સફળ ઓપરેશન પાર પાડીને ૮ દિવસના શિશુને સુરક્ષિત બચાવી લીધું છે અને ૭ આરોપીઓની અટકાયત કરી છે. મુંબઈમાં વેચાયેલાં અન્ય ચાર માસૂમ બાળકો હાલ ક્યાં છે, તેમને કોણે ખરીદ્યા હતા અને આ નેટવર્કમાં કોઈ હોસ્પિટલ, તબીબ કે દલાલો સંકળાયેલા છે કે કેમ તે દિશામાં વિવિધ ટીમો બનાવી મુંબઈ સુધી તપાસ લંબાવવામાં આવી છે."
(8:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
