તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 27th May 2026
અમદાવાદમાં ATM સેન્ટરો પર મદદના બહાને ખાતું સાફ કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ :ટોળકીના બે સાગરીતો સકંજામાં
ધરપકડની સાથે જ અમદાવાદના વેજલપુર, ઈસનપુર, સરખેજ અને આનંદનગર જેવા વિસ્તારોમાં આચરેલા કુલ 10 જેટલા વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી

અમદાવાદ: શહેરમાં ATM સેન્ટરો પર પૈસા ઉપાડવા આવતા લોકોને પોતાની વાતોની જાળમાં ફસાવીને તેમનું ATM કાર્ડ સિફતપૂર્વક બદલી નાખતી અને ગણતરીની મિનિટોમાં ખાતું સાફ કરી નાખતી એક રીઢા ગુનેગારોની આંતરરાજ્ય ગેંગનો ઈસનપુર પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસની ગિરફતમાં આવેલા આ આરોપીઓ કોઈ સામાન્ય ચોર નથી, પરંતુ અત્યંત શાતિર રીતે લોકોની નજર ચૂકવીને લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં માહેર છે. આ ટોળકી મુખ્યત્વે એવા લોકોને ટાર્ગેટ કરતી હતી જેમને ATM ઓપરેટ કરવામાં થોડી મુશ્કેલી પડતી હોય અથવા તો જેઓ એકલા પૈસા ઉપાડવા આવ્યા હોય..
આ શાતિર આરોપીઓની મોડસ ઓપરેન્ડી એટલી હદે ચોંકાવનારી છે કે સામાન્ય માણસ વિચારી પણ ન શકે. જ્યારે કોઈ વ્યક્તિ ATM મશીનમાંથી પૈસા ઉપાડવા માટે અંદર જતું, ત્યારે આ ગેંગનો એક આરોપી પણ મદદ કરવાના બહાને કે લાઈનમાં ઊભા રહેવાના નામે અંદર ઘૂસી જતો હતો. ત્યારબાદ એક આરોપી તે વ્યક્તિને વાતોના વડાં કરીને તેનું ધ્યાન ભટકાવતો હતો, જ્યારે તેની બાજુમાં જ ઊભેલો બીજો આરોપી જે તે વ્યક્તિ જ્યારે પોતાનો સિક્રેટ ATM પિન નંબર એન્ટર કરતી હોય ત્યારે તેની પર નજર રાખીને પિન નંબર ચોરીછૂપીથી જાણી લેતો હતો. આ પ્રક્રિયા પૂરી થાય તે દરમિયાન જ વાતવાતમાં અને નજર ચૂકવીને તેઓ અસલી ATM કાર્ડની જગ્યાએ તે જ બેંકનું બીજું નકલી કે બંધ પડેલું કાર્ડ પકડાવી દેતા હતા. ભોગ બનનાર વ્યક્તિને ખબર પડે તે પહેલાં જ આ આરોપીઓ ત્યાંથી રફુચક્કર થઈ જતા અને મેળવેલા અસલી કાર્ડ તથા પિન નંબરનો ઉપયોગ કરીને તુરંત જ ATM માંથી રોકડા રૂપિયા ઉપાડી લેતા હતા અથવા તો સોનાના દાગીના ખરીદવા માટે કાર્ડ સ્વાઇપ કરી લેતા હતા.
ઈસનપુર પોલીસના સકંજામાં આવેલા આ બંને આરોપીઓ મૂળ હરિયાણાના રહેવાસી છે, જેમના નામ રવિકુમાર અને સંજય સૈનિ છે. પોલીસે જ્યારે આ બંને ગઠિયાઓની કડકાઈથી પૂછપરછ કરી અને તેમની ઝડતી લીધી ત્યારે તેમની પાસેથી અંદાજે ₹34,000 ની રોકડ રકમ, અલગ-અલગ બેંકોના કુલ 28 જેટલા ATM કાર્ડ, 2 નંગ મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલ એક મોટરસાઈકલ (બાઈક) મળી આવ્યા છે. પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે આ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જેમાં સંજય કુમાર સામે ભૂતકાળમાં ગોવા રાજ્યમાં આ જ પ્રકારના 4 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે, જ્યારે આરોપી રવિ સામે દિલ્હીમાં પણ એક ગુનો નોંધાયેલો છે. આ ધરપકડની સાથે જ અમદાવાદના વેજલપુર, ઈસનપુર, સરખેજ અને આનંદનગર જેવા વિસ્તારોમાં આચરેલા કુલ 10 જેટલા વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા મળી છે.
(9:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
