News of Sunday, 6th September 2026
અમદાવાદમાં નકલી દવાઓનું આંતરરાજ્ય કૌભાંડ છતું: લખનઉમાં FIR બાદ ગુજરાતમાં તપાસનો ધમધમાટ
'કેર ફાર્મસી' અને 'ક્યોરપેથ ઇન્ટરનેશનલ' સામે ગાળિયો મજબૂત; ડિસ્કાઉન્ટની લાલચ આપી લોકોના આરોગ્ય સાથે ખેલ ખેલાતો હોવાનો પર્દાફાશ

અમદાવાદ: ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં ફેલાયેલા આંતરરાજ્ય ડુપ્લિકેટ દવાના એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ મામલે લખનઉ ખાતે મુખ્ય સૂત્રધાર બ્રિજેશ પટેલ અને તેની કંપની 'ક્યોરપેથ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ' સામે સત્તાવાર રીતે એફઆઈઆર (FIR) દાખલ કરવામાં આવી છે. આ ગેરકાયદે પ્રવૃત્તિના મૂળ અમદાવાદ સાથે સીધા જોડાયેલા હોવાનું સામે આવતાં જ તપાસ એજન્સીઓ હરકતમાં આવી ગઈ છે.
અમદાવાદના વિસ્તારોમાં તપાસનો ધમધમાટ
લખનઉમાં નોંધાયેલી ફરિયાદ બાદ ગુજરાતમાં પણ તપાસનો દોર તેજ કરવામાં આવ્યો છે. અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી 'વોલસ્ટ્રીટ-2' તેમજ 'કેર ફાર્મસી' નામના રિટેલ ચેઇન સ્ટોર પર તપાસ હાથ ધરવામાં આવી છે.
ભારે ડિસ્કાઉન્ટ આપી નકલી દવાઓ પધરાવાતી
તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી બ્રિજેશ પટેલ ગ્રાહકોને આકર્ષવા માટે દવાઓ પર અસાધારણ અને ઊંચા ડિસ્કાઉન્ટની લાલચ આપતો હતો. આ સસ્તા ભાવ અને ભારે ડિસ્કાઉન્ટની આડમાં અસલી દવાની જગ્યાએ લોકોના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડાં કરતી ડુપ્લિકેટ દવાઓનું ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવતું હતું.
વધુ મોટા ખુલાસા થવાની શક્યતા
લખનઉથી શરૂ થયેલી આ તપાસના તાર હવે અમદાવાદના ફાર્મા બજાર અને દવાના વેપારીઓ સુધી પહોંચી રહ્યા છે. પોલીસ અને ડ્રગ્સ વિભાગ દ્વારા આ નેટવર્કમાં સામેલ અન્ય લોકો તેમજ નકલી દવાનો જથ્થો ક્યાંથી બનાવવામાં કે સપ્લાય કરવામાં આવતો હતો તે દિશામાં ઘેરી તપાસ હાથ ધરાઈ છે, જેમાં આવનારા દિવસોમાં વધુ મોટા નામો અને ખુલાસાઓ સામે આવે તેવી પૂરી શક્યતા છે.
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
