<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th November 2026

૫૬ લાખના માતબર ઈનામો સાથે રાજ્યના યુવા ઇનોવેટર્સ અને સાહસિકોને આમંત્રણ : પ્રથમ વિજેતા ટીમને રૂ.૫ લાખ અને દ્વિતીય વિજેતાને રૂ.૩ લાખનો પુરસ્કાર અપાશે : વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ 'સ્પેસટેક હેકાથોન ૨૦૨૬'ની જાહેરાત કરી

સ્પેસ ટેકનોલોજીના માધ્યમથી કૃષિ, દરિયાઈ સુરક્ષા, આપત્તિ વ્યવસ્થાપન અને વન-સંરક્ષણ જેવા ક્ષેત્રોની સમસ્યાઓના સમાધાન શોધવા'સ્પેસટેક હેકાથોન ૨૦૨૬' વૈજ્ઞાનિકો, ઇનોવેટર્સ, ઉદ્યોગસાહસિકો અને વિવિધ સ્ટેક-હોલ્ડર્સને એક જ પ્લેટફોર્મ પર લાવી વાસ્તવિક જીવનના પડકારો ઉકેલવાનું સશક્ત માધ્યમ : અર્જુનભાઈ મોઢવાડિયા

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર : ગુજરાતમાં સ્પેસ ટેકનોલોજી આધારિત ઇનોવેશન અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વેગ આપવાના લક્ષ્ય સાથે ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ (DST)ના મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ગાંધીનગર ખાતેથી 'સ્પેસટેક હેકાથોન ૨૦૨૬'ની જાહેરાત કરી છે. 

 

આ હેકાથોન અંતર્ગત નવીન વિચારો અને ટેકનોલોજીકલ સોલ્યુશન્સ રજૂ કરનારા સ્પર્ધકો માટે કુલ રૂ.૫૬ લાખની ઈનામી રકમ રાખવામાં આવી છે. સ્પેસટેક હેકાથોનમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પ્રથમ વિજેતાને રૂ.૫ લાખ અને દ્વિતીય સ્થાન મેળવનારને રૂ.૩ લાખનો રોકડ પુરસ્કાર અપાશે.

 

વિજ્ઞાન અને પ્રોદ્યોગિક વિભાગના મંત્રી  અર્જુનભાઈ મોઢવાડિયાએ 'સ્પેસટેક હેકાથોન ૨૦૨૬નો ઉદ્દેશ સ્પષ્ટ કરતાં કહ્યું કે, 'સ્પેસટેક હેકાથોન ૨૦૨૬' માત્ર નવા વિચારો રજૂ કરવા પૂરતી સીમિત નથી, પરંતુ તે વૈજ્ઞાનિકો, ઇનોવેટર્સ, ઉદ્યોગસાહસિકો અને વિવિધ સ્ટેકહોલ્ડર્સને એક જ પ્લેટફોર્મ પર લાવીને વાસ્તવિક જીવનના પડકારો ઉકેલવાનું એક સશક્ત માધ્યમ છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્પેસ ક્ષેત્રને ખાનગી સાહસિકો, વૈજ્ઞાનિકો અને રોકાણકારો માટે ખુલ્લું મૂકી અંતરિક્ષ ક્ષેત્રે એક નવા યુગની શરૂઆત કરી છે. આ વિઝનને અનુરૂપ આ હેકાથોન દ્વારા કૃષિ, દરિયાઈ સુરક્ષા, આપત્તિ વ્યવસ્થાપન અને વન સંરક્ષણ જેવા મહત્વના ક્ષેત્રોની સમસ્યાઓના ઉકેલ સ્પેસ ટેકનોલોજી અને સેટેલાઇટ ડેટાના માધ્યમથી શોધવામાં આવશે તેમ મંત્રીશ્રી મોઢવાડિયાએ જણાવ્યું હતું. 

મંત્રીશ્રીએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રે દેશમાં અગ્રેસર રહેશે. તેમણે ગુજરાત સરકારે આ સંદર્ભે લીધેલા પગલાંઓની વિગત આપતાં કહ્યું કે, ગુજરાતે આ માટે સમર્પિત 'ગુજરાત સ્પેસટેક પોલિસી'  બનાવી તેનો અમલ કર્યો છે. આ ઉપરાંત  સ્પેસ ટેકનોલોજીના મેન્યુફેક્ચરિંગ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે સાણંદ નજીક 'ગુજરાત સ્પેસ પાર્ક'ની પણ રચના કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ પાર્કમાં સેટેલાઇટ સહિતના અવકાશી ઉપકરણોના ઉત્પાદન અને પરીક્ષણ માટે અત્યાધુનિક કોમન ટેસ્ટિંગ ફેસિલિટી ઊભી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટના પગલે ઉદ્યોગોને એક જ સ્થળે તમામ સુવિધાઓ મળી રહે.

 

મંત્રીશ્રીએ ‘સ્પેસટેક હેકાથોન-૨૦૨૬’ જેવી અભિનવ પહેલ બદલ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના તમામ અધિકારીઓ અને ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે રાજ્યના વધુમાં વધુ યુવા સંશોધકો, વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટઅપ્સને આ હેકાથોનમાં ઉત્સાહભેર ભાગ લઈ ‘વિકસિત ગુજરાત’ના નિર્માણમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો.

 

આ અવસરે વિજ્ઞાન અને ટેક્નોલોજીના સચિવ  પી. ભારતી, મિશન નિયામક   નેહાકુમારી સહીત  વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ (DST) તથા ઇન સ્પેસના ઉચ્ચ અધિકારીઓ - કર્મચારીઓ  ઉપસ્થિત રહ્યા હતાં.

(7:29 PM IST)