News of Monday, 27th April 2026
બનાસકાંઠા જીલ્લાના પાલનપુરમાં EVM માટે થ્રી-લેયર સુરક્ષા વ્યવસ્થા સાથે લોખંડી બંદોબસ્ત : આવતીકાલે સવારથી થશે મતગણતરી
એન્જિનિયરિંગ કોલેજ ખાતે સ્ટ્રોંગ રૂમમાં EVM રાખવામાં આવ્યા, CAPF, SRP અને સ્થાનિક પોલીસનો ચાંપતો પહેરો; CCTVથી 24 કલાક મોનિટરિંગ

પાલનપુર તા.૨૭ : બનાસકાંઠા જિલ્લામાં મતદાન પૂર્ણ થયા બાદ EVM મશીનોની સુરક્ષા માટે લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પાલનપુર ખાતે આવેલી એન્જિનિયરિંગ કોલેજમાં બનાવાયેલા સ્ટ્રોંગ રૂમમાં થ્રી-લેયર સુરક્ષા વ્યવસ્થા સાથે EVM રાખવામાં આવ્યા છે. આવતીકાલે સવારથી મતગણતરી શરૂ થશે.
જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, મતદાન બાદ તમામ EVM મશીનોને સીલ કરી સશસ્ત્ર પોલીસ બંદોબસ્ત સાથે સ્ટ્રોંગ રૂમ સુધી લાવવામાં આવ્યા હતા. સ્ટ્રોંગ રૂમની બહાર થ્રી-લેયર સુરક્ષા ગોઠવાઈ છે. પ્રથમ સ્તરમાં સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ CAPFના જવાનો, બીજા સ્તરમાં સ્ટેટ રિઝર્વ પોલીસ SRP અને ત્રીજા સ્તરમાં સ્થાનિક પોલીસના જવાનો 24 કલાક તૈનાત રહેશે.
સ્ટ્રોંગ રૂમની અંદર અને બહાર CCTV કેમેરાથી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. રાજકીય પક્ષોના એજન્ટો માટે પણ લાઈવ CCTV ફૂટેજ ડિસ્પ્લેની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે. આ ઉપરાંત ફાયર સેફ્ટી માટે ફાયર એન્જિન અને તબીબી સુવિધા માટે 108 એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષક સહિતના ઉચ્ચ અધિકારીઓએ સ્ટ્રોંગ રૂમની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ મતગણતરી કેન્દ્રમાં પ્રવેશ માટે માત્ર અધિકૃત પાસ ધારકોને જ મંજૂરી આપવામાં આવશે. આવતીકાલે સવારે 8 વાગ્યાથી મતગણતરીની પ્રક્રિયા શરૂ થશે.
(4:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
