તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 16th October 2026
ખીલખીલાટ હતો...‘હવે તમે ભારતના નાગરિક છો': હર્ષ સંઘવીના હસ્તે રાજકોટમાં ૩૧૯ લોકોને ભારતીય નાગરિકતા અર્પણ
પાકિસ્તાનથી આવેલી બહેનો માટે આજે આઝાદીનો દિવસઃ વટભેર જીવવા અનુરોધ રાજકોટની લૂંટ ઘટનામાં માત્ર ૧૨ કલાકમાં આરોપીઓને પકડી લેવા અંગે પોલીસને અભિનંદન

રાજકોટ, તા.૧૬: ‘‘મુસ્કુરાઈએ આજ સે આપ સબ ભારત કે નાગરિક હૈ..'' પાકિસ્તાનમાંથી વિસ્થાપિત એવા ૩૧૯ લોકોને જ્યારે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ઉપરના શબ્દો સાથે નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કર્યું ત્યારે તેઓના આનંદનો પાર ન રહ્યો.. તેમના જીવનમાં આજે જાણે ‘‘દશેરા પહેલા જ દિવાળી''નો માહોલ સર્જાયો. અનેક લોકોની આંખો ભીની થઈ ગઈ તો અનેક ગળગળા થઈ ગયા.
રાજકોટમાં પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતેના કાર્યક્રમમાં ભાવનાત્મક દ્રશ્યો સર્જાયા હતા. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત સમારોહ યોજવામાં આવ્યો હતો.
આ તકે નાયબ મુખ્યમંત્રીશ્રીએ ભારતીય નાગરિકતા પ્રાપ્ત કરનાર ૩૧૯ પરિવારો માટે આજે પાંચમા નોરતાનો દિવસ દિવાળીના ઉત્સવ સમાન ગણાવ્યો હતો. આ સાથે તેમણે કહ્યું હતું કે, આપ સૌના ઘરમાં આજે દિવાળીના દીપ પ્રગટાવવાનું કાર્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના મક્કમ નિર્ણય અને સી.એ.એ.ના અમલીકરણથી થયું છે.
પાકિસ્તાનના થરપારકરમાં મહિલાઓ ઘરની બહાર પણ નીકળી શકતી નથી. ત્યારે ત્યાંથી સ્થળાંતરિત થયેલાં મોરબીનાં કવિતાબેન સહિતનાં બહેનો માટે આજના દિવસને નાયબ મુખ્યમંત્રીશ્રીએ આઝાદીનો દિવસ ગણાવ્યો હતો. પાકિસ્તાનના હૈદરાબાદના રાણીબાગમાં ગોળીબાર વખતે જીવ બચાવવા હિન્દુ લોકોએ નામ બદલવા પડ્યા હતા. હવે આ ભારતીય નાગરિકો આજીવન વટભેર પોતાના સાચા નામ સાથે આ દેશમાં જીવી શકશે એવું પણ તેમણે જણાવ્યું હતું.
રાજકોટમાં ગતરાત્રે થયેલી સોનાની લૂંટ અને હત્યા કેસના આરોપીઓને અલગ અલગ દિશાઓમાંથી ગણતરીના કલાકોમાં મુદ્દામાલ સાથે પકડી લેવાની રાજકોટ શહેર પોલીસ કમિશનર, શહેર પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ તેમજ અન્ય જિલ્લાની પોલીસનો આભાર પણ નાયબ મુખ્યમંત્રીએ આ તકે વ્યક્ત કર્યો હતો.
આ સાથે તેમણે કહ્યું હતું કે, આરોપીઓને ૨૪ કલાકમાં પકડી લેવાના સંકલ્પ સાથે રાજકોટ પોલીસ તથા અન્ય જિલ્લાની પોલીસની ૫૦ જેટલી ટીમોએ રાતદિવસ કામ કર્યું છે. રાજકોટ પોલીસે ખડેપગે કામ કરીને નાગરિકોના ગરબાના આયોજનને પણ આંચ ન આવવા દીધી અને આરોપીઓને પણ પકડી લીધા. આ વિશેષ સફળતા બદલ તેમણે પોલીસને ખાસ બિરદાવી હતી.
નાયબ મુખ્યમંત્રીના હસ્તે રાજકોટ જિલ્લાના ૨૫૯, મોરબી જિલ્લાના ૫૩, કચ્છના ૬ તથા સુરેન્દ્રનગર જિલ્લાના ૧ મળીને ૩૧૯ વિસ્થાપિતોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
ગુજરાતની દીકરીઓને સુરક્ષા પૂરી પાડવા બદલ આભારની લાગણી પ્રગટ કરતાં એક કિશોરીએ નાયબ મુખ્યમંત્રીશ્રીના ભાલે કુમકુમ તિલક કરીને હાથમાં રાખડી બાંધી હતી.
સેન્સસ ઓપરેશન્સના ડિરેક્ટર શ્રી સુજલ મયાત્રાએ શાબ્દિક સ્વાગતમાં કહ્યું હતું કે, સી.એ.એ. હેઠળ ગુજરાતમાં ૧૫૦૦થી વધુ લોકોને નાગરિકતા આપવામાં આવી છે. કાર્યક્રમના અંતે રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી ડો. ઓમ પ્રકાશે આભારવિધિ કરી હતી.
આજના કાર્યક્રમમાં મેયર ડો. નેહલ શુક્લ, સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, જિલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઈ પીપળીયા,ધારાસભ્યો સર્વ ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા, ભાનુબહેન બાબરીયા, અનિરુદ્ધભાઈ દવે, મહેન્દ્રભાઈ પાડલીયા, દુર્લભજી દેથરિયા પૂર્વ સાંસદ રામભાઈ મોકરિયા, અગ્રણી માધવ દવે, અલ્પેશ ઢોલરિયા, જીવણભાઈ આહિર તેમજ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, આસિ. ક્લેક્ટર અતુલ સિંઘ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
