<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

બાળકોમાં ખીચડીથી ચમત્‍કારિક પરિણામ સર્જતા જગદીશ જેઠવા

ભારતમાં પહેલીવાર વડોદરામાં થયો ખીચડી પાયલોટ પ્રોજેક્‍ટ

રાજકોટ : ગુજરાતીઓના ઘેર ઘેર જાણીતી સાંજની સ્‍વાદિષ્ટ, પોષણયુક્‍ત, સ્‍વાસ્‍થ્‍યવર્ધક અને પાચનમાં સહજ એવી વાનગી એટલે ખીચડી. જોકે આજની ૨૧મી સદીમાં બાળકો પીઝા, પાસ્‍તા અને વડાપાઉં પાછળ ઘેલા બન્‍યા હોવાથી તેઓ ખીચડીથી દૂર ભાગી રહ્યા છે. પરંતુ આ વાસ્‍તવિક્‍તાને છેલ્‍લા ઘણા વર્ષોથી વડોદરા ખાતે રહેતા શ્રી જગદીશભાઈ જેઠવા અને તેમના ધર્મપત્‍ની મિલનબેન જેઠવાએ પડકાર્યો છે. સતત સંશોધન અને અનુભવોના આધારે તેઓએ વિવિધ પ્રકારની પૌષ્ટિક અને સ્‍વાદિષ્ટ ખીચડી બનાવી તેને લોકભોગ્‍ય તેમજ લોકપ્રિય બનાવવા માટે ‘પ્‍યોર ફૂડ'ના માધ્‍યમથી અથાગ અને અવિરત પ્રયત્‍નો કર્યા છે. તેમની બનાવેલી ખીચડી ભારતની સીમાઓ ઓળંગીને મસ્‍કત, ઓમાનમાં પણ વખણાઈ રહી છે. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા તેમને વડોદરા જિલ્‍લાના ઇન્‍દિરાનગર પ્રાથમિક શાળાના ૧૨૬ બાળકોને સતત ત્રણ મહિના સુધી ખીચડી ખવડાવવાનો પ્રોજેક્‍ટ પણ સોંપવામાં આવ્‍યો હતો. અકિલા ખાતે જગદીશભાઈ જેઠવાએ ભારતમાં પહેલીવાર થયેલ ખીચડી પાયલોટ પ્રોજેક્‍ટથી બાળકોમાં આવેલા ચમત્‍કારિક પરિવર્તન વિશે વિગતે ચર્ચા કરી હતી.

જગદીશભાઇ કહે છે, એક વર્ષ પહેલા જ્‍યારે ખીચડીના પ્રચાર માટે હું ઓમાન ગયો હતો ત્‍યાંથી આવ્‍યો ત્‍યારે વડોદરા એરપોર્ટ પર ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ સાથે મુલાકાત થઇ હતી અને ખીચડીની તાકાત વિશે વાત કરી હતી. બીજા દિવસે ગાંધીનગરથી જગદીશભાઇને ફોન આવ્‍યો એટલે તેઓ અને તેમના પત્‍નિ મિલનબેન ગાંધીનગર ગયા જ્‍યાં રાજભવન ખાતે મુખ્‍યમંત્રીશ્રીને પોતાની અદભૂત ખીચડી જમાડી હતી. જે તેમને દાઢે વળગી હતી અને ખુબ વખાણી હતી. છેલ્‍લા ૧૧ વર્ષથી તેઓ લોકોમાં હેલ્‍થ પ્રત્‍યે જાગૃતિ આવે તે પ્રયત્‍નશીલ છે. તેઓએ સી.એમ સાહેબને જણાવ્‍યું કે બાળકોમાં આ શરૂ થાય તો આપણો પોષણનો પ્રશ્ન હલ થઇ શકે તેમ છે જે તાકાત ખીચડીમાં રહેલી છે. ખીચડી મહાસાગર જેવી છે. જેમ મહાસાગર દરેક વસ્‍તુ પોતાનામાં સમાવે તેમ ખીચડીમાં શાકભાજી અને કઠોળનો પણ ઉપયોગ થાય છે. આ વાતને ધ્‍યાને લઇ ભુપેન્‍દ્રભાઇ પટેલે ભારતની પ્રાચીન સનાતન ખીચડી ઉપર ભારતનો પહેલો પાયલોટ પ્રોજેક્‍ટ વડોદરા તાલુકાની અંકોડિયા ઇન્‍દિરાનગર શાળામાં આપવાની વાત કરી. જોકે પ્રશાસનનો પ્રશ્ન એ હતો કે બાળકો દરરોજ ખીચડી ખાશે? આ ચેલેન્‍જીંગ કાર્ય જેઠવા દંપતિએ સ્‍વિકાર્યું. આ પ્રયોગ ૧૧ જુલાઇ ૨૦૨૫ માં શરૂ કરાયો અને ૧૦ ઓક્‍ટોબર ૨૦૨૫ માં પૂર્ણ કરાયો. દરરોજની ૧૮ થી ૨૦ કિલો સ્‍વાદિષ્ટ અને પૈષ્ટિક ખીચડી ૧૨૬ બાળકોને પિરસવામાં આવી. એક બાળકને ૧૨૫ ગ્રામ જેટલી ખીચડી દરરોજ અપાતી. આ ૯૦ દિવસમાં ખીચડી આરોગતા બાળકોમાં ચમત્‍કારિક પરિણામો સામે આવ્‍યા હતા.

 આ પહેલ હેઠળ ૧૨૬ વિદ્યાર્થીઓને (બાલ વાટિકાથી ધોરણ ૮ સુધીના) દરરોજ શાળાની શરૂઆતમાં જ ગરમા ગરમ ૧૨૫ ગ્રામ ખીચડી પીરસવામાં આવતી હતી - તેઓને તેમનું નિયમિત મધ્‍યાહન ભોજન મળતા પહેલા. રોજિદા ભોજનના ઉમેરાઓથી વિપરીત, આ પાયલોટ પ્રોજેક્‍ટનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્‍યું હતું. રાજ્‍યના આરોગ્‍ય વિભાગ અને ફૂડ એન્‍ડ ડ્રગ્‍સ કંટ્રોલ એડમિનિસ્‍ટ્રેશનની ટીમોએ ગાંધીનગરથી આવીને રસોડાની પ્રક્રિયા, સ્‍વચ્‍છતા, ભાગનું નિયંત્રણ અને વિદ્યાર્થીઓના પ્રતિસાદ પર નજર રાખી હતી. આ કાર્યક્રમને વડોદરાના  ખીચડી કિંગ અને એન્‍જાિનિયરમાંથી ન્‍યુટ્રિશન એડવોકેટ બનેલા જગદીશ જેઠવાએ આકાર આપ્‍યો હતો. તેઓએ તેમના પત્‍ની મિલનબેન સાથે મળીને પરંપરાગત, સંતુલિત ભારતીય ભોજનને પુનર્જીવિત કરવામાં એક દાયકાથી વધુ સમય વિતાવ્‍યો છે. દર એકાંતરે દિવસે, વિદ્યાર્થીઓને ખીચડીની વિવિધ વેરાયટી પીરસવામાં આવતી હતી. શ્રીમતી મીનલબેન જેઠવાએ બાળકોને ભાવે તેવી ત્રણ અલગ અલગ પ્રકારની ખીચડી બનાવી જેમાં વેજીટેબલ મસાલા ખીચડી, વેજીટેબલ કોર્ન ખીચડી અને વેજીટેબલ મિલેટ (ધાન્‍ય) ખીચડી સ્‍વાદિષ્ટ રીતે બનાવી.

શિક્ષકોને શંકા હતી. તેઓને ડર હતો કે બાળકો એક જ વાનગીથી કંટાળી જશે. તેના બદલે, તેનાથી વિપરીત બન્‍યું. જુલાઈ-ઓક્‍ટોબરના અભ્‍યાસ સમયગાળા દરમિયાન બાળકોમાં ચમત્‍કારિક અને માપી શકાય તેવા સુધારાઓ દેખાવા લાગ્‍યા..! મહત્‍વની વાત એ છે કે, પિઝા, પાસ્‍તા અને બર્ગર તરફ દોડતા બાળકો ખીચડી તરફ વળવા લાગ્‍યા. હોંશે હોંશે ખીચડી ખાતા થયા. જગદીશભાઇ જેવા ખીચડી લઇને શાળાના ગેઇટ પાસે આવે એટલે તેની સુગંધથી બાળકો ખીચડી ખાવા દોડતા. પ્રોજેક્‍ટ પૂર્ણ થયા પછી બાળકોમાં ઘણો બધો ફેરફાર જોવા મળ્‍યો જમજે બાળકોની ઉંચાઇ, વજન, હિમોગ્‍લોબીન વધ્‍યા ઉપરાંત તેઓ રમતગમત જેવી પ્રવૃતિમાં રસ લેતા થયા. માનસિક વિકાસમાં વૃધ્‍ધિદર થયો. તેમજ ગણીત જેવા વિષયમાં સારૂ પરિણામ લાવતા થયા. બાળકોને ભારતીય સનાતન ખીચડીમાં રસ જાગ્‍યો.

વડોદરામાં ગામના પાદરે આવેલી શાળા જ્‍યાં સંતુલિત ઘરનું રાંધેલું ભોજન હંમેશાં સુનિヘતિ હોતું નથી ત્‍યાં જગદીશભાઇ જેઠવાની ખીચડીના ફાયદાઓ આヘર્યજનક હતા. શિક્ષકોએ જણાવ્‍યું હતું કે વિદ્યાર્થીઓના વર્તનમાં મોટો ફેરફાર જોવા મળ્‍યો હતો. સીઆરસી કોઓર્ડિનેટર જગદીશ શાહે જણાવ્‍યું હતું કે, તેઓ વધુ શાંત, વધુ ધ્‍યાન આપનારા અને વધુ સક્રિય હતા. સવારની શરૂઆત સરળ બની - બેચેની ઓછી થઈ અને ભાગીદારી વધી. પાયલોટ પ્રોજેક્‍ટ દરમિયાન હાજરી ૧૦૦%ની નજીક રહી હતી. જેમ જેમ વાત ફેલાઈ તેમ નજીકની સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ પૂછવા લાગ્‍યા કે શા માટે માત્ર ઈન્‍દિરાનગરના બાળકોને જ ખાસ ભોજન મળી રહ્યું છે. રસ એટલો બધો વધી ગયો કે શાહે તાજેતરમાં એક વિજ્ઞાન મેળા દરમિયાન સેવાસી ક્‍લસ્‍ટરની તમામ શાળાઓ માટે ખીચડી પીરસવાની વ્‍યવસ્‍થા કરી હતી. પાયલોટ રિપોર્ટ હવે શાળાના બાળકોમાં પોષણની ખામીઓને દૂર કરવા માટે રાજ્‍યના મધ્‍યાહન ભોજન મેનૂમાં ખીચડી અને બટાકાના શાકનો સમાવેશ કરવાની ભલામણ કરે છે. જેઠવા માને છે કે આમાંથી મળતો પાઠ એકદમ સરળ છે. તેમણે કહ્યું, આપણે ઘણીવાર જાટિલ ઉકેલો શોધીએ છીએ. પરંતુ કેટલીકવાર જવાબ આપણા રસોડામાં જ હોય છે. આ પ્રયોગ દર્શાવે છે કે આપણે બાળકોને પેકેજ્‍ડ ફૂડથી દૂર કરીને પૌષ્ટિક, પરંપરાગત ભોજન તરફ કેવી રીતે પાછા લાવી શકીએ છીએ - અને તે પણ સાબિતી સાથે. જ્‍યારે વડોદરાના સાંસદ હેમાંગભાઇ જોશી પણ આ ખીચડીનો સ્‍વાદ ચાખ્‍યા પછી અભિભૂત થયા હતા અને ખીચડીના પાયલોટ પ્રોજેક્‍ટને સફળ ગણાવ્‍યો હતો.

 ખીચડી માટે સર્વસ્‍વ સમર્પિત કરનાર જગદીશભાઇ જેઠવાએ ગુજરાત સરકારના માધ્‍યમથી આખા ભારતવર્ષમાં પહેલી વખત થયેલ પાયલોટ ખીચડી પ્રોજેક્‍ટથીએ સાબીત કર્યું કે ભારતીય સનાતન ખીચડીમાં કેટલી તાકાત રહેલી છે. જગદીશભાઇ કહે છે, આ ખીચડીનો રોજબરોજ ઉપયોગ કરવાથી આપણા આરોગ્‍યમાં ઘણાબધા પરિવર્તનો આવી શકે છે. છેલ્‍લા ૫૦ વર્ષથી આપણા ઉપર વિદેશી જંકફુડનુ આક્રમણ ચાલુ છે જેમાં આપણી સનાતન ખાદ્યશૈલી દબાઇ ગઇ છે. જંકફુડથી બાળકો અનેક રોગોના શિકાર બની રહ્યા છે. લોકો એમજ માને છે કે ખીચડી એટલે મગ અને ચોખા. હકીકતે એવું નથી. ખીચડીને અનેક લાડ લડાવી શકીએ છીએ. ખીચડીમાં વિવિધ સીઝનલ શાકભાજી, અનેક પ્રકારના કઠોળ વગેરેનો ઉપયોગ કરવાથી એ ખીચડી સ્‍વાદિષ્ટ અને પોષક બની શકે છે. હવે આપણા ખીચડી જેવા પ્રાચીન ખોરાક તરફ વળવાનો સમય આવી ગયો છે.

જગદીશભાઇ અને તેમનો પરિવાર દરરોજ એક સમય વેજીટેબલ મસાલા ખીચડીનું ભોજન કરે છે. જેઠવા પરિવાર ખીચડીનું મીશન લઇ નીકળ્‍યા છે. તેઓ કહે છે, માત્ર મસાલાજ નહિ પાલક ખીચડી, કોર્ન મસાલા ખીચડી, ચીઝ ખીચડી, મીલેટ ખીચડી વગેરે ખીચડીમાં મસાલાના સંયોજનથી અનેક પ્રકારના સ્‍વાદ ડેવલપ થઇ શકે છે. જે અનુંભવો અને સતત સંશોધનન અંતે શિખ્‍યા છીએ. જગદીશભાઇ અને મીલનબેન જેઠવા ખીચડીની અનેક પ્રકારની રેસીપી બાળકોના અને મોટાના સ્‍વાદ અનુંસાર અદભૂત રીતે બનાવી જાણે છે. એટલે જંકફુડ સામે સ્‍વાદસભર ખીચડી આપો તો લોકોને અચૂક ભાવે છે.

અંકોડિયા શાળામાં ખીચડીનો પાયલોટ પ્રોજેક્‍ટ પૂર્ણ થયો પણ બાળકો કહે છે આ ખીચડીને ફરી શરૂ કરો આવી ખીચડી તો અમને ઘરે પણ ખાવા નથી મળતી. જગદીશભાઇએ મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલને ખીચડી ખવડાવી હતી જ્‍યારે નાયબ મુખ્‍યમંત્રી શ્રી હર્ષભાઇ સંઘવીને ખીચડી વિશે માહિતગાર કરી ખીચડી પેકેટ આપ્‍યા હતા. જગદીશભાઇ છેલ્‍લા ૧૧ વર્ષથી ભારતીય સનાતન ખીચડીને લોકલાડીલી કરવા પ્રયાસરત હતા જેમાં વડોદરાની શાળાનો સરકારી પ્રોજેક્‍ટ મળતા તેમને સફળતા મળી હતી. જગદીશભાઇ કહે છે જંકફુડની મલ્‍ટીનેશન કંપનીઓ સામે ભારતીય સનાતન ખીચડીને આગળ લાવવા સંસ્‍થાઓ આગળ આવે તો આ ભારતીય સનાતન ફુડ બચે અને આપણું યુવાધન રોગોનો શિકાર થતા બચે. બાળકોને સવારે પરિક્ષા હોય કે લોકોને અગત્‍યના કામ અર્થે જવું હોય તો અગલા દિવસે સાંજે ભોજનમાં ખીચડીનો ઉપયોગ કરવાથી સવારે સ્‍ફુર્તિ અને તાજગીનો અનુંભવ થાય છે. ટુંકમાં જગદીશભાઇએ સનાતન ભારતીય ખીચડીન ફરી જીવંત કરી છે.

 

*  ગુજરાત સરકાર દ્વારા વડોદરા જિલ્‍લાના ઇન્‍દિરાનગર પ્રાથમિક શાળાના ૧૨૬ બાળકોને સતત ત્રણ મહિના સુધી ખીચડી ખવડાવવાનો પ્રોજેક્‍ટ જગદીશભાઇ જેઠવા અને તેમના પત્‍નિ મિલનબેનને સોંપયો હતો

*  બાળકોને દરરોજ સ્‍વાદિષ્ટ વેજીટેબલ મસાલા ખીચડી, વેજીટેબલ કોર્ન ખીચડી અને વેજીટેબલ મિલેટ (ધાન્‍ય) ખીચડી પીરસાઇ

*  ખીચડી પ્રોજેક્‍ટશરૂ કર્યા પહેલા અને પછી બાળકોના ટેસ્‍ટ કરાયા હતા જેમાં તેમની ઉંચાઇ, વજન, હિમોગ્‍લોબીનમાં અકલ્‍પનિય સુધારો જોવા મળ્‍યો અને બાળકો ગણીત જેવા અઘરા વિષયમાં અને રમત ગમતમાં આગળ આવ્‍યા.

*  ગુજરાતના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલે મસાલા વેજીટેબલ ખીચડીનો સ્‍વાદ માણી અને ખુબ વખાણી

 

જાલમુરીની જેમ આ ખીચડીને

પણ નરેન્‍દ્રભાઇ લોકભોગ્‍ય બનાવે

તેવી ઇચ્‍છાઃ જગદીશ જેઠવા

ગુજરાત રાજ્‍યના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલને ગાંધીનગર રાજભવન ખાતે પૌષ્ટિક અને સ્‍વાદિષ્ટ ખીચડી બનાવી જમાડનાર વડોદરાના જગદીશભાઇ જેઠવાની દિલથી ઇચ્‍છા છે કે આ ભારતની સનાતન ખીચડી આપણા વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ સુધી પહોંચે. નરેન્‍દ્રભાઇ દરરોજ રાત્રે લગભગ ખીચડી જ ભોજનમાં લે છે. તાજેતરમાં કોલકતામાં મોદી સાહેબે જેમ જાલમુરી ચાખી અને આખા ભારતમાં તેની ચર્ચા થઇ તો આ સનાતન ભારતીય પૌષ્ટિક ખોરાક ખીચડી આજનું યુવાધન આરોગતું થાય તો ભારત દેશનું આરોગ્‍ય પણ સુધરશે. બાળકો અને યુવાનો પિઝા અને બર્ગર છોડીને હોંશે હોંશે ખીચડી ખાતા થાય તો તેનામાં ધરખમ ફેરફારો જોવા મળશે તે ખીચડીથી સાબીત થયું છે. હવે મોદી સાહેબ જાલમુરીની જેમ આ ખીચડીને પણ લોકભોગ્‍ય બનાવે તેવી ઇચ્‍છા છે.

 

પૌષ્ટિક ખીચડીથી બાળકોમાં જોવા મળ્‍યા સકારાત્‍મક ફેરફારો

વજનમાં, ઊંચાઈમાં અને હિમોગ્‍લોબિનના સ્‍તરમાં સુધારો જોવા મળ્‍યો

ભારતવર્ષમાં પ્રથમવાર ડેટા આધારિત વૈજ્ઞાનિક અભિગમ સાથે પ્રાચીન ખોરાક ‘‘ખીચડી'' પર વડોદરાની આંકોડિયા ઇન્‍દિરાનગર પ્રાથમિક શાળામાં બાળકો પર અનોખો પાયલોટ પ્રોજેક્‍ટ હાથ ધરાયો હતો, જે ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પ્રોફેસરોની દેખરેખ હેઠળ પ્‍યોર ફૂડ વડોદરાના જગદીશભાઈ જેઠવા અને તેમની ટીમ દ્વારા અમલમાં મૂકાયો હતો. પ્રોજેક્‍ટ શરૂ થતાં પહેલાં અને સતત ત્રણ મહિના સુધી ખીચડીનું સેવન કર્યા બાદ બાળકોના હેલ્‍થ રિપોર્ટ્‍સનું વિશ્‍લેષણ કરવામાં આવ્‍યું, જેમાં હિમોગ્‍લોબિન, વજન અને શારીરિક બંધારણમાં નોંધપાત્ર સકારાત્‍મક ફેરફારો જોવા મળ્‍યા હતા. એટલું જ નહીં બાળકોમાં માનસિક વિકાસ, બુદ્ધિ ક્ષમતા, રમતગમત અને વક્‍તૃત્‍વ કૌશલ્‍યમાં પણ સુધારો નોંધાયો હતો. વિવિધ અનાજ, શાકભાજી, ચોખા અને ગાયના શુધ્‍ધ ઘીથી તૈયાર થતી આ પૌષ્ટિક ખીચડીમાં કાર્બોહાઈડ્રેટ્‍સ અને પ્રોટીનનું પ્રમાણ વધુ હોવાથી તે સ્‍વાસ્‍થ્‍ય માટે અત્‍યંત લાભદાયી સાબિત થઈ છે. નવાઈની વાત એ છે કે પીઝા અને પાસ્‍તા જેવા ફાસ્‍ટ ફૂડ પાછળ દોડતા બાળકો પણ એકવાર આ ખીચડીનો સ્‍વાદ માણ્‍યા બાદ ફરીથી ખીચડી તરફ આકર્ષાયા છે. વડોદરા જીલ્‍લા આરોગ્‍ય વિભાગે હેલ્‍થ વિભાગે ખીચડિ પ્રોજેક્‍ટ પહેલા અને પ્રોજેક્‍ટ પૂર્ણ થયા બાદ બાળકોના હેલ્‍થ ડેટા એકત્રીત કર્યા જે અંતર્ગત બાળકોના સરેરાશ વજનમાં એવરેજ ૩.૯૩૬ કિગ્રાનો વધારો થયો, ઊંચાઈમાં એવરેજ ૧.૭૬ સેમીનો વધારો થયો અને ૧૦.૨્રુ વિદ્યાર્થીઓ મધ્‍યમથી હળવા ઓછા વજનની શ્રેણીમાં આવ્‍યા. ૧૧૪ ચકાસાયેલ બાળકોમાંથી એવરેજ ૩૮ બાળકોમાં હિમોગ્‍લોબિનના સ્‍તરમાં સુધારો જોવા મળ્‍યો, જેમાં સરેરાશ ૧૧.૩૦% નો વધારો થયો હતો.

 

વિશેષ માહિતી માટે સંપર્ક

જગદીશભાઇ જેઠવા

ગોત્રી સેવાસી, વડોદરા.

સંપર્ક :  ૯૦૨૩૩૧૬૨૯૩,

          ૯૦૯૯૯૧૮૨૭૦

(2:43 PM IST)