તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th July 2026
જય જગન્નાથ... અડાલજ મંદિરથી ભવ્ય રથયાત્રા
શ્રી જગન્નાથ કલ્ચરલ એકેડેમી એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા આયોજન : ભૂપેન્દ્રભાઇ, નરહરિ અમીન, મીરાબેન પટેલ વગેરે ઉજવણીમાં જોડાશેઃ યાત્રા બાદ ભાવિકો માટે મહાપ્રસાદ

રાજકોટ, તા. ૧૧: શ્રી જગન્નાથ કલ્ચરલ એકેડેમી એન્ડ રિસર્ચ સેન્ટર (JCARC), શનિ મંદિર નજીક, અડાલજ, ગાંધીનગર ખાતે આવેલું છે. આ સંસ્થાની સ્થાપના ઓડિશા અને ગુજરાત વચ્ચે સાંસ્કળતિક સેતુનું નિર્માણ કરવા માટે કરવામાં આવી છે. JCARC પરિસરમાં આવેલું શ્રી જગન્નાથ મંદિર શ્રીક્ષેત્ર પુરીના શ્રી જગન્નાથ મંદિરના આદર્શ પર નિર્માણ પામેલું છે અને અહીં જગન્નાથ પુરી મંદિરની પરંપરા અનુસાર તમામ ધાર્મિક વિધિઓનું પાલન કરવામાં આવે છે. આ મંદિર ભગવાન જગન્નાથના સર્વધર્મ સમભાવ, સર્વજાતિ સમાનતા અને વૈશ્વિક ભાઈચારાના સંદેશને પ્રસારિત કરે છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન શ્રી જગન્નાથજીનો ભવ્ય અને ઐતિહાસિક સ્થયાત્રા મહોત્સવ તા. ૧૬ જુલાઈ, ૨૦૨૬ (ગુરુવાર) ના રોજ સવારે ૮:૦૦ વાગ્યાથી સાંજે ૬:૦૦ વાગ્યા સુધી શ્રી જગન્નાથ મંદિર, અડાલજ ખાતે ઉજવવામાં આવશે. રથયાત્રા મહોત્સવની શરૂઆત સ્નાન પૂર્ણિમા (૨૯ જૂન, ૨૦૨૬) થી થઈ ચૂકી છે અને તે નીલાદ્રી વિજય (૨૪ જુલાઈ, ૨૦૨૬) સુધી વિવિધ ધાર્મિક વિધિઓ સાથે ઉજવાશે.
શ્રી જગન્નાથ મંદિર વર્ષભર ભક્તોનું આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. આસપાસના વિસ્તારોમાંથી દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે. રથયાત્રાના દિવસે અંદાજે ૨૦,૦૦૦થી વધુ ભક્તો ભગવાનના દર્શનનો લાભ લેશે તેવી અપેક્ષા છે. સાંજના સમયે મંદિર પરિસરમાં સમાજના સભ્યો તથા જાણીતા કલાકારો દ્વારા ભગવાન સમક્ષ ભવ્ય સાંસ્કળતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
રથયાત્રા દિવસે વિવિધ ધાર્મિક વિધિઓ કરાશે. તમામ વિધિઓ પૂર્ણ થયા બાદ ભગવાન શ્રી જગન્નાથજી ભક્તોને રથ ઉપરથી દર્શન આપશે અને ત્યારબાદ રથયાત્રાનો પ્રારંભ થશે.
પરંપરા અનુસાર ભગવાન શ્રી જગન્નાથજી તેમના મોટાભાઈ ભગવાન બલભદ્ર અને બહેન દેવી સુભદ્રા સાથે પોતાના મૌસીમા મંદિર (મા અન્નપૂર્ણા મંદિર) તરફ પ્રસ્થાન કરશે અને માર્ગમાં તમામ જાતિ, ધર્મ અને વર્ણના ભક્તોને દર્શન આપશે. ભગવાન જગન્નાથની રથયાત્રા સર્વધર્મ સમભાવ, વિશ્વબંધુત્વ, શાંતિ, સમળદ્ધિ અને સુખનો સંદેશ આપે છે. આ વર્ષની રથયાત્રામાં મુખ્ય અતિથિ તરીકે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય મુખ્યમંત્રી, ગુજરાત રાજ્ય ઉપસ્થિત રહેશે. વિશિષ્ટ અતિથિ તરીકે શ્રી નરહરિ અમીન, ગુજરાતના પૂર્વ ઉપમુખ્યમંત્રી શ્રીમતી મીરાબેન પટેલ, મેયર, ગાંધીનગર મહાનગરપાલિકા ઉપસ્થિત રહેશે.
રથયાત્રા શ્રી જગન્નાથ મંદિર, અડાલજથી પ્રારંભ થઈ શનિ મંદિર, ઉવારસદ બ્રિજ, અડાલજ સર્કલ થઈ મા અન્નપૂર્ણા મંદિર સુધી પહોંચશે. રથના આગમન સમયે શ્રી નરહરિ અમીન તથા અન્ય ટ્રસ્ટીઓ દ્વારા મા અન્નપૂર્ણાને ભેટ અર્પણ કરવામાં આવશે અને આરતી યોજાશે. ત્યારબાદ અન્નપૂર્ણા મંદિરે ભક્તો માટે પ્રસાદ સેવનની વ્યવસ્થા કરવામાં આવશે. મૌસીમા મંદિર (મા અન્નપૂર્ણા મંદિર) ખાતે આશરે બે કલાકના વિરામ બાદ ભગવાન શ્રી જગન્નાથજી, ભગવાન બલભદ્રજી અને દેવી સુભદ્રાજી પુનઃ શ્રી જગન્નાથ મંદિર પરત ફરશે. રથયાત્રાના સમગ્ર દિવસે શ્રી જગન્નાથ મંદિર ખાતે ભક્તો માટે મહાપ્રસાદ (પ્રસાદ સેવન)ની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
અષાઢી બીજની રથયાત્રાના આયોજન અંગે આજે બપોર બાદ શ્રી નરહરિ અમીન, સંસ્થાના ચેરમેન શ્રી મહેશ્વર શાહુ અને પ્રેસીડેન્ટ શ્રી એચ.કે. દાસએ પત્રકાર પરિષદ બોલાવેલ છે. સંસ્થાના સભ્ય સચિવ તરીકે અજયકુમાર દાસ કાર્યરત છે.
(3:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
