<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

અમેરિકાના સવાનાહમાં ભક્તિભાવ સાથે જલારામ જયંતીની ભવ્ય ઉજવણી

SGVP શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિરમાં ભજન-કીર્તન, રામધૂન અને પ્રેરણાત્મક સત્સંગ યોજાયાં : જલારામબાપાના પંચોપચાર પૂજન, આરતી બાદ ભક્તોએ બૂંદી, ગાંઠિયા અને મહાપ્રસાદનો લાભ લીધો

અમદાવાદ :  અમેરિકાના સવાનાહ ખાતે આવેલા SGVP શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિરમાં શ્રી જલારામબાપા જયંતીની ભક્તિભાવ અને દિવ્ય વાતાવરણ વચ્ચે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP), અમદાવાદના અધ્યક્ષ સ્વામી શ્રી માધવપ્રિયદાસજીની પ્રેરણાથી કાર્યરત આ મંદિરમાં શ્રી જલારામબાપા તથા શ્રી ભોજલરામબાપા બિરાજમાન છે.
કારતક સુદ સાતમના પવિત્ર દિવસે યોજાયેલા આ ઉત્સવનો પ્રારંભ ગોપી ભજન મંડળની બહેનો દ્વારા ભજન-કીર્તનથી કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રાચીન ભજનોની સાથે જલારામબાપાના જીવનચરિત્ર અને મહિમાનું ગાન કરતા ભજનો તથા રામધૂન દ્વારા સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું. મોટી સંખ્યામાં બહેનો અને ભક્તજનોએ ઉપસ્થિત રહી ભજન-કીર્તનનો લાભ લીધો હતો.
ભજન-કીર્તન બાદ સ્વામી ભક્તિવેદાંતદાસજીએ જલારામબાપાના દિવ્ય જીવન, સેવાભાવ, પરોપકાર અને માનવતાના સંદેશને આધારે પ્રેરણાત્મક સત્સંગ કરાવ્યો હતો. ત્યારબાદ સ્વામી કૃષ્ણજીવનદાસજીએ યજમાનો સાથે મળીને જલારામબાપાનું પંચોપચાર પૂજન કર્યું હતું અને આરતી ઉતારી હતી.
આ ઉત્સવમાં શ્રી ગિરીશભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ, સુધીરભાઈ, સંજયભાઈ પટેલ, નયનભાઈ પટેલ સહિતના ભક્તજનોએ યજમાન તરીકે સેવા અને ધર્મલાભ મેળવ્યો હતો. ઉત્સવના અંતે ઉપસ્થિત તમામ ભક્તજનોએ બૂંદી, ગાંઠિયા તથા મહાપ્રસાદનો આનંદ માણ્યો હતો. સમગ્ર કાર્યક્રમ ભક્તિ, શ્રદ્ધા અને સેવાભાવના સુંદર સંગમ સમાન બની રહ્યો હતો.

(1:34 PM IST)