<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th September 2026

જન્માષ્ટમી ૨૦૨૬: કૃષ્ણમય બન્યું સમગ્ર ગુજરાત, ડાકોરમાં ભક્તિનો મહાસાગર હિલોળે ચડ્યો; વડોદરા ઈસ્કોન મંદિરમાં 'હરે કૃષ્ણ' મહામંત્રના નાદ સાથે ભક્તોનું ઘોડાપૂર

ભગવાન શ્રીકૃષ્ણના પ૨૫૩મા જન્મોત્સવે રાજ્યભરના મંદિરો શણગારાયા: વહેલી સવારથી 'જય રણછોડ, માખણ ચોર'ના નારા ગૂંજ્યા; મધ્યરાત્રિએ કાનુડાના પ્રાગટ્ય અને મહાઆરતી માટે ભક્તોમાં ભારે ઉત્સાહ

ડાકોર/વડોદરા : સમગ્ર ગુજરાત આજે કાનાના જન્મોત્સવની ભક્તિમાં સંપૂર્ણપણે લીન થઈ ગયું છે. ભગવાન શ્રીકૃષ્ણના ૫૨૫૩મા પ્રાગટ્ય પર્વ 'જન્માષ્ટમી' નિમિત્તે રાજ્યભરના નામી-અનામી કૃષ્ણ મંદિરો અને તીર્થક્ષેત્રોમાં સવારથી જ શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ વહી રહ્યો છે. ચારેય તરફ "નંદ ઘેર આનંદ ભયો, જય કન્હૈયા લાલ કી" અને "જય રણછોડ, માખણ ચોર" ના ગગનભેદી નાદથી વાતાવરણ દિવ્ય અને આધ્યાત્મિક બની ગયું છે. મધ્યરાત્રિએ ૧૨ વાગ્યે શામળિયાના જન્મોત્સવ અને ભવ્ય મહાઆરતીની અલૌકિક ક્ષણને નિહાળવા માટે ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રાજાધિરાજ શ્રી રણછોડરાયજીના દરબારમાં આ પર્વે ભક્તિનો મહાસાગર ઊમટ્યો છે. વહેલી સવારથી જ દૂર-દૂરથી ચાલીને આવતા પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓથી ડાકોરની ગલીઓ ઊભરાઈ ગઈ છે. મંદિર પરિસરને આકર્ષક રોશની અને સુગંધીદાર પુષ્પોથી દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે. લાખોની અતિશય ભીડને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રેન્જ IG વત્સ અને ખેડા જિલ્લા પોલીસ વડા વિજય પટેલે સ્થળ પર ઉપસ્થિત રહીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી અને ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

બીજી તરફ, સંસ્કારી નગરી વડોદરાના ગોત્રી સ્થિત પ્રસિદ્ધ ઈસ્કોન મંદિરમાં પણ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ભવ્યાતિભવ્ય ઉજવણી થઈ રહી છે. અહીં ભગવાન શ્રી રાધાશ્યામ સુંદરને અત્યંત સુંદર દિવ્ય વસ્ત્રો અને અલૌકિક પુષ્પ શણગાર ધરાવવામાં આવ્યો છે. સવારથી જ શરૂ થયેલા "હરે કૃષ્ણ હરે રામ" ના અખંડ સંકીર્તનથી આખું પરિસર ગૂંજી ઉઠ્યું છે. નાના બાળકોથી લઈને વડીલો સુધીના તમામ ભક્તો આ દિવ્ય ઉત્સવના રંગે રંગાઈને નાચતા-ગાતા નજરે પડી રહ્યા છે.

(5:18 PM IST)