News of Saturday, 21st November 2026
સુરતમાં માતૃત્વની ખુશી બની મોતની મંજિલ : વરાછાની ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતાનું મોત : તબીબ સામે ગંભીર આક્ષેપ
19 નવેમ્બરે પ્રસૂતિના દુખાવા સાથે દાખલ કરાયેલી 28 વર્ષીય સુનિતા કુમારીનું મોત, પતિએ કહ્યું કલાકો સુધી મળવા ન દીધા, મોત બાદ પણ હાલત ગંભીર હોવાનું કહ્યું, પરિવારની તટસ્થ તપાસની માગ

સુરત તા.૨૧ : સુરતના વરાછા વિસ્તારમાં આવેલી ડાયમંડ હોસ્પિટલમાં 28 વર્ષીય પ્રસૂતાના મોત બાદ વિવાદ સર્જાયો છે. મૃતકના પતિએ તબીબો સામે ગંભીર બેદરકારીના આક્ષેપ કર્યા છે. કલાકો સુધી પત્નીને મળવા ન દેવાઈ હોવાનો પણ દાવો કર્યો છે. પરિવારજનોએ સમગ્ર ઘટનાની તટસ્થ તપાસ કરી ન્યાય અપાવવાની માગ કરી છે.
પીપોદરા ગામમાં રહેતા સંતોષ કુમારની 28 વર્ષીય પત્ની સુનિતા કુમારીને પ્રસૂતિનો દુખાવો ઉપડતાં 19 નવેમ્બરના રોજ વરાછાની ડાયમંડ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પરિવારના જણાવ્યા અનુસાર, ડિલિવરીનો સમય થઈ ગયો હોવાનું જણાવી હોસ્પિટલના તબીબોએ મહિલાને દાખલ કરી હતી.
હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ સુનિતા કુમારીની દવાઓ સહિતની સારવાર શરૂ કરવામાં આવી હતી. જોકે, સારવાર દરમિયાન કલાકો સુધી તબીબોએ પરિવારજનોને મહિલાને મળવા દીધા ન હોવાનો ગંભીર આક્ષેપ પતિ સંતોષ કુમારે કર્યો છે. પરિવારજનોના જણાવ્યા મુજબ, તેઓ સતત મહિલાની તબિયત અંગે જાણકારી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તેમને યોગ્ય માહિતી મળી નહોતી.
મૃતકના પતિ સંતોષ કુમારે આક્ષેપ કર્યો છે કે, પત્નીનું મોત થઈ ગયું હોવા છતાં પરિવારને તેની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ ઘટનાને લઈને હોસ્પિટલના તબીબોની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. માતૃત્વની ખુશી માણવા ગયેલો પરિવાર હવે માતમમાં ફેરવાઈ ગયો છે.
ઘટના બાદ મૃતક સુનિતા કુમારીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પરિવારજનો દ્વારા સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવાની માગ કરવામાં આવી છે. પ્રસૂતિ માટે હોસ્પિટલમાં દાખલ થયેલી 28 વર્ષીય મહિલાનું મોત કયા સંજોગોમાં થયું અને સારવાર દરમિયાન કોઈ બેદરકારી થઈ હતી કે કેમ તે અંગે તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
(4:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
