તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th November 2026
દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓનું હોટસ્પોટ બન્યું જૂનાગઢનું ગિરનાર, રોપ-વે અને પગથિયાં પર ઉમટી ભારે ભીડ
દિવાળીના તહેવારોમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઐતિહાસિક સ્થળો અને કુદરતી સૌંદર્ય માણવા જૂનાગઢ પહોંચી રહ્યા છે.

દિવાળીના તહેવારો અને વેકેશનની રજાઓમાં ફરવા નીકળેલા પ્રવાસીઓ માટે જૂનાગઢ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિવિધ વિસ્તારો ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ જૂનાગઢ અને ગિરનારની મુલાકાતે પહોંચી રહ્યા છે. ગિરનારની લીલીછમ વનરાઈ, ઠંડું વાતાવરણ અને ધાર્મિક સ્થળોનો અનોખો સંગમ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી રહ્યો છે. રજાઓના પગલે શહેરનાં જોવાલાયક સ્થળો અને ગિરનાર પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે.
ગિરનાર પર્વત પર રોપ-વેની સુવિધા શરૂ થયા બાદ અહીં આવતા પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થયો છે. દિવાળીના વેકેશનમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ રોપ-વે દ્વારા સરળતાથી પર્વત પર પહોંચી રહ્યા છે. બીજી તરફ, શ્રદ્ધાળુઓ અને સાહસિક પ્રવાસીઓ પરંપરાગત રીતે હજારો પગથિયાં ચડીને અંબાજી માતાના દર્શન કરવા તેમજ ભગવાન દત્તાત્રેયનાં ચરણોમાં શીશ નમાવવા પહોંચી રહ્યા છે. પર્વત પર છવાયેલા વાદળો, લીલીછમ વનરાજી અને કુદરતી સૌંદર્ય પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણ બન્યાં છે.
જૂનાગઢમાં પ્રવાસીઓ માત્ર ગિરનાર પૂરતા સીમિત નથી, પરંતુ શહેરમાં આવેલા નવાબી યુગનાં સ્થાપત્યો, મ્યુઝિયમ, નરસિંહ મહેતાનો ચોરો, મહોબત મકબરો અને ઐતિહાસિક ઉપરકોટ કિલ્લો તથા અડીકડી વાવ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. આ ઉપરાંત, એશિયાઈ સિંહોના નિવાસસ્થાન તરીકે જાણીતા સાસણ ગીર સફારી પાર્કમાં પણ પ્રવાસીઓની અવરજવર વધી છે. પરિણામે દિવાળીની રજાઓમાં જૂનાગઢ અને આસપાસનાં પ્રવાસન સ્થળો પર ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે.
સુરતથી પરિવાર સાથે જૂનાગઢ આવેલા પ્રવાસીએ જણાવ્યું કે, આ વખતે બહારગામ કે વિદેશ જવાને બદલે તેમણે સૌરાષ્ટ્રનાં પવિત્ર સ્થળોની મુલાકાત લેવાનું પસંદ કર્યું છે. ગિરનાર, સાસણ, નરસિંહ મહેતાનો ચોરો, અડીકડી વાવ અને દ્વારકા સહિતનાં સ્થળોની મુલાકાતનો અનુભવ અદભુત રહ્યો છે. તેમના જણાવ્યા મુજબ, વિદેશ પ્રવાસ ખર્ચાળ હોય છે, જ્યારે સૌરાષ્ટ્રમાં ખુશનુમા વાતાવરણ, સારા રસ્તા અને રહેવા-જમવાની પ્રમાણમાં સસ્તી સુવિધાઓ પ્રવાસીઓ માટે અનુકૂળ છે.
મુંબઈથી જૂનાગઢ ફરવા આવેલાં પ્રવાસીએ જણાવ્યું કે, તેઓ પહેલીવાર જૂનાગઢ આવ્યાં છે. અગાઉ તેઓ શિમલા જેવા હિલ સ્ટેશનો પર ફરવા જતાં હતાં, પરંતુ સૌરાષ્ટ્રનાં ઊંચાં પર્વતો અને કુદરતી વાતાવરણનો અનુભવ તેમના માટે અલગ અને અદ્ભુત રહ્યો છે. અહીંની ઠંડી હવા અને પ્રકૃતિએ તેમને ખાસ આકર્ષ્યાં છે. જૂનાગઢની મુલાકાત બાદ તેઓ સોમનાથ અને દ્વારકાની પણ મુલાકાત લેવાના છે. આ ભીડના કારણે સ્થાનિક વેપારીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
(5:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
